રાજકોટ: આજી નદી કિનારે રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે સરકારી જમીન પરના દબાણો હટાવવા આપવામાં આવેલી નોટિસો મુદ્દે લોકોમાં જબરદસ્ત રોષ છે. આ મામલે કોંગ્રેસે પણ ઝંપલાવ્યું છે અને કોંગ્રેસના નેતાઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસની આગેવાનીમાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, પ્રદેશ નેતા ઇન્દ્રવિજયસિંહ, કોંગ્રેસ સેવા દળના રાષ્ટ્રીય પ્રમુખ લાલજીભાઈ દેસાઈ અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ સહિતના નેતાઓએ જિલ્લા કલેક્ટર સાથે મુલાકાત કરી હતી અને વર્ષોથી રહેતા ગરીબ પરિવારોને બેઘર ન કરવા સમય આપીને આધાર-પુરાવા ચકાસી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી હતી.
કોંગ્રેસનો આરોપ છે કે, રિવરફ્રન્ટના નામે ગરીબોના મકાન તોડવાનો કારસો ઘડવામાં આવ્યો છે. વર્ષોથી રહેતા ગરીબ પરિવારો રિવરફ્રન્ટના વિકાસના કારણે બેઘર ન બને એવી કાળજી રાખી કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત બાદ જ્યાં લોકોને નોટિસ આપવામાં આવી છે ત્યાં વિસ્તારવાસીઓને સાથે રાખી સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્થાનિક લોકો જોડાયા છે.
ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ આ અંગે જણાવ્યું હતું કે, ભાજપના નેતાઓના ગેરકાયદે મકાનો કે દબાણ ખુલ્લા નહિ કરવા અને તેના બદલે રાજકોટ શહેરમાં ગરીબ માણસોએ મજૂરી કરી ઝૂંપડું કે કાચું પાકું મકાન બનાવ્યું છે, તેને તોડી પાડવા માટે રિવરફ્રન્ટના નામે કારસો ઘડવામાં આવ્યો છે. આના વિરોધમાં આજે રાજકોટ શહેર કોંગ્રેસના સમર્થનમાં અમે આવ્યા છીએ. આ વિસ્તારના લોકોને પણ અમે મળવાના છીએ, આજે કલેક્ટરને પણ અમે રજુઆત કરી છે. બંધારણીય રીતે ગરીબ માણસોના હક્ક ન છીનવવા રજુઆત કરી છે.
ડિમોલિશન કરતા પહેલા તેમને સમય આપી તેમને સાંભળવા રજુઆત કરી છે અને તેમની માંગણી મુજબ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા અમારી માંગ છે. આવું ન થાય તો 10 તારીખે પ્રધાનમંત્રી રાજકોટ આવે એટલે કહેજો કે, તેમને પ્રથમ વખત વડાપ્રધાન બન્યા એ ચૂંટણીમાં લોકોને વચન આપ્યું હતું કે, ઘર વગર એક પણ માણસ નહિ રહે, બધાને ઘરનું ઘર કરાવી આપશે તો રાજકોટ શહેરમાં ડિમોલિશનની નોટિસ મળી છે. આ રાજકોટના લોકોએ પ્રથમ વખત ચૂંટી મુખ્યમંત્રી બનાવ્યા હતા એ જ રાજકોટવાસીઓનાં ઘર તૂટી રહ્યા છે તો આવું શા માટે થઇ રહ્યું છે? તેનો સવાલ તેમને પણ પૂછવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લા કલેકટર ડૉ. ઓમ પ્રકાશ અને પ્રાંત અધિકારી ચાંદનીબેન પરમારના માર્ગદર્શન હેઠળ જંગલેશ્વર અને આસપાસના વિસ્તારના સર્વે નંબર 256 ટીપી સ્કીમ નંબર 6ના ફાઇનલ પ્લોટ નંબર 133,136,137 અને 159ની કુલ જમીન 1,05,800 ચોરસ મીટર થાય છે. જ્યાં રહેતા 1350 આસામીઓને નોટિસ આપવામાં આવી છે. આ નોટિસ લેન્ડ રેવન્યુ કલમ 61 હેઠળ આપવામાં આવેલી છે. આ જમીનની કિંમત અંદાજે રૂપિયા 400 કરોડ જેટલી થાય છે.