Mon Dec 22 2025

Logo

White Logo

અમદાવાદમાં સોસાયટી-મોલની બહાર વાહન પાર્ક કર્યા તો થશે દંડ : બિલ્ડિંગ થઈ શકે છે સીલ

10 hours ago
Author: MayurKumar Patel
Video

અમદાવાદઃ શહેરમાં દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યા વિકરાળ બની રહી છે. આ દરમિયાન તંત્ર દ્વારા પાર્કિંગના નિયમો કડક બનાવવામાં આવ્યા છે. હવે રોડ કે ફૂટપાથ પર વાહન પાર્ક કરશો તો દંડ ફટકારવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા  માર્ગદર્શિક બહાર પાડવામાં આવી છે અને 10 મોડેલ રોડ નક્કી કરાયા છે. આ વિસ્તારોમાં વાહનોને રહેણાંક અને કોમર્શિયલ કોમ્પલેક્સના નિયત વિસ્તારોમાં જ પાર્ક કરવા ફરજિયાત રહેશે. મ્યુનિસિપલ રોડ, બિલ્ડિંગ કોમ્પ્લેક્સની બહાર અથવા ફૂટપાથ પર પાર્કિંગ કરવા બદલ કાર્યવાહી કરવામાં આવશે.

ક્યાં થયો હતો પાયલોટ પ્રોજેકેટ

AMCએ રવિવારે ગાઈડલાઈન બહાર પાડી હતી. જે મુજબ પાર્કિંગ વિસ્તારો દર્શાવતા સ્પષ્ટ સાઇનબોર્ડ લગાવવા અને પાર્કિંગ લાઇન માર્ક કરવી ફરજિયાત છે. વસ્ત્રાપુરમાં એક પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો, જ્યાં આવી માર્કિંગ સિસ્ટમના પ્રોત્સાહક પરિણામો મળ્યા હતા. આ સફળતાથી પ્રેરાઈને કોર્પોરેશન હવે પાર્કિંગ વ્યવસ્થા સુધારવા માટે અન્ય રસ્તાઓ પર પણ આ મોડેલ લાગુ કરવાની યોજના બનાવી રહ્યું છે.

નવા નિયમોમાં કોની રહેશે જવાબદારી

નવા નિયમો હેઠળ, મ્યુનિસિપલ રોડ, ફૂટપાથ કે જંકશન પર વાહનો પાર્ક ન થાય તે સુનિશ્ચિત કરવાની સંપૂર્ણ જવાબદારી બિલ્ડિંગ માલિકો અને મેનેજમેન્ટની રહેશે. ભાડૂતો અને મુલાકાતીઓને પણ બિલ્ડિંગની સામે પાર્ક કરવા પર પ્રતિબંધ રહેશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, માલિકોએ આ નિયમોનું પાલન થાય તે માટે કડક વ્યવસ્થા કરવી પડશે.

બિલ્ડિંગ સીલ પણ થઈ શકે છે

મિલકતના માલિકોએ તેમના કમ્પાઉન્ડમાં પાર્કિંગની જગ્યાઓ સ્પષ્ટ રીતે ચિહ્નિત કરવી પડશે અને વાહનોની અવરજવરમાં અવરોધરૂપ કેબલ, બેરિકેડ્સ અથવા અન્ય નડતરો દૂર કરવા પડશે. બિલ્ડિંગના આગળના ભાગમાં (ફ્રન્ટ માર્જિન) અથવા રોડ માર્જિન પર સામાનનું લોડિંગ અને અનલોડિંગ કરવા પર પણ પ્રતિબંધ રહેશે. કોમર્શિયલ બિલ્ડિંગ્સ અને શોપિંગ કોમ્પ્લેક્સને પાર્કિંગના નિયમન માટે સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરવા અને મોટા કોમ્પ્લેક્સમાં valet પાર્કિંગની વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી હતી. AMCએ ચેતવણી આપી છે કે વારંવારના ઉલ્લંઘન બદલ મિલકત સીલ કરવા જેવી કડક કાર્યવાહી થઈ શકે છે.

10 મોડેલ રોડની ઓળખ કરાઈ

આ ઝુંબેશના ભાગરૂપે, કોર્પોરેશને ઉત્તર અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 10 રસ્તાઓને 'મોડેલ' રોડ તરીકે વિકસાવવા માટે પસંદ કર્યા હતા. આ રસ્તાઓ પર વ્યવસ્થિત પાર્કિંગ હશે, તેને કચરામુક્ત રાખવામાં આવશે અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ તથા એસ્ટેટ વિભાગની ટીમો દ્વારા તેનું સતત નિરીક્ષણ કરવામાં આવશે. ગંદકી કરનાર સામે દંડ ફટકારવામાં આવશે, જ્યારે ગેરકાયદેસર રીતે પાર્ક કરેલા વાહનોને લોક કરવામાં આવશે.

પ્રહલાદનગરથી શ્યામલ
શિવરંજનીથી ઇસ્કોન
કોર્પોરેટ રોડ
બોપલ-આંબલી (દક્ષિણ પશ્ચિમ ઝોનનો ભાગ)
રાજર્ષિ મુનિ રોડ
એલ.જે. કોલેજ રોડ
એરોઝ થી ક્લિઆન્થા (Cliantha) રોડ
કર્ણાવતી ક્લબથી રિંગ રોડ
સોબોથી મેરીગોલ્ડ સર્કલ
ઇસ્કોનથી પ્રહલાદનગર સર્વિસ રોડ