કીવઃ અમેરિકા પ્રસ્તાવિત શાંતિ યોજના હેઠળ યુક્રેનને ૧૫ વર્ષના સમયગાળા માટે સુરક્ષા ગેરંટી આપી રહ્યું છે, એમ યુક્રેનના રાષ્ટ્રપતિ વલોડિમિર ઝેલેન્સકીએ જણાવ્યું હતું.
જો કે ઝેલેન્સકીએ કહ્યું હતું કે તેઓ રશિયાને તેના પાડોશીની જમીન પર બળજબરીપૂર્વક કબજો કરવાનો પ્રયાસ કરતાં અટકાવવા માટે અમેરિકા તરફથી ૫૦ વર્ષ સુધીની પ્રતિબદ્ધતા પસંદ કરશે.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે ફ્લોરિડાના તેમના રિસોર્ટમાં ઝેલેન્સકીનું સ્વાગત કર્યું હતું. તેમજ ભારપૂર્વક જણાવ્યું હતું કે યુક્રેન અને રશિયા શાંતિ કરાર માટે પહેલા કરતાં વધુ નજીક પહોંચ્યા છે.
વાટાઘાટકારો હજુ પણ મુખ્ય મુદ્દાઓ પર કોઇ રસ્તો શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેમાં કોની સેના ક્યાંથી પાછી હટશે અને રશિયાના કબજા હેઠળના વિશ્વના ૧૦ સૌથી મોટા પાવર પ્લાન્ટ પૈકીના એક ઝાપોરિઝિ્ઝયા પરમાણુ પાવર પ્લાન્ટનું શું થશે વગેરેનો સમાવેશ થાય છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકાના નેતૃત્વમાં મહિનાઓથી ચાલી રહેલી વાટાઘાટો હજુ પણ નિષ્ફળ જઇ શકે છે.