Mon Dec 22 2025

Logo

White Logo

અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટના ધમકીભર્યા ફોનથી પોલીસ દોડતી થઈ: : આરોપી યુવકની ધરપકડ...

2 days ago
Author: Mumbai Samachar Team
Video

અમદાવાદ: શહેરમાં ગુરુવારે રાત્રે એક અનામી ફોન કોલે સુરક્ષા એજન્સીઓના શ્વાસ અધ્ધર કરી દીધા હતા. પોલીસ કંટ્રોલ રૂમમાં રાત્રિના સમયે એક શખ્સે ફોન કરીને એવી ગંભીર ધમકી આપી હતી કે, 'આવતીકાલે અમદાવાદમાં બોમ્બ ધડાકો થવાનો છે.' આટલું કહીને તુરંત જ ફોન કાપી નાખવામાં આવ્યો હતો. શહેરની શાંતિ જોખમાય તેવી આ ગંભીર ચેતવણી મળતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત આખું તંત્ર હરકતમાં આવી ગયું હતું.

ધમકીભર્યો કોલ આવતા જ સાવચેતીના ભાગરૂપે બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો કામે લાગી ગઈ હતી. ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ કરતા આ કોલનું લોકેશન શહેરના સરખેજ વિસ્તારનું હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે મોડી રાત્રે જ સરખેજ અને તેની આસપાસના વિસ્તારોમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને કોલ કરનાર શખ્સ સુધી પહોંચવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા.

પોલીસે ગણતરીના કલાકોમાં તપાસનો ધમધમાટ તેજ કરી ધમકી આપનાર 33 વર્ષીય યુવકને ફતેહવાડી વિસ્તારમાંથી શોધી કાઢ્યો હતો. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, આ યુવકે તેની માતાના મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો. આરોપીની ઓળખ થયા બાદ સરખેજ પોલીસે રાત્રે અંદાજે 1 વાગ્યે તેની અટકાયત કરી પોલીસ સ્ટેશન ખસેડ્યો હતો.

પોલીસની પ્રાથમિક પૂછપરછ અને તપાસમાં સામે આવ્યું હતું કે પકડાયેલો યુવક માનસિક રીતે અસ્થિર છે. માનસિક બીમારીના કારણે તેણે આ પ્રકારનું ગેરજવાબદાર કૃત્ય કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, સુરક્ષામાં કોઈ કચાસ ન રહી જાય તે માટે પોલીસે તેને ફરી પૂછપરછ માટે બોલાવ્યો છે. હાલમાં આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને શહેરમાં કોઈ પણ ભયજનક પરિસ્થિતિ નથી તેની ખાતરી કરવામાં આવી છે.