હેન્રી શાસ્ત્રી
ભારતીય ફિલ્મ મેકિંગમાં પ્રેરણાનો ઈતિહાસ એના જન્મ જેટલો જૂનો છે. ધૂંડીરાજ ગોવિંદ ફાળકે- દાદાસાહેબ ફાળકે 1911ની સાલમાં જ્યેષ્ઠ પુત્ર ભાલચંદ્ર સાથે ‘એમેઝિંગ એનિમલ્સ’ નામની ફિલ્મ જોવા ગયા હતા. ફિલ્મની વાત સાંભળ્યા પછી પરિવારજનોને પડદા પર ફિલ્મ વિશે અચરજ થયું અને ફાળકે સમગ્ર પરિવારને એ ફિલ્મ જોવા લઈ ગયા. જોકે, એ દિવસે ઈસ્ટર ફેસ્ટિવલ હોવાથી થિયેટરમાં ફ્રેન્ચ ડિરેક્ટરની ‘ધ લાઈફ ઓફ ક્રાઈસ્ટ’ ફિલ્મ દર્શાવાઈ હતી.
રૂપેરી પડદા પર ઈશુ (જીસસ)ને જોઈ દાદાસાહેબના દિમાગમાં એમની જગ્યાએ રામ-કૃષ્ણ ગોઠવાઈ ગયા. પિક્ચરના ‘ધી એન્ડ’ સાથે એક નવી શરૂઆતનાં બીજ રોપાયાં. ફાળકે થિયેટરમાંથી બહાર નીકળ્યા ત્યારે ચલચિત્ર વ્યવસાયમાં ઝંપલાવવાનો નિર્ધાર થઈ ગયો હતો. આ સાથે પહેલી પ્રેરણા ફિલ્મ ‘રાજા હરિશ્ચંદ્ર’ (1913)ની કલ્પનાએ આકાર લીધો. ભારતીય ચલચિત્રના 112 વર્ષના ઈતિહાસમાં પ્રેરણાનાં પુષ્પોનો પમરાટ અનેક સ્વરૂપે જોવા મળ્યો છે. અલબત્ત, ક્યારેક પ્રેરણા લઈ સીનને અલગ રીતે રજૂ કરવામાં આવ્યો છે તો ક્યાંક આબેહૂબ નકલ કરવામાં આવી છે તો એક ઉદાહરણ એવું પણ છે જે જાણ્યા પછી તમે કહેશો કે ‘ઈટ્સ અ લિમિટ…’
‘દીવાર’ - ‘ધુરંધર’
યશ ચોપડા દિગ્દર્શિત ‘દીવાર’નો સીન યાદ કરો. એક આલીશાન હોટેલના સ્વિમિંગ પુલ પાસે અમિતાભ, ઈફ્તેખાર (ડાબર) અને અન્ય સાથીઓ બેઠા હોય છે ત્યારે પ્રતિસ્પર્ધી મદનપુરી (સામંત)ની ગેંગમાં પોતાનો માણસ ઘુસાડી દેવાનો પ્રસ્તાવ અમિતાભ બચ્ચન મૂકે છે. કામ અસંભવ લાગતા અમિતાભ એક આઈડિયા આપે છે કે ‘આપણો એક માણસ (મિસ્ટર દર્પન) જો સામંતને જઈને કહે કે ફલાણા બારમાંથી રાત્રે સાડા દસ વાગ્યે હું એકલો હથિયાર વિના નીકળીશ ત્યારે એના પર હુમલો કરી શકાય તો સામંત આપણા દર્પનને મારો દુશ્મન માની એને નોકરી પર રાખી લેશે અને આપણું કામ થઈ જશે.’
પ્લાન મુજબ દર્પન સામંતને જાણકારી આપે છે. અમિતાભ બારમાંથી એકલો હથિયાર વિના બહાર નીકળે છે. સામંતના માણસો હુમલો કરે છે પણ અમિતાભ બચી જાય છે, દર્પનને સામંતની ગેંગમાં ઘૂસવા મળે છે અને એનો લાભ ડાબરની ગેંગને મળી જાય છે.
હવે ‘ધુરંધર’નો સીન યાદ કરો. ફિલ્મના નાયક રણવીર સિંહ (હમઝા અલી મર્ઝાઈ)ને રેહમાન ડકૈતની ગેંગમાં ફિટ કરવા મોહમ્મદ આલમ (ગૌરવ ગેરા) એક પ્લાન બનાવે છે. બાબુ ડકૈતના માણસો એક લગ્નમાં હાજરી આપવા આવેલા રેહમાનના બે દીકરાને ઠાર કરવાની કોશિશ કરે છે. મોટો દીકરો માર્યો જાય છે, પણ રણવીર જાનના જોખમે નાના દીકરાને બચાવી લે છે અને શિરપાવ રૂપે એને રેહમાનની ગેંગમાં સ્થાન મળી જાય છે.
The Untouchables - તેજાબ
ફિલ્મ પત્રકારત્વની ફુલ ટાઈમ જવાબદારીના પ્રારંભ કાળની વાત છે. એ સમયે હિન્દી સિવાય અન્ય ભાષાના ચિત્રપટ જોવાનો મોકો સામે ચાલીને આવતો. વાત છે 1988ની. એન. ચંદ્રાની ‘તેજાબ’ રિલીઝ થઈ ધૂમ મચાવી રહી હતી. ફિલ્મની 29 મિનિટ પછી બેંકમાં સશસ્ત્ર હુમલાની એક સિક્વન્સ આવે છે. થોડી વાર પહેલા જ ત્યાંથી પસાર થયેલા અનિલ કપૂરને ગોળીબારનો અવાજ સંભળાતા એ દોડતો દોડતો બેન્કની ઈમારત પાસે આવી પહોંચે છે, કારણ કે એમાં એના માતા-પિતા નોકરી કરતા હોય છે.
હકીકતથી અજાણ એક મહિલા બાબાગાડીમાં ત્રણેક મહિનાના બાળકને લઈ ઈમારતના પગથિયાં ચડતી જોવા મળે છે. ધમાચકડી મચે છે અને ધૂઆંધાર ગોળીબાર વચ્ચે બાળક સાથેની બાબાગાડી પગથિયાં પરથી નીચે સરકવા લાગે છે અને માતા ‘મેરે બચ્ચે કો બચાઓ’ની બૂમ પાડે છે. આપણો હીરો છલાંગ મારી બાળકને બચાવી લે છે.
આ ફિલ્મ જોઈ એના ત્રણેક દિવસ પહેલા કેવિન કોસનર, રોબર્ટ દ નીરો અને શોં કોનરીની અફલાતૂન ફિલ્મ The Untouchables(1988) જોઈ હતી. એમાં પ્રામાણિક પોલીસ ઓફિસરનો રોલ કરતો કેવિન કોસનર યુએસના શિકાગો સ્થિત યુનિયન સ્ટેશન પર શાર્પ શૂટર સાથી સાથે એક વ્યક્તિને ઝડપી લેવા રાહ જોતો ઊભો હોય છે. એવામાં એક મહિલા હાથમાં કેટલાક સામાન સાથે ત્રણેક મહિનાના બાળક સાથેનું સ્ટ્રોલર (બાબાગાડી) લઈ સ્ટેશનના પગથિયાં ચડવાની કોશિશ કરે છે અને કેવિન એને મદદ કરે છે.
જોકે, અચાનક ગોળીબાર થવાથી લગભગ ઉપર સુધી પહોંચી ગયેલું સ્ટ્રોલર છટકી નીચેની દિશામાં ગબડવા લાગે છે. છેક નીચલા પગથિયે પહોંચી ગબડી પડે એ પહેલા કેવિનનો સાથીદાર બાળકને બચાવી લે છે.
‘તેજાબ’માં અંગ્રેજી ફિલ્મની આ આખી સિક્વન્સની નકલ કરવામાં આવી છે. ફિલ્મ ચાલી રહી હતી ત્યારે મારી બાજુમાં બેઠેલા યુગલમાંથી પત્ની બોલી ઉઠી કે ‘હાયલા! ‘તેજાબ’ની કોપી મારી છે.’
Cold Sweat - મજબૂર
અંગ્રેજી ફિલ્મની નકલ કરવામાં આ હિન્દી ફિલ્મ તો દરેક હદ વટાવી ગઈ હતી. આખું વર્ણન વાંચ્યા પછી ‘હદ કર દી આપને’ એવું તમારા મોઢામાંથી સરી ન પડે તો જ નવાઈ. જો તમે 1970ના દાયકાની વિદેશી એક્શન ફિલ્મોથી પરિચિત હશો તો તમે ચાર્લ્સ બ્રોનસનને જાણતા હશો.
1970ની એક્શન ફિલ્મ Cold Sweat માં બદલો લેવા ઉત્સુક યુવાનના પાત્રમાં ચાર્લ્સ બ્રોનસન છે. ફિલ્મ પૂરી થવાને વીસેક મિનિટની વાર હોય છે ત્યારે કાર ચેઝના ક્લાઈમેક્સમાં ચાર્લ્સ બ્રોસનન લાલ રંગની જર્મન એક્ઝિક્યુટિવ કાર ‘ઓપેલ કોમેડોર’માં અન્ય બે કલાકાર સાથે પોલીસથી બચવા ભાગતો જોવા મળે છે.
ચાર વર્ષ પછી સલીમ-જાવેદની ‘મજબૂર’ ફિલ્મની કથા બે અંગ્રેજી ફિલ્મ Zig Zag અને Cold Sweat પર આધારિત હતી. વીસેક મિનિટ બાકી હોય છે ત્યારે ‘મજબૂર’ના ક્લાઈમેક્સમાં અમિતાભ બચ્ચન યુએસની લાલ રંગની Corvette car માં ડોક્ટરને લઈ જતો દેખાય છે. અંગ્રેજી ફિલ્મની જેમ જ કાર ઊબડખાબડ રસ્તા પર હાલકડોલક થતી ભાગે છે.
દિગ્દર્શક રવિ ટંડન કે પછી પૈસાની બચત કરવા નિર્માતાએ કે બીજા કોઈ કારણસર Cold Sweat ફિલ્મની ચેઝના દૃશ્યો કાપીને ‘મજબૂર’ની રીલમાં ચોંટાડી દીધા છે. પહેલા અંગ્રેજી ફિલ્મ અને પછી હિન્દી ફિલ્મની કાર ચેઝ ધ્યાનથી જોશો તો ‘મજબૂર’ની સિક્વન્સમાં અંગ્રેજી ફિલ્મમાં વપરાયેલી કાર અને એના રસ્તા વર્તાઈ આવશે. સીનની તો કોપી કરી જ, મૂળ ફિલ્મના સીન જ જોડી દીધા.