શુક્રવારે ભગવાન ઈસુનો વધસ્તંભ પર વધ થયો અને તે જ દિવસે એમને દફનાવવામાં આવ્યા. એમનો પ્રિય શિષ્ય એમની પાસે હાજર ન હતો માટે ઈસુ એમના દફનના ત્રીજા દિવસે એમને દર્શન આપવા પુનર્જીવિત થયા એમ ખ્રિસ્તીઓ માને છે. શિષ્યો અને અનુયાયીઓને બોધ આપી ઈસુએ સ્વર્ગમાં પ્રયાણ કર્યું. આ પુનરુત્થાનના દિવસને ઈસ્ટર સન્ડેના તહેવાર તરીકે ખ્રિસ્તીઓ ધામધૂમપૂર્વક ઊજવે છે.
ઇજિપ્તની ગુલામગીરી હેઠળ ભોગવેલાં દુ:ખોની કડવી યાદમાં યહૂદીઓ પાસ્ખા (Passover) નામનું પર્વ ઉજવતા. એ પર્વના છેલ્લા દિવસે એક વર્ષના નિર્દોષ લવારાનું બલિદાન અપાતું હતું. યહૂદીઓ એમ માનતા હતા કે આ નિર્દોષ બલિદાનથી માણસને પાપથી મુક્તિ મળે છે. ઈસુનું મૃત્યુ પાસ્ખાપર્વના છેલ્લે દિવસે થયું. તેથી જ ખ્રિસ્તીઓ માને છે કે સમસ્ત માનવીઓથી થયેલા, થતા અને થનારા અપરાધો માટે ઈસુએ પ્રાણદાન કર્યું અને મુક્તિનો માર્ગ સરળ બનાવ્યો. ખ્રિસ્તીઓ માને છે કે, ‘ઈસુ સ્વર્ગેથી પાછા આવીને જગતનો ન્યાય કરવાના છે. મરિયમના એ પુત્રે આપણાં પાપ ધોવા માટે મૃત્યુદંડ ભોગવ્યો.’
નાતાલ, સારો શુક્રવાર તથા પુનર્જીવનનો રવિવાર (Ester Sunday) એ ખ્રિસ્તીઓનો મુખ્ય તહેવાર છે. નાતાલ એટલે ઈસુ ખ્રિસ્તની જન્મજયંતી, ખ્રિસ્તી ધર્મને ઘણા લોકોએ અપનાવ્યો. શરૂઆતમાં જે લોકો ખ્રિસ્તી થયા એમના પર રોમન રાજ્ય સરકારે ભયંકર અત્યાચારો ગુજાર્યા હતા. રોમન લોકોના મોટા ભાગના ગુલામો ખ્રિસ્તી હતા. એ સમયે લોકોમાં દર વર્ષે Saturnalia નામનો એક તહેવાર શનિગ્રહના માનમાં ઉજવાતો હતો. રોમન લોકો શનિને એક ઘરડો અને પ્રેમાળ માણસ માનતા હતા.
આ તહેવાર દરમિયાન ગુલામોને સાત દિવસ સંપૂર્ણ આઝાદી અપાતી હતી. માલિકો ગુલામોને નવી વસ્તુઓ આપી રાજી રાખતા. આખા વર્ષ દરમિયાન આ સાત દિવસ ખૂબ જ આનંદથી જતા તેથી જ ઈસુનો જન્મોત્સવ 25 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી સુધી મનાવાય છે. 25મી ડિસેમ્બરે આવતો નાતાલનો તહેવાર ખ્રિસ્તીઓનો સૌથી મોટો તહેવાર છે અને અત્યંત ઉલ્લાસ દબદબાપૂર્વક બધી કોમોમાં દુનિયાભરમાં ઉજવાતો તહેવાર છે. 24મી ડિસેમ્બરે બરોબર બારના ટકોરે દુનિયાના પ્રત્યેક ખ્રિસ્તી દેવળનો ઘંટ ગૂંજી ઊઠે છે.
પ્રાચીન પેલેસ્ટાઈનના બેથલેહામ ગામમાં આ દિવસે થયેલા ઈસુના જન્મને કૃષ્ણજયંતી જેમ વધાવે છે અને ખ્રિસ્તીઓ દેવળમાં જઈ પ્રાર્થના કરે છે. ચોથી સદીના અંત સુધી, નાતાલનો તહેવાર જુદાં જુદાં સ્થળોએ જુદી જુદી તારીખોએ ઉજવાતો હતો. પણ તે પછી આ તહેવાર 25મી ડિસેમ્બરે ઉજવવાનું ખ્રિસ્તી ધર્મના ગુરુઓ અને અન્ય નેતાઓએ નક્કી કર્યું અને આજ સુધી ચાલુ રહ્યું. ખ્રિસ્તી કોમ સાથે અન્ય કોમો પણ હવે તો નાચગાનનો કાર્યક્રમ રચી મસ્ત બને છે. મોટી મિજબાની પણ યોજાય છે.
ઈસુનો જન્મ થયો ત્યારે એક તારો આકાશમાં ચમકતો હતો તેથી ખ્રિસ્તીઓએ તારાના સદ્ભાગ્યનું પ્રતીક માનતા હોવાથી એને પોતાના ઘર ઉપર ઈસુના જન્મ દિવસે નાતાલનો તારો લટકતો રાખે છે. બાળકોને મનગમતી ભેટ સાંતાક્લોઝ નામનો દેવદૂત મનાતો, રેન્ડિયરની ગાડી ચલાવતો, બરફ જેવી સફેદ દાઢી ધરાવતો એક વૃદ્ધ આપે તેવી પ્રણાલિકા છે. બાળકનાં માતાપિતા કે કોઈ સ્નેહી સામાન્ય રીતે આ ભેટ બાળકને આ દિવસે સાંતાક્લોઝને નામે આપે છે.
પ્રત્યેક ઘરમાં ઈસુ જન્મદૃશ્ય ઈસુનો જન્મ સૂચવતાં પારણાં, ઘેટાં, ભરવાડો, દેવદૂતો, માતા મેરી વગેરેનાં દૃશ્યો રચવામાં આવે છે. નાતાલ વૃક્ષ શણગારાઈને મુકાય છે. નાતાલ વૃક્ષ ઉપર શણગારેલી જુદી વસ્તુઓ - રમકડાં વગેરે સાંતાક્લોઝ નામનો વૃદ્ધ માણસ બાળકોને ભેટ આપે છે. ઈસુ જયંતી ગીતો ગાતાં ગાતાં બાળકો એક બીજાને ઘરે જાય છે. આ રીતે અન્યોન્ય માટે પ્રેમભાવ ઉત્પન્ન થાય છે. આનંદ-ઉલ્લાસ ઊભરાય છે. આપણું નાતાલ વૃક્ષ લોકો નિ:સ્વાર્થી બને અને બીજાઓને પોતાની પાસે જે હોય તે વહેંચે એ માટે બીજાને મદદરૂપ થવા માટે શમીવૃક્ષ જેમ નાતાલ વૃક્ષ એ દાન વૃક્ષ છે.
દુનિયાના મોટા ભાગમાં નવું વર્ષ વસંતઋતુમાં થતું હતું. પણ જુલિયસ સીઝર એ વર્ષને જાન્યુઆરીમાં લઈ ગયો, કારણ કે જાન્યુઆરી નામ જાનુસ નામના દેવ પરથી આવ્યું હોવાનું મનાય છે. જાનુસ એ ગણપતિની જેમ, પારસીઓનો ગાર્ડિયન ડિવાઈન સ્પિરિટ ફરોહર છે તેમ કોઈ પણ શુભ કાર્યની શરૂઆત એની સ્તુતિથી થાય તેવો દેવ હતો. આથી પહેલી જાન્યુઆરી એ જાનુસના ઉત્સવનો ઉમંગભર્યો દિવસ જાહેર થયો અને એ નવા વર્ષનો દિવસ દુનિયાભરમાં ઉલ્લાસથી ઊજવાતો રહ્યો.
દુનિયામાં ખૂબ ફેલાયેલા ખ્રિસ્તી ધર્મના બે મુખ્ય પંથો છે: (1) રોમન-કેથલિક (2) પ્રોટેસ્ટન્ટ. પરંતુ ખ્રિસ્તી ધર્મના મુખ્ય તહેવારો આ બન્ને સંપ્રદાયના અનુયાયીઓ એકસરખા આનંદ ઉલ્લાસથી ઊજવે છે.
ઈસુના એક અંગત શિષ્ય સેન્ટ થોમસ ઈસુનો પ્રેમ અને ક્ષમાનો સંદેશ ભારતભૂમિ પર લાવ્યા હતા એમ કહેવાય છે. આ ધર્મના સંદેશના બીજ કેરાલાની ધરતી પર વવાયાં. એ સમય દરમિયાન ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરનારાઓ cyrian orthodox ના નામે ઓળખાય છે. બીજી એક માન્યતા મુજબ ઈસુના જન્મ બાદ જે ત્રણ જ્ઞાનીઓ એમનું દર્શન કરવા ગયા એમાંના એક ભારતીય હતા અને સૌથી પહેલી સુવાર્તા એમણે હિમાલય, કાશ્મીર, કાબુલ, ગાંધાર, ઈત્યાદિ પ્રાંતોમાં ફેલાવી.
અર્વાચીન કાળમાં પોર્ટુગીઝ, સ્કોટીશ તથા અમેરિકન મિશનરીઓએ ધર્મપ્રચાર કર્યો છે. મિશનરીના સંતોએ ગરીબ તથા માંદાઓની સેવા કરી. ભારતીય સમાજવ્યવસ્થામાં સદીઓથી દુ:ખ અને અપમાન ભોગવતા ચોથા વર્ણને ઈસુનો સંદેશ ખૂબ જ ગમ્યો. તેમણે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો. આ સાથે પંડિતા રમાબાઈ, નારાયણ વામન તિલક, રાવબહાદુર આઠવલે, ડૉ. કરમરકર તથા ન્યાયમૂર્તિ કરમરકર (બે ભાઈઓ) તથા બાબા પદમનજી જેવા શિક્ષિત લોકોએ પણ આ ધર્મ અપનાવ્યો. ગુજરાતી ભાષાના ખ્યાતનામ કવિ શ્રી મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્તે’ પણ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો. આજે પણ અનેક લોકો આ ધર્મ અપનાવી રહ્યા છે.
ગોવા, દીવ, દમણ, કેરાલા, સોલાપુર, આણંદ, ગોધરા તથા આસામ-નાગાલૅન્ડ સુધી સર્વત્ર આ ધર્મ પળાય છે. ખ્રિસ્તી મિશનરીઓએ શાળા-કૉલેજો તથા હૉસ્પિટલો બાંધી શિક્ષણ પ્રચાર તથા સેવા દ્વારા ધર્મપ્રચાર કર્યો છે. ઈસુના ગિરિપ્રવચનોની ગહન અસર ગુજરાતી સાહિત્ય તથા જીવન ઉપર છે. ગાંધી બાપુ તો ખ્રિસ્તીઓનું ધર્મપુસ્તક બાઈબલ હંમેશાં પોતાની પાસે રાખતા હતા. કલાપી તથા જોસેફ મૅકવાનના સાહિત્ય પર પણ આની સ્પષ્ટ અસર છે.
વિશ્વદેવ જેવા ઈસુ આજે પણ સર્વત્ર છે. મધર ટેરેસા દ્વારા માનવસેવામાં છે, તો નીતિનિયમ અને સદાચારનો સંદેશ પોતાની કલમ, વાણી અને વર્તન દ્વારા યુવાપેઢીમાં ફેલાવનાર ફાધર વાલેસના સાહિત્યમાં ઈસુ છે. વધસ્તંભ પર ઈસુનો દેહ ભલે ચડ્યો હશે પણ જ્યાં જ્યાં સેવા, સત્ય અને પ્રેમ છે ત્યાં ત્યાં બધે જ ઈસુ છે...!
‘પર્વચક્ર: આપણા ઉત્સવો’ પુસ્તકમાંથી સાભાર.
પ્રકાશક: એન.એમ. ઠક્કરની કંપની.