ગાંધીનગરઃ ગુજરાત ભાજપનું તાજેતરમાં સંગઠન માળખું જાહેર થયું હતું.જેમાં 10 ઉપ પ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રીની નિમણૂક કરવામાં આવી હતી. ગુજરાત ભાજપના નવા મહામંત્રીઓને વિવિઝ ઝોનની જવાબદારી સોંપવામાં આવી હતી. જેમાં પ્રશાંત કોરાટને દક્ષિણ ઝોન અને મુખ્ય મથક પ્રભારીની વિશેષ જવાબદારી સોંપવામાં આવી હતી. અનિરુદ્ધ દવેને સૌરાષ્ટ્ર ઝોન, અજય બ્રહ્મભટ્ટને ઉત્તર ઝોન, હિતેન્દ્રસિંહ ચૌહાણને મધ્ય ઝોનની જવાબદારી સોંપવામાં આવી હતી.
2027 વિધાનસભા ચૂંટણીના લિટમસ ટેસ્ટ માટે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલે પ્રશાંત કોરાટને વિશેષ જવાબદારી સોંપી હતી. મૂળ સૌરાષ્ટ્રના જેતપુર તાલુકાના પ્રશાંત કોરોટાના માતા-પિતા ભાજપ સરકારમાં કેબિનેટ પ્રધાન રહી ચૂક્યાછે. સી આર પાટીલના પ્રદેશ પ્રમુખના કાર્યકાળમાં યુવા મોરચામાં તેઓ પ્રદેશ પ્રમુખ હતા.
મહામંત્રી પ્રશાંત કોરાટને જ્યાં સૌથી વધુ સૌરાષ્ટ્રીયન સ્થળાંતર કરીને સ્થાયી થયા છે અને લેઉવા પાટીદારોનો વિશેષ પ્રભાવ છે તેવા સુરત સહિત દક્ષિણ ગુજરાતના પ્રભારી તેમજ પ્રદેશ કાર્યાલય કમલમના મુખ્ય મથકના પ્રભારી બનાવાયા છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં એપ્રિલ-મે મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે. SIRની કામગીરીના કારણે પહેલાથી રાજ્યમાં 15 મ્યુનિસિપલ, 71 નગર પાલિકા, 33 જિલ્લા પંચાયતો અને 250થી વધુ તાલુકા પંચાયતોમાં ચૂંટણી વિલંબિત છે ત્યારે આ નવી નિમણૂકોથી ભાજપને મજબૂત થવાનો મોકો મળશે.