Mon Dec 22 2025

Logo

White Logo

અનૈતિક સંબંધનો આંચકાજનક અંત: : દિયરની નજર સામે ભાભીનો આપઘાત...

3 days ago
Author: Yogesh C Patel
Video

માતા ગાળાફાંસો ખાતી હતી ત્યારે દીકરી વારંવાર દરવાજો ખટખટાવતી રહી, પણ ઘરમાં હાજર આરોપી કાકાએ દરવાજો ન ખોલ્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: સાયનમાં બનેલી આંચકાજનક ઘટનામાં દિયરની નજર સામે ભાભીએ ગાળાફાંસો ખાધો હતો અને દિયર મૂક પ્રેક્ષક બની રહ્યો હતો. એનાથી વધુ આઘાતજનક બીના એટલે ઘટના સમયે મહિલાની દીકરી વારંવાર દરવાજો ખટખટાવતી હતી, પરંતુ ઘરમાં હાજર આરોપીએ દરવાજો ખોલ્યો નહોતો. અનૈતિક સંબંધમાંથી મહિલાએ આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.

વડાલા ટીટી પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર મનીષ અવળેએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે મહિલાની પચીસ વર્ષની પુત્રીએ નોંધાવેલી ફરિયાદને આધારે આરોપી વિરુદ્ધ સદોષ મનુષ્યવધનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ધરપકડ કરાયેલા આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.મળતી માહિતી અનુસાર ઘટના શનિવારની સાંજે 7.40 વાગ્યાની આસપાસ બની હતી. 45 વર્ષની મહિલા સાયનના પ્રતીક્ષા નગરમાં પતિ, દીકરી અને પતિની ફોઈના 30 વર્ષના પુત્ર સાથે રહેતી હતી. પિતા-પુત્રી સવારે કામે ગયા પછી ઘરમાં દિયર સાથે મહિલા એકલી હતી. સાંજે પુત્રી ઘરે પાછી ફરી ત્યારે ઘરનો દરવાજો અંદરથી લૉક હતો.

ફરિયાદ અનુસાર યુવતીએ વારંવાર દરવાજો ખટખટાવ્યો હતો અને બૂમો પાડવા છતાં ઘરમાંથી કોઈ પ્રત્યુત્તર મળ્યો નહોતો. ખાસ્સી વાર બૂમો પાડ્યા પછી ઘરમાંથી આરોપીએ જવાબ આપ્યો હતો. ‘દરવાજો અંદરથી ખૂલતો નથી, જામ થઈ ગયો છે, બહારથી ધક્કો મારો’ એવું આરોપીએ કહ્યું હતું.જોરથી ધક્કા મારવા છતાં દરવાજો ન ખૂલતાં યુવતીને શંકા ગઈ હતી. તેણે પડોશમાં રહેતી મહિલાને બોલાવી હતી. બન્ને જણે દરવાજો ખટખટાવ્યો અને બૂમો પાડી. ઘણો સમય વીતી ગયા પછી આખરે આરોપીએ દરવાજો ખોલ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ દરવાજો ખૂલ્યો તો અંદરનું દૃશ્ય જોઈ યુવતીને આંચકો લાગ્યો હતો. તેની માતાએ સીલિંગ ફૅન સાથે ઓઢણી બાંધી ગળાફાંસો ખાધો હતો અને તે નિર્વસ્ત્ર અવસ્થામાં હતી. ઘરમાં માતા સાથે કાકા જ હતા અને તેની નજર સામે આવું બન્યું હતું.બીજે દિવસે યુવતીએ માતાનો મોબાઈલ ફોન ચેક કર્યો હતો. વ્હૉટ્સઍપ ચૅટ પર કાકા અને માતા વચ્ચેના મેસેજીસ વાંચી તેને આઘાત લાગ્યો હતો. બન્ને વચ્ચે આડા સંબંધનો ખુલાસો આ ચૅટ્સ પરથી થયો હતો.

કહેવાય છે કે છથી સાત વર્ષથી મહિલાના દિયર સાથે અનૈતિક સંબંધ હતા. એપ્રિલમાં દિયરનાં લગ્ન નક્કી થયાં હતાં, જેનો મહિલાએ વિરોધ કર્યો હતો. મહિલા તેના દિયર સાથે લગ્ન કરવા માગતી હતી. પોલીસનું માનવું છે કે ભાવનામાં વહીને મહિલાએ આપઘાત કર્યો હશે અને આરોપીએ છુટકારો મળતો હોવાનું માની તેને રોકી નહીં હોય. જોકે ઘટના સમયે યુવતી પહોંચી ગઈ એટલે આરોપીને ત્યાંથી પસાર થઈ જવાનો મોકો નહીં મળ્યો હોય.