સિડનીઃ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં આવેલા બોન્ડી બીચ પર હનુક્કા સેલિબ્રેશન દરમિયાન થયેલા ગોળીબારના આતંકી હુમલાને લઈને ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસે મોટો ખુલાસો કર્યો છે. ફેડરલ પોલીસ કમિશનર ક્રિસી બેરેટે પુષ્ટિ કરી છે કે આ હુમલો ઇસ્લામિક સ્ટેટ (ISIS) દ્વારા પ્રેરિત હતો. આ ભયાનક ઘટનામાં એક બાળક સહિત કુલ 15 લોકોએ જીવ ગુમાવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે હુમલાખોરો 50 અને 24 વર્ષની ઉંમરના પિતા અને પુત્ર હતા. ગોળીબાર દરમિયાન એક હુમલાખોર માર્યો ગયો હતો, જ્યારે તેના પુત્રની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.
આતંકી હુમલા બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પોલીસે પહેલીવાર શંકાસ્પદોની વિચારધારા અંગે માહિતી આપી હતી. વડા પ્રધાન એન્થની આલ્બનીઝે પણ જણાવ્યું કે પોલીસનો દાવો જપ્ત કરાયેલા વાહનમાં ઇસ્લામિક સ્ટેટના કાળા ઝંડાની હાજરી સહિતના પુરાવાઓ પર આધારિત છે.
ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યના પોલીસ કમિશનર માલ લૈન્યૉને જણાવ્યું કે ઘટનાસ્થળેથી હટાવવામાં આવેલા એક વાહનમાં ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IEDs) અને ISISના ઝંડા પણ મળ્યા હતા. કમિશનર ક્રિસી બેરેટે કહ્યું કે હત્યારાઓએ અત્યંત બેરહેમીથી હુમલો કર્યો હતો અને એવું લાગે છે કે તેમને લોકોની ઉંમરની પરવા નહોતી, માત્ર મૃત્યુઆંક વધારવામાં જ રસ હતો.
આ આતંકી હુમલામાં ઘવાયેલા 25 લોકોની હાલમાં વિવિધ હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે, જેમાંથી 10 લોકોની હાલત ગંભીર છે અને ત્રણ બાળકો પણ દાખલ છે. મૃત્યુ પામેલા લોકોની ઉંમર 10 વર્ષથી લઈને 87 વર્ષની વચ્ચે હતી.
ઘાયલોમાં એક વ્યક્તિ એવો પણ છે, જેણે એક હુમલાખોરને પકડી પાડ્યો હતો અને તેની પાસેથી બંદૂક છીનવી લીધી હતી. આ ઘટનાના પગલે, વડાપ્રધાન આલ્બનીઝે દેશના પહેલાથી જ કડક બંદૂક કાયદાઓને વધુ સખત બનાવવાનું વચન આપ્યું છે, કારણ કે હુમલાખોરે હથિયારોનો જથ્થો કાયદેસર રીતે એકઠો કર્યો હતો. આ સુધારાઓ 1996ના પોર્ટ આર્થર હત્યાકાંડ પછીના સૌથી મોટા સુધારા હશે.
ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યના પોલીસ કમિશનર માલ લૈન્યૉને એ પણ પુષ્ટિ કરી કે હુમલાખોરો ગયા મહિને ફિલિપાઇન્સ ગયા હતા. તપાસકર્તાઓ તેમની આ મુસાફરીના કારણો અને ફિલિપાઇન્સમાં તેઓ ક્યાં ગયા હતા, તેની તપાસ કરશે. આ મુલાકાત હુમલાના આયોજન સાથે સંકળાયેલી હતી કે કેમ, તે જાણવા માટે ઊંડી તપાસ હાથ ધરવામાં આવી છે. આ તપાસ હુમલાના કાવતરાના મૂળ સુધી પહોંચવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.