મુંબઈ: શિવસેના (યુબીટી) સંસદ સભ્ય સંજય રાઉતે કહ્યું હતું કે તેમનો પક્ષ અને રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) મુંબઈ, થાણે, પુણે અને નાશિકમાં આગામી નગરપાલિકાની ચૂંટણી માટે હાથ મિલાવશે.
મુંબઈમાં સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં રાઉતે એમ પણ કહ્યું હતું કે તેમણે કોંગ્રેસના ટોચના નેતૃત્વ સાથે વાત કરી હતી અને પક્ષને વિપક્ષી મહા વિકાસ આઘાડી (એમવીએ) ના ભાગ રૂપે નાગરિક સંસ્થાઓની ચૂંટણી લડવા વિનંતી કરી હતી. રાજ ઠાકરેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ) પણ તેમાં સામેલ હોવી જોઈએ એવું તેમનું માનવું છે.
જોકે, કોંગ્રેસ નેતૃત્વએ આ મામલો સ્થાનિક નેતૃત્વ પર છોડી દીધો છે. સંજય રાઉતે એમ પણ કહ્યું હતું કે રાજ્યની 29 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટણી યોજાશે, પરંતુ અસલ લડાઈ મુંબઈની છે, જેણે સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
મહારાષ્ટ્રમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) સહિત 29 મહાનગરપાલિકાની ચૂંટણી 15 જાન્યુઆરીએ યોજાશે. શિવસેના (2022) અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (2023)માં વિભાજન પછી આ પ્રથમ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી છે. ભૂતપૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (યુબીટી) અને મનસે 2024ની ચૂંટણીમાં હારનો સામનો કર્યા પછી એકબીજાની નિકટ આવ્યા છે, જ્યારે કોંગ્રેસે રાજ ઠાકરેની પાર્ટી સાથે કોઈ જોડાણ નકારી કાઢ્યું છે.
'શિવસેના-યુબીટી અને મનસે વચ્ચે ગઠબંધનની જાહેરાત કરવામાં કોઈ સમસ્યા નથી. બંને ભાઈઓ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે આ જાહેરાત માટે સ્ટેજ પર જોવા મળશે' એવી સ્પષ્ટતા કરી રાઉતે ઉમેર્યું હતું કે /બંને પક્ષ મુંબઈ, થાણે, કલ્યાણ-ડોમ્બિવલી, મીરા ભાયંદર, પુણે અને નાશિક જેવા મોટા શહેરોમાં ચૂંટણી માટે એકત્ર આવશે.