Mon Dec 08 2025

Logo

White Logo

પુતિનની ભારત યાત્રા: : ક્રેમલિને શેર કરી PM મોદી અને પુતિનની 24 વર્ષ જૂની ખાસ તસવીર

3 days ago
Author: Tejas
Video

નવી દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આજે બે દિવસના ભારત પ્રવાસે નવી દિલ્હી આવી રહ્યા છે. તેમના આ પ્રવાસ પહેલા રશિયાના રાષ્ટ્રપતિ કાર્યાલય ક્રેમલિને એક અનોખી રીતે બંને દેશોની મૈત્રી અને નેતાઓ વચ્ચેના સંબંધોની જૂની યાદોને તાજી થઈ છે. ક્રેમલિને પુતિન અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની એક તસવીર શેર કરી છે, જે લગભગ 24 વર્ષ જૂની છે. આ તસવીર એ સમયની છે, જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભારતના તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી સાથે રશિયાના પ્રવાસે ગયા હતા.

ક્રેમલિને શેર કરેલી આ તસવીર રસપ્રદ છે, જેમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ભારતના તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની પાછળ ઊભેલા જોવા મળે છે. આ મુલાકાત નરેન્દ્ર મોદી અને પુતિન વચ્ચેની પ્રથમ સત્તાવાર મુલાકાત હતી. તે સમયે વડા પ્રધાન વાજપેયી મોસ્કોની મુલાકાતે હતા અને તેમની સાથે નરેન્દ્ર મોદી તેમ જ તત્કાલીન વિદેશ મંત્રી જસવંત સિંહ પણ હાજર હતા. આ તસવીર આજે બંને નેતાઓ વચ્ચેના ગાઢ સંબંધોની શરૂઆતનો એક સુંદર પુરાવો છે.

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન આજે બે દિવસ માટે ભારતની રાજધાની નવી દિલ્હી આવી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સન્માનમાં આજે હાઈ ડિનરનું આયોજન કર્યું છે. આવતીકાલ શુક્રવારે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે હૈદરાબાદ હાઉસ ખાતે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય શિખર વાર્તા યોજાશે. આ બેઠક દરમિયાન ઘણા મહત્વના દ્વિપક્ષીય કરારો અને ભાગીદારી પર હસ્તાક્ષર થવાની સંભાવના છે, જેમાં રક્ષા (Defence) અને વ્યાપાર (Trade) ક્ષેત્ર પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

વર્ષ 2014માં નરેન્દ્ર મોદી ભારતના વડા પ્રધાન બન્યા પછી તેમની અને વ્લાદિમીર પુતિન વચ્ચેની પ્રથમ સત્તાવાર મુલાકાત 9 ડિસેમ્બર 2014ના નવી દિલ્હીમાં થઈ હતી, જ્યારે પુતિન ભારતની સત્તાવાર યાત્રા પર આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન બંને નેતાઓ વચ્ચે વ્યક્તિગત મુલાકાતો અને ચર્ચાઓ પણ થઈ હતી ત્યારથી જ બંને નેતાઓ વચ્ચે ઘેરી મિત્રતાના બીજ રોપાયા.

વર્ષ 2014 પછી પીએમ મોદી સતત ભારતના વડા પ્રધાન રહ્યા છે અને પુતિન પણ રશિયાના રાષ્ટ્રપતિ પદે નિયમિતપણે આસીન છે. બંને નેતાઓની આ ગાઢ મિત્રતા ભારત-રશિયાના પરંપરાગત સંબંધો ને વધુ મજબૂત બનાવી રહી છે, જે વૈશ્વિક રાજકારણ અને દ્વિપક્ષીય હિતો માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ જૂની તસવીર એ વાતનો સંકેત છે કે આ સંબંધોનો પાયો આજથી બે દાયકા પહેલા જ નંખાઈ ચૂક્યો હતો.