મહેસાણા/નવી દિલ્હીઃ ગુજરાતીઓમાં અમેરિકા જવાનો ઘણો ક્રેઝ છે. ટ્રમ્પ સરકાર અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયોને પરત મોકલી રહી છે. આ ઉપરાંત ગેરકાયદે રહેતા લોકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઘણા ગુજરાતીઓને ઘરભેગા કરી દેવામાં આવ્યા છે. આ દરમિયાન મહેસાણાનો એક 30 વર્ષીય યુવક અન્ય વ્યક્તિના નામે બનાવેલા નકલી પાસપોર્ટ પર ભારત પરત ફરતા દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઝડપાયો હતો.
મહેસાણાની ગાયત્રી સોસાયટીમાં રહેતા જીગર પટેલ નામના મુસાફરના પ્રવાસ દસ્તાવેજોમાં વિસંગતતા જણાતા 19 ડિસેમ્બરે આઈજીઆઈ એરપોર્ટ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પટેલ અમેરિકાથી ફ્લાઇટ AI 126 દ્વારા બપોરે 12.30 વાગ્યે ડિપોર્ટ તરીકે ટર્મિનલ-૩ પર ઉતર્યો હતો.
FIR મુજબ, જીગર પટેલની ટ્રાવેલ હિસ્ટ્રી તપાસતા જાણવા મળ્યું કે, તે એપ્રિલ 2013માં ભારતીય પાસપોર્ટ પર ભારત છોડીને ગયો હતો, જે જૂન 2022માં એક્સપાયર થઈ ગયો હતો. પરત આવવા માટે તેણે 2019માં ન્યૂયોર્કથી ઈશ્યુ થયેલા એક પાસપોર્ટનો ઉપયોગ કર્યો હતો, જે ઉત્તર પ્રદેશના કુશીનગરના રહેવાસી ખુરશીદ અંસારીના નામે હતો. સરકારી રેકોર્ડમાં આ પાસપોર્ટ 'ખોવાયેલ' તરીકે નોંધાયેલો હતો.
ઇમિગ્રેશન અધિકારીઓએ તપાસમાં જોયું કે પાસપોર્ટ ભારતીય સુરક્ષા માપદંડો મુજબનો નહોતો. પાસપોર્ટમાં લેઝર પરફોરેશન મેન્યુઅલી કરેલું હતું, બાયો પેજ પરની ઘોસ્ટ ઈમેજ ખામીયુક્ત હતી, અને રાષ્ટ્રીય પ્રતીકનું વોટરમાર્ક દેખાતું નહોતું. આથી અધિકારીઓએ નિષ્કર્ષ કાઢ્યો કે પાસપોર્ટ નકલી હતો.
પૂછપરછ દરમિયાન જીગર પટેલે કબૂલાત કરી હતી કે તેણે અમદાવાદના રોકી નામના એજન્ટ દ્વારા આ નકલી પાસપોર્ટ મેળવ્યો હતો. પોલીસે જણાવ્યું કે આ કૃત્ય ઇમિગ્રેશન સત્તાવાળાઓ સાથે છેતરપિંડી અને સરકારી દસ્તાવેજોમાં ચેડાં કરવા સમાન છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
સેલ્ફ-ડિપોર્ટેશનનો વધતો ટ્રેન્ડ
સૂત્રોના જણાવ્યા અનુસાર, અમેરિકામાં કડક તપાસને કારણે ખાસ કરીને ગુજરાતના અનેક ગેરકાયદેસર વસાહતીઓ સેલ્ફ ડિપોર્ટ આવવાનો વિકલ્પ પસંદ કરી રહ્યા છે. અમેરિકામાં પ્રવેશવું જેટલું મુશ્કેલ છે, હવે ત્યાંથી નીકળવું પણ એટલું જ અઘરું બન્યું છે, જેને કારણે લોકો નકલી પાસપોર્ટ જેવા જોખમી રસ્તા અપનાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી 2025માં અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતા ગુજરાતી સહિત ભારતીયોને ત્યાંથી પરત ભારત મોકલવામાં આવ્યા છે. અમેરિકન એરફોર્સના વિમાનમાં ગેરકાયદે વસવાટ કરતા ભારતીયોને સ્વદેશ પરત મોકલવામાં આવ્યા હતા.