Mon Dec 22 2025

Logo

White Logo

ચૂંટણી પંચનો મોટો ઘટસ્ફોટ : અમદાવાદમાં 14.52 લાખ 'મિસ્ટ્રી' મતદાર

2 days ago
Author: MayurKumar Patel
Video

અમદાવાદઃ ચૂંટણી પંચ દ્વારા શુક્રવારે સાંજે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં અમદાવાદમાં 14.52 લાખથી વધુ મતદારો ગેરહાજર જોવા મળ્યા હતા. 21 વિધાનસભા મતવિસ્તારોમાં આટલા મતદારો શોધી શકાયા નહોતા.

અમદાવાદમાં કેટલા મતદારો

અમદાવાદ શહેર-જિલ્લામાં કુલ 62.59 લાખ મતદારો છે. તેમાંથી અત્યાર સુધીમાં 48.06 લાખ મતદારોના રેકોર્ડનું ડિજિટાઈઝેશન કરવામાં આવ્યું છે, જેમાં 24.96 લાખ પુરુષ મતદારો, 23.9 લાખ મહિલા મતદારો અને 214 અન્ય જાતિના મતદારોનો સમાવેશ થાય છે. જોકે, બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) દ્વારા ઘરે-ઘરે જઈને કરવામાં આવેલી ચકાસણી દરમિયાન 14, 52, 816  મતદારો પાસેથી ફોર્મ એકત્રિત કરી શકાયા નથી, જે કુલ મતદારોના 23.21 ટકા જેટલા થાય છે.

કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી સુજીત કુમાર દ્વારા શેર કરવામાં આવેલા ડેટા મુજબ, શોધી ન શકાય તેવા મતદારોમાં સૌથી મોટો હિસ્સો  મૃતક વ્યક્તિઓનો હતો.  શહેરમાં 2.53 લાખ મૃત મતદારો હતો. 2.19 લાખ મતદારોની વારંવારની મુલાકાતો છતાં ગેરહાજર અથવા શોધી શકાયા નહોતા. 69,000થી વધુ મતદારો કાયમી ધોરણે તેમના સરનામેથી અન્યત્ર રહેવા જતા રહ્યા હતા, જ્યારે 65,108 નામો પહેલાથી જ અન્ય જગ્યાએ નોંધાયેલા હતા. 51,255 કિસ્સાઓમાં અધિકારીઓ ચોક્કસ કારણ જાણી શક્યા નથી. ઘણા કિસ્સાઓમાં ઘરોને તાળાં મારેલાં હતાં, રહેવાસીઓ દિવસ દરમિયાન કામે ગયા હતા અથવા કામચલાઉ ધોરણે સ્થળાંતર કરી ગયા હતા, જેના કારણે ગ્રાઉન્ડ વેરિફિકેશન એક પડકાર હતો.

સૌથી વધુ મતદારો: 21 મતવિસ્તારોમાં ઘાટલોડિયા 4.62 લાખ મતદારો સાથે મોખરે છે, ત્યારબાદ વટવામાં 4.42 લાખ, દસક્રોઈમાં 4.32 લાખ, વેજલપુરમાં 4.24 લાખ અને નરોડામાં 3.06 લાખ મતદારો છે.

સૌથી વધુ મૃત્યુ: વેજલપુરમાં સૌથી વધુ 18,161 મતદારોના મોત નોંધાયા થયા હતા. ત્યારબાદ એલિસબ્રિજમાં 15,401, દસક્રોઈમાં 15,178, દાણીલીમડામાં 14,029 અને નરોડામાં 13,910 મૃત મતદારો નોંધાયા હતા.

કાયમી સ્થળાંતર: કાયમી ધોરણે રહેઠાણ બદલ્યું હોય તેવા મતદારોમાં અમરાઈવાડી 69, 749  મતદારો સાથે ટોચ પર છે, ત્યારબાદ વેજલપુરમાં 69,150, ઘાટલોડિયામાં 57,716, નિકોલમાં 56,746 અને સાબરમતીમાં 56,729 મતદારો કાયમી સ્થળાંતર કરી ગયા હતા.

રાજકીય પક્ષો સાથે બેઠક

સૂત્રોએ જણાવ્યું હતું કે 30 ઓક્ટોબર, 27 નવેમ્બર અને 10 ડિસેમ્બરના રોજ માન્ય રાજકીય પક્ષો સાથે ત્રણ બેઠકો યોજી તેમને આ પ્રક્રિયા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં 6849 બૂથ લેવલ એજન્ટ્સ (BLAs) ની નિમણૂક કરવામાં આવી છે. 7 ડિસેમ્બરે BLA અને BLOની સંયુક્ત બેઠક યોજાઈ હતી, જેમાં જે મતદારોના ફોર્મ પરત આવ્યા નથી તેમની યાદી શેર કરવામાં આવી હતી.

તમારું નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં છે કે નહીં ચેક કરવા આ લિંક પર ક્લિક કરોઃ https://voters.eci.gov.in/download-eroll