Mon Dec 08 2025

Logo

White Logo

કોઈની પણ શરમ નહીં ભરવામાં આવે : AMC એ અમદાવાદમાં 13 હોસ્પિટલને કરી સીલ

1 day ago
Author: MayurKumar Patel
Video

અમદાવાદઃ ભાવનગરમાં બે દિવસ પહેલા પેથોલોજી લેબમાં આગ લાગી હતી. આ ઘટના બાદ 19 દર્દીઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. જે બાદ અમદાવાદમાં તંત્ર સફાળું જાગ્યું હોય તેમ કડક ચેકિંગ શરૂ કર્યું છે. અમદાવાદના દક્ષિણ ઝોનમાં બિલ્ડિંગ યુઝ (BU) પરમીશન વગર ચલાવાતી 13 હોસ્પિટલ એસ્ટેટ વિભાગે સીલ કરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 8 ટીમોએ 81 જેટલી હોસ્પિટલના બાંધકામની તપાસ કરીહતી અને 27 હોસ્પિટલોને માન્ય બીયુ રજૂ કરવા માટે નોટિસ આપી હતી.

બે દિવસ પહેલા પણ અમદાવાદ કોર્પોરેશનની ટીમે પણ આવી કાર્યવાહી કરી હતી. જે અંતર્ગત 9 જેટલી હોસ્પિટલને સીલ કવામાં આવી હતી. સરખેજની દેવપુષ્પ મેટરનિટી એન્ડ નર્સિંગ હોમ, મકતમપુરાની મુસ્કાન મેટરનિટી હોમ, મકતમપુરાની નૌશીન હોસ્પિટલ અને રિયાઝ હોસ્પિટલ, હેપ્પીનેસ્ટ ચીલ્ડ્રન હોસ્પિટલ સીલ કરવામાં આવી હતી.  આ ઉપરાંત જોધપુરની સફલ મલ્ટીસ્પેશિયાલિટી, મમતા હોસ્પિટલ, જોધપુરની આસના ઓર્થોપેડીક હોસ્પિટલ, જોધપુરની દ્વારિકા હોસ્પિટલ સામે પણ એસ્ટેટ વિભાગે કાર્યવાહી કરી હતી.

પીજીને પણ કર્યા હતા સીલ

ઉલ્લેખનીય છે કે, શહેરમાં હાલ શહેરની અનેક સોસાયટી, ફ્લેટોમાં પીજી ચાલી રહ્યા છે. જેમાં મારામારી કે સોસાયટીના રહીશો સાથે માથાકૂટ થતી હોવાની ઘટના સામે આવી હતી. પીજીને લઈ વધી રહેલી ફરિયાદોને ધ્યાનમાં રાખી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જુલાઈ 2025માં નવી પોલિસી જાહેર કરી હતી.  જે મુજબ પીજીને પણ હવે હોસ્ટેલ, લોજિંગ કે બોર્ડિંગની વ્યાખ્યામાં સમાવવામાં આવ્યા હતા. જેના કારણે પીજી ચલાવનાર વ્યક્તિએ પણ હોસ્ટેલને લગતાં જીડીસીઆરના નિયમોનું પાલન કરવા જણાવાયું હતું. જો પાલન ન થાય તો મ્યુનિસિપલ કોર્પોરેશન આવા પીજી બંધ કરાવી દેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને થલતેજના સોહમ રો હાઉસમાં મંજૂરી વગર ચાલતા 11 પીજીને સીલ મારી દીધું હતું. તંત્ર દ્વારા નોટિસ આપીને જરૂરી મંજૂરી મેળવવા કહેવામાં આવ્યું હતું. જોકે પીજી સંચાલકો દ્વારા ઉદાસીનતા દાખવવામાં આવી હતી. જેના કારણે તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, સપ્ટેમ્બરમાં AMC દ્વારા કરવામાં આવેલી તપાસમાં, શહેરના પશ્ચિમ વિસ્તારમાં 399 પીજી કાર્યરત હતા, જ્યારે પૂર્વ ભાગમાં માત્ર બે એકમો ચાલી રહ્યા હતા. પૂર્વ વિસ્તારના બંને અને પશ્ચિમ વિસ્તારના 383 પીજીને નોટિસ આપવામાં આવી હતી. મુખ્યત્વે મોટી અને પ્રોફેશનલ રીતે ચાલતી પીજીને નોટિસ આપવામાં આવી હતી.

સોસાયટીની અંદર એક જ મકાનમાં ચાલતા આવા એકમોને નોટિસ અપાઈ નહોતી. આમાં મોટા બંગલામાં ચાલતા પીજી અથવા એક કરતાં વધુ ફ્લેટ ભાડે આપતા એકમોનો સમાવેશ થતો હતો. આગામી દિવસોમાં જો જરૂરી પરવાનગી મેળવવામાં ન આવી હોય તો સોસાયટીઓમાં ચાલતા પીજી એકમો સામે પણ એએમસી દ્વારા સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.