Thu Jan 01 2026

Logo

White Logo

10 હજાર આપી વિશ્વાસ જીત્યો અને પછી ખંખેર્યા રૂ.12 લાખ; : અમદાવાદના યુવક સાથે મોટી છેતરપિંડી

4 days ago
Author: Devayat Khatana
Video

અમદાવાદ: શહેરના નરોડા વિસ્તારમાં રહેતા અને એક ફાર્મા કંપનીમાં પેકિંગ ઓફિસર તરીકે ફરજ બજાવતા 24 વર્ષીય યુવક દિપક વાળંદ સાથે શેરબજારમાં ઉંચા નફાની લાલચ આપી રૂ. 12.06 લાખની સાયબર છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. ભોગ બનનાર યુવકે આ મામલે સાયબર ક્રાઈમ હેલ્પલાઈન પર ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સમગ્ર ઘટનાની વિગત મુજબ, ચારેક મહિના પહેલા દિપકભાઈને  સોશિયલ મીડિયા પર એક અજાણી લિંક પર ક્લિક કરવાથી તેઓ એક વોટ્સએપ ગ્રુપમાં એડ થઈ ગયા હતા. ત્યારબાદ વંશીકા ગીલ નામની વ્યક્તિએ ફોન કરીને તેમને શેરબજારમાં રોકાણ કરવાથી મોટો નફો થશે તેવી લાલચ આપી હતી. વિશ્વાસ જીતવા માટે શરૂઆતમાં રૂ. 10,000 ના રોકાણ સામે નફા સાથે રકમ પરત આપીને ઠગબાજોએ જાળ બિછાવી હતી.

ત્યારબાદ, ઠગબાજોએ એક નકલી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. આ એપ્લિકેશનમાં દિપકભાઈને અલગ-અલગ આઈપીઓ (IPO) અને સ્ટોકમાં રોકાણ કરવાના બહાને તારીખ 02 સપ્ટેમ્બર થી 19 સપ્ટેમ્બર દરમિયાન કુલ 20 જેટલા ટ્રાન્ઝેક્શન દ્વારા રૂ. 12,06,500 ભરાવ્યા હતા. એપ્લિકેશનમાં તેમનું બેલેન્સ નફા સાથે રૂ.54.19 લાખ બતાવતું હતું, પરંતુ જ્યારે તેમણે આ પૈસા ઉપાડવાનો પ્રયત્ન કર્યો ત્યારે રકમ હોલ્ડ પર મૂકી દેવામાં આવી હતી અને વધુ પૈસાની માંગણી કરવામાં આવી હતી.

પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા યુવકે તાત્કાલિક 1930 હેલ્પલાઈન પર સંપર્ક કર્યો હતો. યુવકની ફરિયાદના આધારે પોલીસે વંશીકા ગીલ, એપ્લિકેશનના સંચાલકો અને જે બેંક ખાતાઓમાં નાણાં ટ્રાન્સફર થયા છે તેના ધારકો વિરુદ્ધ તપાસ શરૂ કરી છે.