નવી દિલ્હીઃ ભારતના ટેસ્ટ અને વન-ડે સુકાની શુભમન ગિલ (Shubhman Gill)નું ટી-20 આંતરરાષ્ટ્રીય ફૉર્મેટમાં છેલ્લું એક વર્ષ સારું નથી રહ્યું તેમ જ ટીમ-મૅનેજમેન્ટની જરૂરિયાતને આધારે આગામી ફેબ્રુઆરીમાં રમાનારા ટી-20 વર્લ્ડ કપ માટેનું પ્લેયર્સ કૉમ્બિનેશન નક્કી કરવામાં આવ્યું હોવાથી ગિલને વર્લ્ડ કપની ટીમમાં નથી લેવામાં આવ્યો, પરંતુ સુનીલ ગાવસકરને તેની બાદબાકીથી આશ્ચર્ય થયું છે અને તેમણે ગિલની પ્રશંસા કરવાની સાથે તેને નવાઈ પમાડે એવી એક સલાહ પણ આપી છે.
અજિત આગરકરના અધ્યક્ષસ્થાન હેઠળની પસંદગીકાર સમિતિએ ગિલને ટી-20 ટીમમાંથી પડતો મૂકીને ઇશાન કિશનને એમાં સમાવ્યો છે. રિન્કુ સિંહને પણ 15 પ્લેયરની સ્ક્વૉડમાં સ્થાન આપ્યું છે. આ સૌથી ટૂંકા ફૉર્મેટમાં ફરી ફૉર્મમાં આવવા ઝઝૂમી રહેલા ગિલની બાદબાકી અપેક્ષિત હતી. સિલેક્ટરોએ તેને ટીમની બહાર કરવાનો મુશ્કેલ નિર્ણય લીધો છે અને તેના સ્થાને અક્ષર પટેલને વાઇસ-કૅપ્ટન બનાવ્યો છે. આ જ ટીમ પહેલાં તો જાન્યુઆરીમાં ન્યૂ ઝીલૅન્ડ સામેની પાંચ મૅચની ટી-20 શ્રેણીમાં રમશે.
સુનીલ ગાવસકર (Gavaskar)ની ગિલની બાદબાકી ગમી નથી. તેમણે શનિવારે કહ્યું, ` ગિલને વર્લ્ડ કપના સ્ક્વૉડની સાવ બહાર કરી દેવામાં આવશે એવું તો ધાર્યું જ નહોતું. મને થોડું નહીં, પણ પૂરું આશ્ચર્ય થયું છે. ગિલ ક્લાસિક પ્લેયર છે. તે સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં સંઘર્ષ કરી રહેલો જોવા મળ્યો હતો. જોકે બૅટ્સમૅનનું ફૉર્મ તો આવે ને જાય, તેનો ક્લાસ કાયમી હોય છે.'
ગાવસકરે એક મુલાકાતમાં એક રસપ્રદ ઘટનાની વાત કરતા કહ્યું, ` તાજેતરમાં હું અમદાવાદથી જે ફ્લાઇટમાં પ્રવાસ કરી રહ્યો હતો એમાં ગિલ અને સૂર્યકુમાર પણ હતા. ત્યારે મેં ગિલ પ્રત્યે સ્નેહ બતાડીને તેને પ્રેમથી કહ્યું, ` ઘરે જાય ત્યારે કોઈને કહેજે કે તારી નજર ઉતારી લે, કારણકે આપણે સૌ આવી વાતોમાં વિશ્વાસ કરતા હોઈએ છીએ. મારું માનવું છે કે ક્યારેક નજર લાગી જતી હોય છે.'
ગાવસકરે ઇન્ટરવ્યૂમાં એવું પણ જણાવ્યું કે ` આઇપીએલ (IPL)માં ગિલનું પ્રદર્શન સારું રહ્યું છે જેના પરથી તેની ટી-20 ક્ષમતાનો પુરાવો મળી જાય છે. ગિલ બહુ જ સારો બૅટ્સમૅન છે અને આઇપીએલનો તેનો પર્ફોર્મન્સ જોતાં કોઈ પણ કહી શકે કે તેના માટે ટી-20 કંઈ નવુંસવું ફૉર્મેટ નથી.'