સીકરઃ રાજસ્થાનના સીકર જિલ્લામાં મોડી રાત્રે સ્લીપર બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. બીકાનેર હાઈવે પર થયેલી દુર્ઘટનામાં ખાટુ શ્યામના દર્શને જતાં ત્રણ શ્રદ્ધાળુના મૃત્યુ થયા છે અને 18 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. સ્લીપર બસ ગુજરાતી શ્રદ્ધાળુઓને લઈ ખાટુ શ્યામ જતી હતી.
જાણકારી મુજબ, સ્લીપર બસ બીકાનેરથી જયપુર જતી હતી. જયપુર-બીકાનેર નેશનલ હાઈવે પર મંગળવારે રાત્રે 10.40 કલાક આપસાપસ બંને વાહનોની સામ સામે ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે ટ્ર્ક અને બસના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અનેક મુસાફરો સીટમાં ફસાઈ ગયા હતા. ટ્રક ઝુનઝુનૂ તરફથી બીકાનેર જઈ રહ્યો હતો અને બસ બીકાનેર તરફથી જયપુર તરફ આવી રહી હતી.ટક્કર એટલી ભયાનક હતી કે બસનો આગળનો ભાગ લગભગ 15-20 ફૂટ સુધી ટ્રકની અંદર ઘૂસી ગયો હતો.
આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા અને 18 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જે પૈકી 10 લોકોને સીકર રિફર કરવામાં આવ્યા હતા. અકસ્માત થતાં જ હાઇવે પરથી પસાર થઈ રહેલાં વાહનો થોભી ગયા હતા અને સ્થાનિક લોકોએ તરત જ પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી. થોડીવારમાં પોલીસ અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
પોલીસના જણાવ્યા પ્રમાણે, બસમાં સવાર મોટા ભાગના મુસાફરો ગુજરાતના રહેવાસી હતા. આ બધા જમ્મુ સ્થિત વૈષ્ણો દેવીના દર્શન કરીને પાછા ફરી રહ્યા હતા અને યાત્રા દરમિયાન ખાટુ શ્યામજી મંદિરમાં દર્શન માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન ફતેહપુરમાં આ અકસ્માત થયો હતો. દુર્ઘટનાનું કારણ જાણવા વધુ તપાસ ચાલી રહી છે.