(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: કચ્છના ગઢશીશાથી મોથાળા વાયા કોટડા-રોહા-નરેડી રસ્તાના વિકાસ માટે રૂા.૯૦ કરોડ મંજૂર કરાતાં માંડવી વિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ ભારત સરકારના કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલનો આભાર માન્યો હતો. અબડાસા અને માંડવીના ધારાસભ્યો જાડેજા અને દવે દ્વારા આ માર્ગના નવીનીકરણ અંગે સરકારને કરેલી દરખાસ્તો બાદ ગઢશીશાથી મોથાળા ૨૪ કિ.મી. રસ્તાને હાલ ૩.૭૫ મીટરમાંથી ૧૦ મીટર પહોળો-અઢી ઘણો બનાવવાની કામગીરી માટે સરકારી તંત્ર દ્વારા ૯૦ કરોડની માતબર રકમની ગ્રાંટ ફાળવવામાં આવી હોવાનું જણાવાયું હતું.
પ્રવાસીઓને ટ્રાફિકથી મળશે છૂટકારો
ભારત સરકારના માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય દ્વારા સી.આર.આઇ.એફ. યોજના અંતર્ગત મંજૂર કરાયેલા માર્ગના નવનિર્માણથી ભુજ-માંડવી-મુંદરા શહેરી વિસ્તારને જોડતા રાજ્યકક્ષાના માર્ગમાં પ્રવાસન, યાત્રાધામો, સરહદી વિસ્તારને જોડતો માર્ગ, જીએમડીસી માઇન્સ અન્ય વિકસતા ઉદ્યોગોમાં પરિવહન કરતા ભારે વાહનોથી રાઉન્ડ ઘી ક્લોક સર્જાતી ટ્રાફિક સમસ્યા નિવારવા તેમજ કચ્છ ફરવા આવતા દેશ-વિદેશથી આવતા પર્યટકો માટે સુવિધાપૂર્ણ સાબિત થશે તેમ ધારાસભ્યોએ જણાવ્યું હતું.
હાલ સિંગલ પટ્ટીનો રોડ છે ખખડધજ
માંડવી અને અબડાસાને જોડતા ૨૪ કિ.મી.નો આ મહત્વનો માર્ગ હાલમાં સિંગલ પટ્ટીનો અત્યંત ખખડધજ થયેલો હોવાથી બે મોટા તાલુકાના લોકોની સેવા માટે તેનો વિસ્તાર કરવો જરૂરી હોવાથી બંને વિસ્તારના ધારાસભ્યોની રજૂઆતને પગલે કેન્દ્ર સરકારે રૂા. ૯૦ કરોડની ધનરાશિ ફાળવતાં હવે ડબલથી મોટો રોડ ૧૦ મીટરનો બની જશે.