Mon Dec 22 2025

Logo

White Logo

ભાવલક્ષી દબાણ વચ્ચે નાણાકીય વર્ષ 2026માં : સ્ટીલની માગ આઠ ટકા વધશેઃ ઈક્રા

4 days ago
Author: Ramesh Gohil
Video

નવી દિલ્હીઃ આગામી નાણાકીય વર્ષ 2026માં સ્થાનિક સ્તરે સ્ટીલની માગમાં આઠ ટકાનો વધારો થવાની શક્યતા હોવા છતાં ભાવ નીચી સપાટીએ રહેતાં ઉત્પાદકોના માર્જિન દબાણ હેઠળ રહેવાની શક્યતા અગ્રણી રેટિંગ એજન્સી ઈક્રાએ વ્યક્ત કરી છે. 

અહેવાલમાં નાણાકીય વર્ષ 2026 માટે ઈક્રાએ ઉદ્યોગનું કાર્યકારી માર્જિન 12.5 ટકાના સ્તરે સ્થિર રહે તેવી ધારણા મૂકી છે. જોકે, અગાઉ પરિસ્થિતિમાં સુધારો થવાના આશાવાદને ધ્યાનમાં લેતા માર્જિન વધુ રહેવાનો આશાવાદ રાખવામાં આવ્યો હતો. અમે નાણાકીય વર્ષ 2026 માટે સ્ટીલની માગમાં આઠ ટકાનો વધારો થવાની ધારણા મૂકી રહ્યા છીએ, પરંતુ કામચલાઉ ધોરણે અતિરિક્ત પુરવઠા સ્થિતિ નિર્માણ થવાથી સ્ટીલના ભાવ સતત દબાણ હેઠળ રહેતા હોવાનું ઈક્રાના કોર્પોરેટ સેક્ટર વિભાગનાં સિનિયર વાઈસ પ્રેસિડૅન્ટ અને ગ્રૂપ હેડ ગિરિશકુમાર કદમે જણાવ્યું હતું. 

ઈક્રાના જણાવ્યાનુસાર સ્થાનિકમાં હોટ રોલ્ડ કૉઈલના ભાવ જે એપ્રિલ, 2025માં ટનદીઠ રૂ. 52,850 સુધી વધ્યા હતા તે સેફગાર્ડ ડ્યૂટીને કારણે ઘટીને નવેમ્બરમાં ટનદીઠ રૂ. 46,000 થયા હતા અને હાલમાં ભાવ આયાત પડતર કરતાં નીચે પ્રવર્તી રહ્યા છે. એકંદરે ચીનમાં માળખાકીય અવરોધોને કારણે વર્ષ 2025ના પ્રથમ નવ મહિનામાં તેની સ્ટોલની નિકાસ 8.8 કરોડ ટનની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગઈ છે અને તેની સીધી અસર વર્તમાન કેલેન્ડર વર્ષનાં પહેલા નવ મહિના દરમિયાન વૈશ્વિક ભાવ પર જોવા મળી છે.

નાણાકીય વર્ષ 2026નાં પહેલા સાત મહિનામાં ચીનની હોટ રેલ્ડ કોઈલના સરેરાશ ભાવ ગત સાલના સમાનગાળાના ટનદીઠ 496 ડૉલર સામે ઘટીને 465 ડોલર આસપાસ રહ્યા હતા, જ્યારે વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતનાં ફિનિશ્ડ સ્ટીલના ભાવમાં અંદાજે 33 ટકા જેટલો ઘટાડો આવ્યો હોવાનું રેટિંગ એજન્સીએ જણાવતાં ચીનથી વધતી આવાત અટકાવવા માટે સેફગાર્ક ડયુટી જાળવી રાખવા પર ભાર મુક્યો હતો.

જોકે, ઈકાએ સ્થાનિકમાં નાણાકીય વર્ષ 2026માં હોટ રોલ્ડ કોઈલનાં ભાવ સરેરાશ ટનદીઠ રૂ. 50.500 આસપાસ રહેવાનો આશાવાદ વ્યક્ત કરવાની સાથે ઉત્પાદકોનો કાર્યકારી નફો જે ગત નાણાકીય વર્ષમાં ટનદીઠ 110 ડૉલરનો હતો તે સાધારણ ઘટાડા સાથે ટનદીક 108 ડૉલર રહેવાની ધારણા મૂકવાની સાથે સ્ટીલ ક્ષેત્રને સ્થિર રેટિંગ આપ્યું છે.

વધુમાં એજન્સીએ ઉદ્યોગની મોટી ક્ષમતા વિસ્તરણની યોજના સામેના જોખમ પર પ્રકાશ પાડયો છે. સ્થાનિક સ્ટીલ મીલો નાણાકીય વર્ષ 2026થી 2031 દરમિયાન ક્ષમતામાં 8થી 8.5 કરોડ ટનનો ઉમેરો કરવાનું લક્ષ્યાંક રાખી રહી છે જેમાં અંદાજે 45થી 50 અબજ ડૉલરનું રોકાણ છે. જોકે, જ્યાં સુધી આવકમાં અથવા તો કાર્યકારી નફામાં અર્થપૂર્ણ સુધારો ન થાય ત્યાં સુધી આવા મોટા પાયે રોકાણો મધ્યમ ગાળામાં ઉદ્યોગના લીવરેજના સ્તરને વધારી શકે છે. 

ગ્રીન સ્ટીલ અંગે કદમે જણાવ્યું હતું કે ભારતની કુલ માગમાં ગ્રીન સ્ટીલનો હિસ્સો નાણાકીય વર્ષ 2030માં લગભગ બે ટકા (અંદાજે ચાર ટન) હશે તે વર્ષ 2050માં વધીને 40 ટકા (150 ટન) થવાની ધારણા છે. જોકે, જ્યાં સુધી હાઈડ્રોજનના ભાવ કિલોદીઠ 1.5થી 1.6 ડૉલરની નજીક ન આવે ત્યાં સુધી તેની સ્વીકૃતિ પડકારજનક રહેશે, એમ તેમણે ઉમેર્યું હતું