Thu Dec 11 2025

Logo

White Logo

SIR: : મતદારોના ફોર્મ પરત લેવાનો આવતીકાલે છેલ્લો દિવસ, જાણો અત્યાર સુધીની વિગતો

17 hours ago
Author: Pooja Shah
Video

અમદાવાદઃ ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન ઝુંબેશ (એસઆઈઆર)નો ગણતરીનો તબક્કો આજે પૂરો થઈ રહ્યો છે. ફોર્મ પરત આવવાની સમયમર્યાદા પૂરી થવાને હવે માત્ર એક દિવસ બાકી રહ્યો છે ત્યારે રાજ્યભરમાં વિતરીત થયેલા  5,08,43,291 ફોર્મ પૈકી માત્ર 1,877 ફોર્મ મળવાના બાકી રહ્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. તેમના કહેવા અનુસાર ગણતરીના તબક્કાની 99.99 % કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. આ કામમાં કુલ 27 જિલ્લામાં 100 ટકા કામગીરી થઈ છે. 

 રાજ્યની કુલ 166 વિધાનસભા મતવિસ્તારમાં ચકાસણીની 100 ટકા કામગીરી સંપન્ન થઈ ચૂકી છે. તા. 7, 8 અને 9 ડિસેમ્બર એમ ત્રણ દિવસ દરમિયાન બૂથ લેવલ ઓફિસર અને માન્ય રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટો વચ્ચે બેઠકોનું આયોજન કરાયું હતું. આ બેઠકોના નિષ્કર્ષ સાથે જે-તે વિધાનસભા મતવિસ્તારમાં ભાગ પ્રમાણે મતદારોના નામની યાદી જિલ્લા ચૂંટણી અધિકારીઓની વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવી રહી છે. તથા મુખ્ય નિર્વાચન અધિકારી (સીઈઓ) ની વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.  

ગણતરીના તબક્કાના છેલ્લા ચરણ સુધીમાં ધ્યાને આવ્યું કે 18 લાખથી વધુ અવસાન પામેલ મતદારો મતદારયાદીમાં સામેલ હતા. જ્યારે 10.26 લાખથી વધુ મતદારો તેમના સરનામે ગેરહાજર જોવા મળ્યા, સાથોસાથ 40.44 લાખથી વધુ મતદારો કાયમી સ્થળાંતરિત થઈ ચૂક્યા હોવાનું ધ્યાને આવ્યું છે. જ્યારે 3.37 લાખથી વધુ મતદારો રિપીટેડ હોવાનું અધિકારીઓએ અખબારી યાદીમાં જણાવ્યું હતું.