(અમારા પ્રતિનિધિ તરફથી)
અંજારઃ દેશની સુરક્ષા માટે અત્યંત સંવેદનશીલ એવા રણપ્રદેશ કચ્છ જિલ્લામાં ૨૬મી જાન્યુઆરી, ૨૦૦૧માં આવેલા મહાભુકંપ બાદ થઇ રહેલાં ઔદ્યોગિકીકરણના પગલે અહીં પરપ્રાંતીય લોકોની અવરજવર વધ્યા બાદ હવે જાણે યુપી-બિહારની જેમ ગેંગવોર, હુમલા, સરાજાહેર હત્યા જેવા બનાવો બનવા એક આમ બાબત બની ચુકી છે. તેવામાં ઐતિહાસિક અંજાર શહેરના દેવળીયા નાકા વિસ્તારમાં આવેલા નોડે ફળિયામાં રહેતા ત્રણ સગા ભાણેજ અને તેમના પિતાએ ગત રવિવારની મોડી રાત્રે પારિવારિક વિવાદમાં વૃદ્ધ મામાની ધોકા-પાઇપ વડે ઢોરમાર મારીને કરપીણ હત્યા કરી દેતાં ચકચાર મચી ગઈ હતી.
શું છે સમગ્ર મામલો
આ અંગે અંજાર પોલીસ મથકના પી.આઈ અજયસિંહ ગોહિલે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ૬૫ વર્ષના મૃતક આમદ ઇસ્માઇલ નોડે,તેમના બહેન-બનેવીનો પરિવાર અંજારના દેવળીયા નાકા પાસેના નોડે ફળિયામાં બાજુ-બાજુમાં આવેલા મકાનોમાં રહે છે. અલબત્ત આ બંને પરિવારો વચ્ચે પારિવારિક તકરાર ચાલતી હોઈ, એકબીજાના ઘરે આવા-જવાનું બનતું ન હતું.
આ દરમ્યાન ગત રવિવારે રાત્રે આઠેક વાગ્યાના અરસામાં પરિવારના સભ્યો સામસામે આવી ગયા હતા અને માથાકૂટ થઇ હતી. આ વેળાએ મૃતક આમદ નોડેનો બનેવી અક્રમ નોડે અને તેના પુત્રો (ભાણેજ) ઈલિયાસ, હુશેન અને ઇકબાલે ઉશ્કેરાટમાં આવી જઈને લોખંડના પાઇપ અને ધોકા વડે ૬૫ વર્ષના વૃદ્ધ પર ઘાતક હુમલો કરીને તેમની હત્યા કરી નાખી હતી.
ઘટનાની જાણ થયે પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી, તેમની વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અંજારના આ સંવેદનશીલ વિસ્તારમાં હત્યા બાદ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હોવાનું અજયસિંહ ગોહિલે ઉમેર્યું હતું.