Mon Dec 22 2025

Logo

White Logo

દાહોદના ઈટાવા ગ્રામ પંચાયતના તલાટી : પાંચ હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા

1 day ago
Author: Vimal Prajapati
Video

દાહોદઃ એસીબી દ્વારા વધુ એક ભ્રષ્ટ સરકારી બાબુની ધરપડક કરવામાં આવી છે. એસીબી ટોલ ફ્રી 1064 પર લાંચની ફરિયાદ મળી હતી. આ ફરિયાદના આધારે ઢઢેલા ઇટાવા ગ્રામ પંચાયત (તાલુકો - ઝાલોદ, જિલ્લો - દાહોદ) ખાતે ફરજ બજાવતા તલાટી કમ મંત્રી અભિનંદન સંજયકુમાર પરમાર 5000 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે. લાંચખોર તલાટી સામે એસીબી દ્વારા આગળની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

લાંચ નહોતી આપવી એટલે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો

વિગતે વાત કરવામાં આવે તો, એક જાગૃત નાગરિક દ્વારા એલસીબીના ટોલ ફ્રી-1064 પર ફરિયાદ કરવામાં આવી હતી કે, ઢઢેલા ઇટાવા ગ્રામ પંચાયત વર્ગ-૩ ના તલાટી કમમંત્રી અભિનંદન સંજયકુમાર પરમાર લાંચની માંગણી કરે છે. જેથી એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું અને ઝાલોદ બસ સ્ટેશનની મેઇન ગેટની બહાર રોડ ઉપર ચાની લારી નજીકથી આરોપીને લાંચના રૂપિયા લેતા રંગે હાથે ઝડપી લેવામાં આવ્યો હતો.

બીલો મંજુર કરવા માટે આરોપીએ 30,000 રૂપિયા માંગ્યાં હતા

ફરિયાદીને સને 2024માં ઢઢેલા ગામ તથા ઇંટા ગામ ખાતે આરસીસી રોડ તથા સામૂહિક શૌચાલયની કામગીરીની વહીવટી મંજુરી મળતા આ કામગીરી પુર્ણ કરવામાં આવી હતી. કામ પૂર્ણ થયા બાદ આ કામના ફરીયાદી આરોપીને સીસી ફોર્મ ભરવાનુ તથા આગળની બીલો મંજુર કરવાની તેમજ અન્ય તમામ કાર્યવાહી પૂર્ણ કરવા માટે કહ્યું હતું. જેથી આ કામ માટે આરોપીએ ફરિયાદી પાસે 30,000/-ની લાંચની માંગણી કરી હતી. આમાં આરોપીએ તુટક તુટક રોકડા 17,500 રૂપિયાઅને 2000 રૂપિયા પાસેથી લીધા હતા. જ્યારે બે વખત ફોન-પેથી 2500 રૂપિયા અને 500 રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફરથી માંગ્યાં હતા. હવે વધારે 5000 ની માંગણી કરવામાં આવતા ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદ આધારે લાંચના છટકામાં આરોપી લાંચ લેતા રંગે હાથે ઝડપાયો હતો.