Mon Dec 22 2025

Logo

White Logo

શિક્ષક કહેવાય કે હેવાન? વિકલાંગ બાળકને : શિક્ષકે પત્ની સાથે મળી ઢોર માર માર્યો, માતા-પિતાએ…

2 days ago
Author: Vimal Prajapati
Video

બાગલકોટઃ કર્ણાટકના બાગલકોટનો એક ચોંકાવનારો વીડિયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે. એક શિક્ષકે બાળકને માર મારીને ક્રૂરતાની હદો પાર કરી નાખી છે. કોઈ શિક્ષક બાળક સાથે આવું વર્તન કેવી રીતે કરી શકે? માતા-પિતાઓ માટે આ લાલબત્તી સમાન ઘટના છે. શિક્ષક જ્યારે બાળકને માર મારી રહ્યો હતો ત્યારે તેની પત્નીએ પણ તેનો સાથે આપ્યો હતો. એટલું જ નહીં પરંતુ શિક્ષકની પત્નીએ બાળકની આંખો પર પેપર સ્પ્રે પણ છાંટ્યો હોવાનો આરોપ છે. આ ઘટના અત્યારે ચર્ચાનું કેન્દ્ર બની છે. પોલીસ દ્વારા આ કેસમાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

શું હતી આ સમગ્ર ઘટના?

કર્ણાટકના બાગલકોટ જિલ્લામાં માનસિક રીતે વિકલાંગ બાળકો માટેની રહેણાંક શાળાના એક શિક્ષકે તેની પત્ની સાથે મળીને એક બાળકને નિર્દયતાથી માર માર્યો હતો. બાગલકોટ જિલ્લાના નવનગરમાં એક એનજીઓ આંધળા અને માનસિક રીતે કમજોર બાળકો માટે રહેણાંક શાળા ચલાવે છે. આ જ શાળાના એક 16 વર્ષના બાળકને શિક્ષકે ક્રૂરતા પૂર્વક માર માર્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. શિક્ષક અક્ષય અને તેની પત્ની આનંદીએ બાળકને ક્રૂરતા પૂર્વક ઢોર માર માર્યો હતો. જો કે, આ વીડિયો ત્રણ મહિના જૂનો હોવાનું પણ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે.

માતા-પિતાએ NGO સંચાલક અને તેની પત્ની સામે ફરિયાદ નોંધાવી

આ શાળામાં મોટા ભાગના બાળકો અંધ છે, જ્યારે કેટલાક બાળકો માનસિક રીતે કમજોર હોવાથી તેમની અહીં સંભાળ રાખવામાં આવે છે. આવા માનસિક રીતે વિકલાંગ બાળકને NGOના સંચાલક અને શિક્ષક અક્ષય ઈન્દુલકર અને તેની પત્ની આનંદીએ ઢોર માર માર્યો હતો. આ ઘટના પ્રકાશમાં આવતા બાળકના પરિવાર દ્વારા NGO સંચાલક અને તેની પત્ની સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા બંને આરોપીઓને પોલીસ સ્ટેશન બોલાવ્યાં છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.

એસપી સિદ્ધાર્થ ગોયલે ઘટના અંગે શું કહ્યું?

આ સમગ્ર ઘટના મામલે બાગલકોટના એસપી સિદ્ધાર્થ ગોયલે મીડિયાને વિગતો આપી હતી. એસપી સિદ્ધાર્થ ગોયલે કહ્યું કે, અક્ષય ઇન્દુલકર અને આનંદી સાથે મળીને આ એનજીઓ ચલાવે છે, આ રહેણાંક શાળામાં ઘણા બાળકો અભ્યાસ કરે છે. અહીંથી એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક પતિ-પત્ની એક બાળકને પાઇપથી અને અલગ અલગ રીતે માર મારી રહ્યા હતાં. બાળકના માતા-પિતા ફરિયાદ નોંધાવી છે. અમે એફઆઈઆર નોંધી રહ્યા છીએ. અમે બંનેને પોલીસ સ્ટેશન બોલાવ્યા છે. એક-બે અન્ય લોકો ત્યાં કેરટેકર તરીકે કામ કરતા હતા. આ મારપીટનો વીડિયો ત્રણ મહિના જૂનો છે. ત્યાં કામ કરતા એક કર્મચારીએ આ વીડિયો એટલે કર્મચારીને કાઢી મૂકવામાં આવ્યો હતો. જો કે, તેણે વીડિયા બાળકના વાલીને આપી દીધો હતો. હવે આ કેસમાં આગળની તપાસ ચાલી રહી છે.