ઑસ્ટ્રેલિયન ઑલરાન્ડરને કોલકાતાએ રૂપિયા 25.20 કરોડમાં ખરીદ્યોઃ બે હાઇએસ્ટ-પેઇડ અનકૅપ્ડ ખેલાડીને ચેન્નઈએ 14.20 કરોડ રૂપિયામાં મેળવ્યા
અબુ ધાબીઃ કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)એ ઑસ્ટ્રેલિયાના ટોચના ઑલરાઉન્ડર કૅમેરન ગ્રીનને મંગળવારે અબુ ધાબીના આઇપીએલ પ્લેયર્સ-ઑક્શનમાં 25.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો અને એ સાથે ગ્રીન ક્રિકેટ જગતની સૌથી લોકપ્રિય આ ભારતીય ટી-20 લીગનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી બન્યો છે. તેણે પોતાના જ દેશના ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્કનો 24.75 કરોડ રૂપિયાનો વિક્રમ તોડ્યો હતો. ગ્રીનને ખરીદવા કેકેઆર તેમ જ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના પ્રતિનિધિઓ વચ્ચે તીવ્ર હરીફાઈ થઈ હતી જેમાં છેવટે કેકેઆરને સફળતા મળી હતી. ગ્રીન આઇપીએલના ઇતિહાસમાં (રિષભ પંત-27 કરોડ અને શ્રેયસ ઐયર-26.75 કરોડ રૂપિયા પછી) ત્રીજા નંબરનો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે.
કેકેઆરના જ ફ્રૅન્ચાઇઝીએ શ્રીલંકાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર લસિથ મલિન્ગા જેવી સ્લિંગ બોલિંગ-ઍક્શન ધરાવતા પેસ બોલર મથીશા પથિરાનાને 18 કરોડ રૂપિયામાં મેળવ્યો હતો. બીજી તરફ, ભારતના બે અજાણ્યા નવયુવાન ખેલાડી પ્રશાંત વીર અને કાર્તિક શર્મા પર ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)નું ફ્રૅન્ચાઇઝી આફરીન થયું હતું. સીએસકેના પ્રતિનિધિઓએ બન્નેને 14.20 કરોડ-14.20 કરોડ રૂપિયામાં મેળવ્યા હતા.
એક બાજુ ગ્રીનને કેકેઆરના ફ્રૅન્ચાઇઝીએ આઇપીએલનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી બનાવ્યો ત્યાં બીજી તરફ પ્રશાંત અને કાર્તિક શર્મા આ ટૂર્નામેન્ટના સૌથી મોંઘા અનકૅપ્ડ પ્લેયર (આંતરરાષ્ટ્રીય મૅચ ન રમ્યા હોય એવા ખેલાડી) બન્યા હતા. ચેન્નઈના ફ્રૅન્ચાઇઝીએ પહેલાં ઉત્તર પ્રદેશના 20 વર્ષના લેફ્ટ-આર્મ સ્પિનર પ્રશાંતને માત્ર 30 લાખ રૂપિયાની મૂળ કિંમત સામે 14.20 કરોડ રૂપિયામાં મેળવ્યો હતો અને ત્યાર બાદ રાજસ્થાનના 19 વર્ષીય વિકેટકીપર-બૅટ્સમૅન કાર્તિક શર્માને પણ 30 લાખ રૂપિયાની બેઝ પ્રાઇસ સામે 14.20 કરોડ રૂપિયામાં મેળવવામાં સફળતા હાંસલ કરી હતી. બાંગ્લાદેશના પેસ બોલર મુસ્તફિઝુર રહમાનને કેકેઆરે 9.20 કરોડ રૂપિયામાં ખરીદી લીધો હતો.
ગ્રીનને પૂરા 25.20 કરોડ રૂપિયા નહીં મળે!
કૅમેરન ગ્રીનને હરાજીમાં 25.20 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે, પરંતુ તેને 2026ની સીઝન રમવાના 25.20 કરોડને બદલે માત્ર 18 કરોડ રૂપિયા મળશે. વિદેશી ખેલાડીઓ માટેના લિલામને લગતા નિયમો અનુસાર બાકીની રકમ (7.20 કરોડ રૂપિયા) બીસીસીઆઇના પ્લેયર ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં મોકલી દેવાશે. કોલકાતાના ફ્રૅન્ચાઇઝીના મૅનેજિંગ ડિરેકટર વેન્કી મૈસૂરે કહ્યું હતું કે ગ્રીનના સમાવેશથી અમારી ટીમને ઘણી સમતુલા મળશે. કૅમેરન ગ્રીન અગાઉ મુંબઈ અને બેંગલૂરુ વતી રમ્યો હતો. તેણે અત્યાર સુધીમાં આઇપીએલમાં 29 મૅચમાં કુલ 707 રન કર્યા છે અને 16 વિકેટ લીધી છે. તેણે કેકેઆરમાં સામેલ થવા બદલ સોશ્યલ મીડિયામાં આનંદ વ્યક્ત કરતા કહ્યું હતું કે ` હું 2026ની આઇપીએલમાં કેકેઆરનો હિસ્સો થવા સંબંધમાં ખૂબ આતુર છું. ઈડન ગાર્ડન્સના મેદાન પર ક્યારે ઊતરવા મળે એની રાહ જોઉં છું. આશા રાખું છું કે 2026નું વર્ષ અમારા માટે યાદગાર નીવડશે.'
પથિરાના સૌથી મોંઘો શ્રીલંકન
ચેન્નઈના ફ્રૅન્ચાઇઝી પાસે આ હરાજીની શરૂઆતમાં કુલ 43.40 કરોડ રૂપિયાનું ભંડોળ હતું જેમાંથી 28.40 કરોડ રૂપિયા એણે બે નવયુવાન ભારતીય ખેલાડી (પ્રશાંત-કાર્તિક)ને મેળવવા પાછળ ખર્ચ કર્યા હતા. કેકેઆરે પથિરાનાને દિલ્હી કૅપિટલ્સ (ડીસી) તથા લખનઊ સુપર જાયન્ટ્સ (એલએસજી) સાથેની તીવ્ર હરીફાઈમાં ઊતરવું પડ્યું હતું. છેવટે ડીસી અને એલએસજી બહાર નીકળી જતાં કેકેઆરને પથિરાના મેળવવામાં સફળતા મળી હતી. શાહરુખ ખાનની સહમાલિકીવાળી કેકેઆરની ટીમને પથિરાના 2.00 કરોડ રૂપિયાની બેઝ પ્રાઇસ સામે 18.00 કરોડ રૂપિયામાં મળ્યો હતો. પથિરાના આઇપીએલની હરાજીમાં સૌથી મોંઘો શ્રીલંકન ખેલાડી બન્યો છે.
જમ્મુ-કાશ્મીરના ઑકિબને 8.40 કરોડ મળશે
મિની ઑક્શનમાં જમ્મુ-કાશ્મીરના પેસ બોલર ઑકિબ નબી દરે પણ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેને દિલ્હી કૅપિટલ્સે 30 લાખ રૂપિયાની મૂળ કિંમત સામે 8.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. એ સાથે, તે આ મિની ઑક્શનમાં મૂળ કિંમત સામે સૌથી વધુ ફાયદો મેળવનાર ખેલાડીઓમાં ગણાઈ રહ્યો છે.
પૃથ્વી શૉ, સરફરાઝને કોઈએ ન લીધા
ભારતના બે જાણીતા બૅટ્સમેન પૃથ્વી શૉ અને સરફરાઝ ખાનને તાજેતરમાં બૅટિંગમાં સારું ફૉર્મ બતાવવા છતાં એક પણ ફ્રૅન્ચાઇઝીએ નહોતા ખરીદ્યા.
વેન્કટેશ 7.00 કરોડમાં બેંગલૂરુને મળ્યો
તમામ 10 ફ્રૅન્ચાઇઝીઓમાં કેકેઆર પાસે સૌથી વધુ 64.30 કરોડ રૂપિયાનું ભંડોળ હતું અને એણે ઑલરાઉન્ડર વેન્કટેશ ઐયરને મેળવવા રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (આરસીબી) સાથે તીવ્ર હરીફાઈ કરી હતી. જોકે છેવટે આરસીબીએ વેન્કટેશને 2.00 કરોડ રૂપિયાની મૂળ કિંમત સામે 7.00 કરોડ રૂપિયામાં મેળવી લીધો હતો.
મિલર-ડિકૉક મૂળ કિંમતે ખરીદાયા
દિલ્હી કૅપિટલ્સે ડેવિડ મિલરને 2.00 કરોડ રૂપિયાની મૂળ કિંમત સામે 2.00 કરોડ રૂપિયામાં મેળવ્યો હતો, જ્યારે સાઉથ આફ્રિકાના જ ઓપનર-વિકેટકીપર ક્વિન્ટન ડિકૉકને મુંબઈ ઇન્ડિયન્સે 1.00 કરોડ રૂપિયાની બેઝ પ્રાઇસ પર જ મેળવી લેતાં ડિકૉકે આ ટીમમાં પુનરાગમન કર્યું છે.