Thu Jan 01 2026

Logo

White Logo

ગુજરાતમાં ૦૯ નવી જિલ્લા મધ્યસ્થ સહકારી : બેંકને કેબિનેટની મંજૂરી

20 hours ago
Author: Pooja Shah
Video

અમદાવાદઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે માહિતી આપતા પ્રવક્તા પ્રધાન જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ૦૯ નવી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોની રચનાને બુધવારે કેબિનેટ બેઠકમાં સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. 

તેમણે વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે નાબાર્ડ દ્વારા દેશના કેટલાક જિલ્લામાં નવી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોની રચના કરવા માટે સહકારિતા મંત્રાલયને એપ્રોચ નોટ રજૂ કરવામાં આવી હતી. આ નોટમાં ગુજરાતમાં પણ નવી ૦૯ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોની રચના કરવા માટે એપ્રોચ કરવામાં આવ્યો હતો, તેમ તેમણે ઉમેર્યું હતું. 

રાજ્યની વર્તમાન સહકારી બેંકોના વિભાજનથી નવી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકોની રચના થશે. જેમાં, પંચમહાલ બેંકના વિભાજનથી દાહોદ જિલ્લામાં, સાબરકાંઠા બેંકના વિભાજનથી અરવલ્લી જિલ્લામાં, સુરત બેંકના વિભાજનથી તાપી જિલ્લામાં, વડોદરા બેંકના વિભાજનથી છોટાઉદેપુર જિલ્લામાં, જામનગર બેંકના વિભાજનથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં, જૂનાગઢ બેંકના વિભાજનથી પોરબંદર જિલ્લામાં, ખેડા બેંકના વિભાજનથી આણંદ જિલ્લામાં તેમજ વલસાડ બેંકના વિભાજનથી ડાંગ અને નવસારી જિલ્લામાં નવી બેંકોની રચના થશે, તેમ વાઘાણીએ ઉમેર્યું હતું.

બેંકોની રચના માટે રાજ્ય સરકાર હવે નાબાર્ડ મારફતે ભારતીય રિઝર્વ બેંકને આ અંગેની દરખાસ્ત મોકલશે અને આગળની કાયદેસરની પ્રક્રિયા હાથ ધરશે, તેમ પણ વાઘાણીએ જણાવ્યું હતું.