નવી દિલ્હી : દેશમાં ઓપરેશનલ ઇસ્યુના લીધે મુશ્કેલીમાં મુકાયેલી ઇન્ડિગો એરલાઈન્સ ધીરે ધીરે સંકટમાંથી બહાર આવી રહી છે. જેમાં આજે ઇન્ડિગોનો મોટાભાગની ફ્લાઈટ સમયસર સંચાલિત થઈ રહી છે. જેમાં હાલ 2200 માંથી 1800 ફ્લાઈટ ઓપરેટ થઈ રહી છે. જેના લીધે મુસાફરોને રાહત થઈ છે. તેમજ એરપોર્ટ પર રહેલી મોટાભાગની બેગ પરત કરવામાં આવી રહી છે.
બુધવારે 1900 ફ્લાઇટ્સનું આયોજન
આ અંગે કંપનીએ જણાવ્યું હતું કે તે આજે 1800 થી વધુ ફ્લાઇટ્સનું સંચાલન કરી રહી છે. જે તેના નેટવર્કના તમામ 138 સ્ટેશનોને જોડે છે. તેમજ બુધવારે 1900 ફ્લાઇટ્સનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ આગામી દિવસો એકદમ સામાન્ય સ્થિતીમાં આવશે.
રિફંડ પ્રક્રિયાને સંપૂર્ણપણે ઓટોમેટિક કરી દીધી
આ ઉપરાંત સરકારના આદેશ બાદ એરલાઇને મુસાફરો માટે રિફંડ પ્રક્રિયાને સંપૂર્ણપણે ઓટોમેટિક કરી દીધી છે. જેમાં કોઈ પ્રશ્નો પૂછવામાં નહીં આવે. જેને કંપનીની વેબસાઇટ પર એક સરળ પ્રક્રિયા દ્વારા પૂર્ણ કરી શકાય છે. ઇન્ડિગોએ મુસાફરોને એરપોર્ટ પર જતા પહેલા વેબસાઇટ પર ફ્લાઇટ સ્ટેટસ તપાસવા વિનંતી કરી છે. તેમજ અસુવિધા બદલ કંપનીએ માફી પણ માંગી છે.
ઇન્ડિગોને ફ્લાઈટ ઓપરેશનમાં 5 ટકાનો ઘટાડો કરવા નિર્દેશ
આ દરમિયાન ડીજીસીએ એક્શન મોડમાં આવ્યું છે .તેમજ તાત્કાલિક અસરથી ડીજીસીએ ઇન્ડિગોને ફ્લાઈટ ઓપરેશનમાં 5 ટકાનો ઘટાડો કરવા નિર્દેશ આપ્યો છે. જેમાં લીધે દરરોજની 2200 ફલાઈટ ઓપરેટ કરતી ઇન્ડિગોના ફ્લાઈટ ઓપરેશનના 110 ફ્લાઈટનો ઘટાડો થશે. આ ઉપરાંત એરલાઇનને 10 ડિસેમ્બર સુધીમાં સુધારેલું સમયપત્રક આપવા જણાવાયું છે.
નવેમ્બરમાં એરલાઇનની 951 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી
આ અંગે ડીજીસીએ ઇન્ડિગોને નોટીસ આપી છે તેમાં જણાવાયું છે કે નવેમ્બર 2025 માટે શિયાળાના સમયપત્રક હેઠળ એરલાઇનને દર અઠવાડિયે 15,014 પ્રસ્થાન અને કુલ 64,346 ફ્લાઇટ્સ માટે મંજૂરી આપવામાં આવી હતી. જોકે, ઓપરેશનલ ડેટા દર્શાવે છે કે ઇન્ડિગોએ ફક્ત 59,438 ફ્લાઇટ્સનું સંચાલન કર્યું હતું. નવેમ્બરમાં એરલાઇનની 951 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.