નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના કેન્દ્રીય મંત્રીમંડળે શુક્રવારે એક મોટો નિર્ણય લીધો. મંત્રીમંડળે વીમા કંપનીઓમાં વિદેશી સીધા રોકાણ (FDI)મર્યાદા 100 ટકા સુધી કરવાના બિલને મંજૂરી આપી છે. જેમાં વીમા ક્ષેત્રને મજબૂત બનાવવા માટે અનેક મોટા માળખાકીય સુધારાઓને પણ મંજૂરી આપી છે.
ઈન્સ્યોરન્સ માર્કેટમાં અનેક સુધારા જોવા મળશે
આ સુધારાના લીધે ભારતીય ઈન્સ્યોરન્સ માર્કેટમાં અનેક સુધારા જોવા મળશે. જેમાં ભારતમાં શરુ થનારી વિદેશી વીમા કંપનીઓ લોકોને વધુ વીમા વિકલ્પો પૂરા પાડશે અને તેમને તેમની જરૂરિયાતો અનુસાર યોગ્ય પોલિસી પસંદ કરવા સક્ષમ બનાવશે. આ ઉપરાંત વીમા કંપનીઓ વચ્ચે સ્વસ્થ સ્પર્ધા વધશે જેનાથી સેવાઓની ગુણવત્તામાં સુધારો થશે.
આર્થિક વિકાસ અને રોજગાર સર્જનને વેગ મળશે
આ સુધારાનો મુખ્ય ઉદ્દેશ્ય પોલિસી ધારકોના રક્ષણને મજબૂત બનાવવા, નાણાકીય સુરક્ષા વધારવા અને વધુ કંપનીઓને વીમા બજારમાં પ્રવેશવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આનાથી આર્થિક વિકાસ અને રોજગાર સર્જનને વેગ મળશે. આ સુધારાઓ 2047 સુધીમાં સાર્વત્રિક વીમાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ઉદ્યોગ કાર્યક્ષમતામાં સુધારો, વ્યવસાયિક પ્રક્રિયાઓને સરળ બનાવવા અને વીમાની પહોંચને વધુ વિસ્તૃત કરવાની અપેક્ષા રાખે છે.
વ્યવસાય કરવાની સરળતામાં સુધારો
આ બિલ 19 ડિસેમ્બરે સમાપ્ત થતા સંસદના વર્તમાન શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવશે. લોકસભાના બુલેટિન અનુસાર, વીમા કાયદા (સુધારા) બિલ, 2025 સંસદના આગામી સત્રમાં ચર્ચા માટે નિર્ધારિત 13 કાયદાકીય દરખાસ્તોમાંથી એક છે. આ બિલનો હેતુ વીમાની પહોંચ વધારવા ક્ષેત્રના વિકાસને વેગ આપવા અને વ્યવસાય કરવાની સરળતામાં સુધારો કરવાનો છે.
અન્ય સુધારા પણ કરવામાં આવશે
આ ઉપરાંત એક મોટા સુધાર અંતર્ગત વર્ષ 1938ના વીમા કાયદા ઉપરાંત, વર્ષ 1956 ના જીવન વીમા નિગમ કાયદા અને વર્ષ 1999 ના વીમા નિયમનકારી અને વિકાસ સત્તાધિકારી કાયદામાં પણ સુધારા કરવામાં આવશે. જે એક મોટા કાયદાકીય સુધારાના ભાગ રૂપે છે. એલઆઈસી કાયદામાં થયેલા ફેરફારોનો હેતુ તેના બોર્ડને નવી શાખાઓ ખોલવા અને કર્મચારીઓની ભરતી કરવા જેવા કાર્યકારી બાબતો પર વધુ સત્તા આપવાનો છે.