2025નું વર્ષ પૂરું થવાને હવે ગણતરીના દિવસો બાકી જ રહ્યા છે ત્યારે યુટ્યૂબ અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મે 2025ના સૌથી મોટા ટ્રેન્ડ્સની યાદી બહાર પાડી છે. અહીં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કેટલાક આવા ટ્રેન્ડ્સ વિશે. આ ટ્રેન્ડે લાખો દર્શકોને પોતાની તરફ ખેંચ્યા છે અને યુટ્યૂબના મતે 2025માં કન્ટેન્ટ ગ્લોબલ અને લોકલ એટલે કે તમામ લોકોને જોડનારું પણ હતું. મજાની વાત તો એ હતી કે ભારતમાં 75 ટકા જેન ઝી યુઝર્સે દુનિયાભરના ટ્રેન્ડ્સ અને ઈવેન્ટ્સની જાણકારી મેળવવા માટે યુટ્યૂબને જ પોતાનું એક વિશ્વસનીય માધ્યમ બનાવ્યું હતું.
2025નું વર્ષ ખૂબ જ હેપનિંગ રહ્યું હતું અને આ વર્ષે એવી અનેક ઈવેન્ટ્સ જોવા મળી કે જેણે લોકોને સ્ક્રીન સાથે કનેક્ટેડ રાખ્યા જેવી કે મહાકુંભ, આઈપીએલ-2025, એશિયા કપ વગેરે વગેરે... આ તમામ ટ્રેન્ડે સોશિયલ મીડિયા પર ખૂબ જ લાઈમલાઈટ ચોરી લીધી હતી. એમાંથી જ કેટલાક ટ્રેન્ડિંગ ટોપિક વિશે આપણે આ સ્ટોરીમાં વાત કરીશું.
જોકે, આ સિવાય બીજા પણ કેટલાક એવા ટ્રેન્ડ્સ આ વર્ષે ટ્રેન્ડમાં રહ્યા જેમ કે ઈટાલિયન બ્રેનરોટ સાથે સંકળાયેલો Tung Tung Tung Sahurનું કેરેક્ટર હોય કે પછી લાબુબુ ડોલ્સ આ તમામ ટ્રેન્ડે યુટ્યૂબ પર ધૂમ મચાવી હતી. મ્યુઝિકની વાત કરીએ તો આ વર્ષે શોર્ટ વીડિયો અને લોન્ગ ફોર્મેટ બંને ફોર્મેટમાં અનેક ગીત યુઝર્સની પહેલી પસંદ બન્યા હતા.
ટ્રેન્ડિંગ ટોપિક્સની વાત કરીએ તો સ્ક્વિડ ગેમએ ફરી એક વખત લોકો પર પોતાનો જાદુ ચલાવ્યો હતો. આ સિવાય સૈયારા, કૂલી, કુંભ મેલા, આઈપીએલ 2025, સનમ તેરી કસમ, ટુંગ ટુંગ ટુંગ સાહુર, લાબુબુ, એશિયા કપ જેવા ટોપિક પણ આખું વર્ષ ચર્ચામાં રહીને ટ્રેન્ડિંગ ટોપિક્સ બન્યા હતા અને યુટ્યૂબ પર તેને સર્ચ કરવામાં આવ્યા હતા.
યુટ્યૂબ શોર્ટ્સની વાત કરીએ તો અહીં પણ મ્યુઝિક ટ્રેન્ડ્સે ખાસ ઓળખ ઊભી કરી હતી. એમાં પણ Passo Bem Soltoનું સ્લો વર્ઝન, શેકી, સૈયારા, યેડા યુંગ, માફિયા અને વિક્ટરી એન્થમ જેવા ટ્રેક્સ શોર્ટ વીડિયોમાં ખૂબ જ ઉપયોગમાં લેવામાં આવ્યા. આ સિવાય તુને ઓ રંગીલેનું બ્રાઝિલિયન ફંક મિક્સ, જુટ્ટી મેરીનું લાઈવ વર્ઝન, પાયલ કી ખનક અને દિલ પે ચલાઈ છુરિયાનું ટ્રેન્ડિંગ વર્ઝન પણ યુઝર્સના પ્લે લિસ્ટનો હિસ્સો બની રહ્યા હતા.