Thu Jan 01 2026

Logo

White Logo

31મીની રાત્રે આ રસ્તાઓ પર જવાનું ટાળજો, : જુઓ પોલીસનું નવું જાહેરનામું...

4 days ago
Author: Mumbai Samachar Team
Video

અમદાવાદ: દેશમાં વિવિધ જગ્યા પર વર્ષ 2025ની વિદાય અને નવા વર્ષની ઉજવણી શરૂ થઈ ચુકી છે. ત્યારે અમદાવાદમાં પણ નાતાલ અને ન્યુ યઅરને લઈ ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીમાં ભીડને નિયંત્રિત કરવા શહેર પોલીસ કમિશ્નર જી.એસ.મલિકે મહત્વનું જાહેરનામું બહાર પાડ્યું છે. 31મી ડિસેમ્બરની સાંજે અમદાવાદના લોકપ્રિય વિસ્તારોમાં લોકોનો ભારે ધસારો જોવા મળે છે, જેને ધ્યાનમાં રાખીને ટ્રાફિક ડાયવર્ઝન અને પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. આ આયોજનનો મુખ્ય હેતુ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને નાગરિકો સુરક્ષિત રીતે ઉજવણી કરી શકે તે છે.

અમદાવાદના સી.જી. રોડ પર સ્ટેડિયમ સર્કલથી પંચવટી સુધીના માર્ગને 31મીની સાંજે 6 વાગ્યાથી વહેલી સવારના 3 વાગ્યા સુધી 'નો-વ્હીકલ ઝોન' જાહેર કરવામાં આવ્યો છે. રાત્રે 8 વાગ્યા પછી અહીં વાહનોની અવરજવર પર સદંતર પ્રતિબંધ રહેશે. તેવી જ રીતે, સિંધુ ભવન રોડ (SBR) પર પણ જાજરમાન ક્રોસ રોડથી તાજ સ્કાયલાઇન સુધીનો રસ્તો બંધ રાખવામાં આવશે. વાહનચાલકોએ વૈકલ્પિક રીતે મીઠાખળી સર્કલ, નવરંગપુરા અથવા આંબલી ઓવરબ્રિજવાળા રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.

એસ.જી. હાઈવે પર માત્ર પરમિટ ધરાવતા પેસેન્જર વાહનોને જ મંજૂરી મળશે, જ્યારે ભારે વાહનોએ ફરજિયાત એસ.પી. રિંગ રોડનો આશરો લેવો પડશે. વધુમાં, પકવાન ચાર રસ્તાથી સાણંદ ચોકડી અને નેહરુનગરથી ઇસ્કોન સુધીના સર્વિસ રોડ પર પાર્કિંગ કરવા પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે. આ વિસ્તારોમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવશે અને ખોટી રીતે પાર્ક કરેલા વાહનોને ટો કરવામાં આવી શકે છે.

પોલીસ કમિશ્નરના જણાવ્યા અનુસાર, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ જેવી કટોકટીની સેવાઓને આ પ્રતિબંધોમાંથી મુક્તિ આપવામાં આવી છે. જોકે, સામાન્ય જનતા માટે જાહેરનામાનું ઉલ્લંઘન કરવું ભારે પડી શકે છે. નિયમો તોડનાર સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને ગુજરાત પોલીસ એક્ટ હેઠળ કાયદેસરના પગલા લેવામાં આવશે. પોલીસ તંત્રએ શહેરીજનોને અપીલ કરી છે કે તેઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને પોલીસને સહયોગ આપે.