Thu Dec 11 2025

Logo

White Logo

એકસ્ટ્રા અફેરઃ : 79 વર્ષનાં સોનિયાની નાગરિકતા સામે હવે કેમ સવાલ?

1 day ago
Author: Mumbai Samachar Team
Video

ભરત ભારદ્વાજ

ભારતમાં દેશને સ્પર્શતા મહત્ત્વના મુદ્દાની કોઈને પડી નથી પણ સાવ ફાલતુ કહેવાય એવા મુદ્દાને દેશહિતનો બહુ મોટો મુદ્દો હોય એ રીતે હોહા કરી મુકાય છે. સોનિયા ગાંધીની નાગરિકતા અને મતદાર યાદીમાં સમાવેશના મુદ્દે એવું જ થઈ રહ્યું છે. સોનિયા ગાંધીને દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે નાગરિકતા મામલે નોટિસ ફટકારી છે. વિકાસ ત્રિપાઠી નામના વકીલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં આક્ષેપ કરાયો છે કે, સોનિયા ગાંધીએ 1983માં 30મી એપ્રિલે ભારતની નાગરિકતા મેળવી હતી પણ એ પહેલાં 1980ની દિલ્હીના મતદારોની યાદીમાં તેમનું નામ આવી ગયું હતું. 1982માં સોનિયા ગાંધીનું નામ ડિલીટ કરી દેવામાં આવ્યું અને પછી 1983માં ફરી તેમનું નામ દાખલ કરાયું. અરજીમાં મતદાર યાદીમાં છેતરપિંડી કરાઈ હતી અને ખોટા દસ્તાવેજો આપવામાં આવ્યા હતા એવી શંકા વ્યક્ત કરાઈ છે. આ કારણે કોર્ટે દિલ્હી પોલીસને પણ નોટિસ ફટકારીને જવાબ માગ્યો છે.  

આ અરજી ભાજપ પ્રેરિત છે એ દીવા જેવી સ્પષ્ટ વાત છે કેમ કે, સોનિયાની નાગરિકતા સામે સવાલ ભાજપે જ ઉઠાવેલો. ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ 13 ઓગસ્ટે દાવો કરેલો કે સોનિયા ગાંધી ભારતનાં નાગરિક નહોતાં છતાં તેમનું નામ ભારતની મતદાર યાદીમાં દાખલ કરી દેવાયું હતું. માલવિયના કહેવા પ્રમાણે, સોનિયાનું નામ બે વાર મતદાર યાદીમાં દાખલ કરાયેલું અને આ કેસ ચૂંટણી કાયદાના સ્પષ્ટ ઉલ્લંઘનનું ઉદાહરણ છે. 

માલવિયાએ કટાક્ષ પણ કરેલો કે, આ જ કારણે રાહુલ ગાંધી અયોગ્ય કે ગેરકાયદે મતદારોને માન્યતા આપવાની તરફેણ કરે છે અને  સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર-‘સર’)નો વિરોધ કરે છે. માલવીયે એવો સવાલ પણ કરેલો કે સોનિયા ગાંધીએ રાજીવ ગાંધી સાથે લગ્નનાં 15 વર્ષ પછી જ ભારતીય નાગરિકતા કેમ લીધી? આ આક્ષેપોના આધારે કોર્ટમાં આ મામલો પહોંચ્યો છે. 

સોનિયા ગાંધી અત્યારે 79 વર્ષનાં છે અને ભાજપના દાવા પ્રમાણે જ સત્તાવાર રીતે જ 1983 એટલે કે, 42 વર્ષથી ભારતનાં નાગરિક છે. સોનિયા ગાંધી આ દરમિયાન લોકસભામાં છ વાર ચૂંટાયાં ને અત્યારે રાજ્યસભાનાં સભ્ય છે. દેશના ટોચના રાજકીય પક્ષોમાં એક કૉંગ્રેસનાં પ્રમુખપદે સોનિયા 20 વર્ષ રહ્યાં ને કેન્દ્રમાં કૉંગ્રેસની સરકાર હતી ત્યારે ડીફેક્ટો પ્રાઈમ મિનિસ્ટર તરીકે રહ્યાં. મતલબ કે, ડૉ. મનમોહનસિંહ તો નામના વડા પ્રધાન હતા પણ અસલી સત્તા તો સોનિયા પાસે જ હતી.

સોનિયાની રાજકીય કારકિર્દીનો સુવર્ણકાળ ચાલતો હતો ત્યારે ના ભાજપે  સોનિયાની નાગરિકતા સામે સવાલ કરેલો કે ના ભાજપના પાલતુ એવા કોઈ વકીલે કોર્ટનાં દ્વાર ખખડાવ્યાં હતાં. ભાજપ પોતે સત્તામાં આવ્યો પછી પણ આ મુદ્દે કદી બોલ્યો નથી. કેન્દ્રમાં છેલ્લાં 11 વર્ષથી સત્તામાં છે અને ચૂંટણી પંચ તેનું કહ્યાગરું છે છતાં ભાજપે ચૂંટણી પંચમાં તેની ફરિયાદ નથી કરી. હવે  અચાનક ભાજપ પણ મચ્યો છે ને તેના ઈશારે વકીલ સાહેબ પણ કોર્ટમાં પહોંચ્યા છે તેનો મતલબ એ કે, આ રાજકીય લાભ ખાટવા માટેનો દાવ છે, તેનાથી વધારે કંઈ નથી. 

ભાજપની નેતાગીરી છેલ્લા કેટલાક સમયથી નહેરુ-ગાંધી ખાનદાને વરસો લગી લોલેલોલ ચલાવ્યું એવું સાબિત કરીને નહેરુ-ગાંધી ખાનદાનને લોકોની નજરમાં વિલન બનાવવા મથ્યા કરે છે. સોનિયાની નાગરિકતાના મુદ્દે દેકારો પણ ભાજપના આ રાજકીય એજન્ડાનો જ ભાગ છે. બાકી ભાજપને ખરેખર લાગતું હોય કે, સોનિયા ખોટી રીતે દેશનાં નાગરિક બની ગયાં અને મતદાર યાદીમાં આવી ગયાં તો સોનિયા સામે કેસ કરવો જોઈએ. 

નાગરિકતાનો મુદ્દો કેન્દ્ર સરકારનો છે ને કેન્દ્રમાં ભાજપની સરકાર છે એ જોતાં ભાજપે દેકારો કરવાના બદલે સોનિયા સામે કેસ કરી દેવો જોઈએ, સોનિયાને જેલભેગાં કરી દેવાં જોઈએ અને તેમના ગુનાની સજા અપાવવી જોઈએ. ભાજપ એવું કશું કરવાના બદલે પીઠ્ઠુ વકીલો મારફતે કેસ કરાવીને કોર્ટનો સમય બગાડી રહ્યો છે કેમ કે તેને ખબર છે કે, સરકાર કેસ કરે તો કશું વળવાનું નથી. 

આ કેસમાં પહેલાં અરજી નીચલી કોર્ટમાં થયેલી ને નીચલી કોર્ટે આ અરજી એમ કહીને ફગાવી જ દીધેલી કે, નાગરિકતાનો મુદ્દો કેન્દ્ર સરકારનો છે અને મતદાર યાદીમાં નામનો મુદ્દો ચૂંટણી પંચનો છે. આ મુદ્દો કોર્ટના અધિકારક્ષેત્રમાં આવતો નથી ને ક્રિમિનલ અરજીના આધારે આ મુદ્દે કોઈ પગલાં ના લઈ શકાય. કોર્ટના ચુકાદા પછી કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ બંને હરકતમાં આવીને કામગીરી કરી શક્યાં હોત પણ તેમણે કોઈ કામગીરી ના કરી કેમ કે, બંનેને ખબર છે કે સોનિયા વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા નથી. 

સોનિયા સામેના જે કહેવાતા પુરાવા છે એ પણ શંકાસ્પદ છે. મેજિસ્ટ્રેટ કોર્ટે અરજી ફગાવી તેનો એક આધાર એ પણ હતો કે, આ અરજી એક કહેવાતા મીડિયા રીપોર્ટ પર આધારિત હતી. આ મીડિયા રીપોર્ટમાં સોનિયાનું નામ ભારતનાં નાગરિક બન્યાં એ પહેલાં મતદાર યાદીમાં આવી ગયાનો દાવો કરાયેલો અને આ દાવાના સમર્થનમાં 1980ના મતદાર યાદીના રેકોર્ડની કહેવાતી ઝેરોક્સ મુકાયેલી પણ આ ઝેરોક્સ અનસર્ટિફાઈડ હતી તેથી કોર્ટે પુરાવા તરીકે માન્ય નહોતી રાખી. 

હવે અરજદારના વકીલે ચૂંટણી પંચ દ્વારા અપાયેલી કહેવાતી સર્ટિફાઈડ ઝેરોક્સ કોપી મેળવીને અરજી કરી હોવાનો દાવો કર્યો છે. તેના આધારે કોર્ટે અરજી સ્વીકારી છે અને નોટિસો ફટકારી છે. ચૂંટણી પંચે અરજદારને  સર્ટિફાઈડ ઝેરોક્સ કોપી આપી હોય તો તેના પરથી જ આ બધો ખેલ ભાજપના ઈશારે રાજકીય ફાયદા માટે કરાઈ રહ્યો છે એ સ્પષ્ટ થઈ જાય છે.
 
ચૂંટણી પંચ પાસે ગયા વરસે થયેલી મહારાષ્ટ્રની ચૂંટણીના રેકોર્ડ માગો તો પંચ આપવા તૈયાર થતું નથી ને આ કેસમાં 1980ના મતદાર યાદીના રેકોર્ડની સર્ટિફાઈડ કોપી અરજદારને આપી દેવાઈ છે. મેજિસ્ટ્રેટ કોર્ટે સપ્ટેમ્બરમાં અરજી ફગાવી દીધેલી કેમ કે એ વખતે અરજદાર પાસે સર્ટિફાઈડ ઝેરોક્સ કોપી નહોતી. હવે ડિસેમ્બરની શરૂઆતમાં અરજદાર પાસે સર્ટિફાઈડ કોપી આવી ગઈ છે. ચૂંટણી પંચે બે મહિનાથી ઓછા સમયમાં સર્ટિફાઈડ કોપી આપી દેવાની આવી જબરદસ્ત સ્ફૂર્તિ કેમ બતાવી એ કહેવાની જરૂર નથી.

ભાજપના નેતાઓને આવી હરકતો કરીને શું આનંદ મળતો હશે એ ખબર નથી પણ આ હરકતો ભારતીય સંસ્કૃતિને અનુરૂપ નથી જ. આપણે ક્ષમા વીરસ્ય ભૂષણમ્ની વાતો કરીએ છીએ અને 79 વર્ષનાં થયેલાં સોનિયા સામે ક્ધિનાખોરી બતાવવામાં મર્દાનગી અનુભવીએ છીએ. આ ક્યા પ્રકારની ભારતીય સંસ્કૃતિ છે? બીજું એ કે, સોનિયાએ અપરાધ કર્યો હોય તો પણ એ અપરાધ એટલો મોટો નથી કે જેના કારણે તેમને ફાંસી પર ચડાવી દેવાય પણ ભાજપને રાજકીય ફાયદામાં રસ છે તેથી આ બધા ઉધામા કરે છે.