(અમારા પ્રતિનિધિ તરફથી)
કચ્છઃ ગુજરાત સરકારના પ્રવાસન નિગમના છેલ્લા દોઢ દાયકાના પ્રયાસો રંગ લાવ્યા હોય તેમ કચ્છમાં હાલ દેશ-વિદેશના પ્રવાસીઓનો ભારે ધસારો થવા પામી રહ્યો છે. આમ પણ કચ્છને તારાજ કરનારા વર્ષ ૨૦૦૧નાં વિનાશક ભૂકંપ બાદ થયેલા નવીનીકરણ અને એક સમયના બંજર એવા ધોરડો ખાતેના સફેદ રણમાં વર્ષ ૨૦૦૩થી યોજાતા રણોત્સવના કારણે આ કચ્છ જેવા સૂકા મુલકને આંતરરાષ્ટ્રીય ખ્યાતી મળવા પામી છે અને આ સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના 'કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા'ના સ્લોગનની અસર પણ જોવા મળી રહી હતી.
૧૪મી જાન્યુઆરી 'હાઉસફૂલ'
અંદાજે ૪૦થી ૫૦ હજાર જેટલા પર્યટકો ૩૧મી ડિસેમ્બરના સૂર્યાસ્તને નિહાળવા અને ઈશુના નવા વર્ષ ૨૦૨૬ને વધાવવા માટે કચ્છના અદભુત સફેદ રણના મહેમાન બનતાં આગામી ૧૪મી જાન્યુઆરી સુધી તમામ પ્રકારની રહેવા-જમવાની જગ્યાઓ 'હાઉસફૂલ' થઇ ગઈ હતી.
મુંબઈથી સહપરિવાર માદરે વતન કચ્છ ફરવા આવેલા એક પરિવારે જણાવ્યું હતું કે, રણોત્સવ અને તેની આસપાસ એક રૂમ પણ આસાનીથી મળતો નથી. જ્યાં મળે છે ત્યાં માત્ર એક રાત માટે ૮ હજારથી ૧૨ હજારનું ભાડું કેટલાક હોટલ સંચાલકો માંગી રહ્યા છે. પાર્કિંગની પણ સમસ્યા થતી હોવાનું અને રોડ ટૂ હેવન પર પણ પ્રવાસીઓના વાહનોની લાંબી કતારો હોવાનું તેઓએ ઉમેર્યું હતું.
ટેન્ટ સિટીના ભાવ આસમાને
કચ્છમાં ફરવા માટે દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓના કેન્દ્રસ્થાનમાં રહેતા ધોરડો ઉપરાંત ભુજ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં આવેલી લગભગ ૧૫૦થી વધુ હોટેલ-ગેસ્ટહાઉસના તમામ રૂમો આગામી એક પખવાડિયા સુધી હાઉસફુલ થઈ ગયા છે, તો સ્વામિનારાયણ મંદિર તેમજ અન્ય વિવિધ સમાજ હસ્તકના બીજા ૭૦૦ જેટલા રૂમ લગભગ બુક થઈ ચૂકયા છે. સફેદ રણમાં આકાર પામેલી ટેન્ટ સિટીના ભાવો પણ આસમાનને આંબી રહ્યા છે.
કચ્છને વૈશ્વિક ફલક પર આગવી ઓળખ અપાવનારું પ્રાચીન નગર ધોળાવીરા, કે પછી નયનરમ્ય માંડવી બીચ કે અન્ય તીર્થધામો હોય હાલ પ્રવાસીઓથી ઉભરાઈ રહ્યા છે. દરમ્યાન, ભુજના સ્વામિનારાયણ મંદિર હસ્તકના વિશ્રાંતિ ભવન, નીલકંઠ ભવન, હરિકૃષ્ણ ભવન, ઘનશ્યામ ભવન, નરનારાયણ ભવનમાં આવેલા અંદાજિત ૩૦૦ જેટલા રૂમોનું બુકિંગ આગામી ૫મી જાન્યુઆરી સુધી ફૂલ થઈ ગયું છે.
આ ઉપરાંત માધાપરમાં આવેલા યક્ષ મંદિર તેમજ અન્ય સમાજ હસ્તકના હોલમાં પણ પ્રવાસીઓની રહેવા માટેની સુવિધા ઉપલબ્ધ છે પણ હાલમાં ત્યાં પગ મુકવાની પણ જગ્યા મળવી મુશ્કેલ હોવાનું અતિથિગૃહનું સંચાલન સંભાળતા આશિષભાઈ ત્રવાડીએ જણાવ્યું હતું.
આજે ભુજમાં લઘુતમ તાપમાન ૧૩ ડિગ્રી સેલ્સિયસ થઇ ગયું હોવા છતાં વહેલી સવારથી જ પર્યટકો ભુજના જુદા જુદા વિસ્તારોમાં ઘૂમતા જોવા મળ્યા હતા અને જ્યાં કચ્છનો દરબાર ભરતો તે પ્રાગમહેલ ,આઈના મહેલ,શરદબાગ પેલેસ,જૂની બજાર, રાજાશાહી કાળની ભવ્ય ઇમારતો તેમજ દરબારગઢમાં દિવસભર પર્યટકોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.
સફેદ રણમાંથી નિહાળેલો ૨૦૨૫નો અંતિમ સૂર્યાસ્ત આજીવન યાદ રહેશેઃ પ્રવાસી
દરમ્યાન, ભારતનો સૌથી છેલ્લો સૂર્યાસ્ત કચ્છના લખપત તાલુકાના મોટી ગુવર ગામે થાય છે, જયારે અરુણાચલ પ્રદેશની ડોંગ ખીણમાં સ્થિત દેવાંગ વેલીમાં સૌથી પહેલા સૂર્યોદય સવારે ૫ ૫૯ કલાકે થાય છે. ૩૧મી ડિસેમ્બર ૨૦૨૫ના રોજ સાંજે ૬ અને ૧૪ મિનિટે ભારતનો સૌથી છેલ્લો સૂર્યાસ્ત થયો હતો જેને જોઈને પ્રવાસીઓ રોમાંચિત થયા હતા. શ્વેત રણમાંથી વર્ષ ૨૦૨૫ના અંતિમ સૂર્યાસ્તને નિહાળીને જીવનભર યાદ રહી જાય એવો અદભુત અનુભવ થયો હોવાનું એક પ્રવાસીએ જણાવ્યું હતું.