Thu Jan 01 2026

Logo

White Logo

બૉક્સિંગ-ડે ટેસ્ટઃ ઇંગ્લૅન્ડ ક્રિસમસના ચમત્કારની તલાશમાં : ઑસ્ટ્રેલિયાની નજર 5-0ના વાઇટવૉશ પર

Melbourne   6 days ago
Author: Ajay Motiwala
Video

મેલબર્નઃ શુક્રવારે (26મી ડિસેમ્બરે) બૉક્સિંગ-ડે છે અને એ દિવસે ઍશિઝ ટેસ્ટ સિરીઝની બે કટ્ટર ટીમ ભિન્ન ઇરાદા સાથે મેદાન પર ઊતરશે. સિરીઝમાં પહેલી ત્રણેય ટેસ્ટ હારી ગયા પછી હવે ઇંગ્લૅન્ડની ટીમ ક્રિસમસના ચમત્કારની ખોજમાં છે, જ્યારે ઑસ્ટ્રેલિયાનો મનસૂબો સાવ જુદો જ છે. અહીં શુક્રવારે (ભારતીય સમય મુજબ સવારે 5.00 વાગ્યાથી) શરૂ થનારી ઍશિઝ ટેસ્ટ શ્રેણીની ચોથી મૅચમાં ઑસ્ટ્રેલિયા ઇજાગ્રસ્ત મુખ્ય સ્પિનર નૅથન લાયન વિના રમશે એટલે ટીમને તેની ખોટ જરૂર વર્તાશે, પરંતુ આ મૅચમાં કાંગારુઓની ટીમ પેસ આક્રમણ સાથે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (એમસીજી) પર રમવા ઊતરશે અને આ યજમાન ટીમનો સંકલ્પ આ ચોથી ટેસ્ટ પણ જીતીને 4-0થી સરસાઈ મેળવવા ઉપરાંત પછીથી અંતિમ મૅચ પણ જીતીને પ્રવાસી ટીમનો 5-09થી વાઇટવૉશ કરવા કોઈ કસર નહીં છોડે.

38 વર્ષીય નૅથન લાયને ઍડિલેઇડમાં ત્રીજી ટેસ્ટમાં કુલ પાંચ વિકેટ લીધી હતી અને ઑસ્ટ્રેલિયાની જીતમાં તેનું પણ મહત્ત્વનું યોગદાન હતું. જોકે રવિવારે એ ટેસ્ટ પૂરી થયા બાદ મંગળવારે લાયને તાકીદે જમણા પગમાં સર્જરી કરાવવી પડી હતી. ઍડિલેઇડની મૅચ દરમ્યાન શનિવારે જ લાયને ઈજાગ્રસ્ત હાલતમાં મેદાન પરથી વિદાય લેવી પડી હતી.

એમસીજીની પિચ કેવી છે? વરસાદ પડવાની આગાહી

મેલબર્નના એમસીજી (MCG) ગ્રાઉન્ડની પિચ પર ઘણું ઘાસ છે. એમસીજીના પિચ ક્યૂરેટર મૅટ પેજના જણાવ્યા મુજબ તેમણે આ ટેસ્ટ માટેની પિચ ગઈ સીઝનમાં ભારત સામે રમાયેલી ટેસ્ટ-પિચ જેવી બનાવવાની કોશિશ કરી છે. ભારત સામેની ઑસ્ટ્રેલિયાની એ મૅચ પૂરા પાંચ દિવસ ચાલી હતી અને ઑસ્ટ્રેલિયાએ એ ટેસ્ટ 184 રનથી જીતી લીધી હતી. ભારત ત્યારે 340 રનના લક્ષ્યાંક સામે 155 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગયું હતું. એ મૅચમાં ઘાસ સાત મિલીમીટર જેટલું ઊંચું હતું. આ વખતે પિચ પર ઘાસ 10 મિલીમીટર જેટલું ઊચું હોવાનું કાર્યવાહક કૅપ્ટન સ્ટીવ સ્મિથે પત્રકારોને કહ્યું હતું. મેલબર્નની પિચ ફાસ્ટ બોલર્સને વધુ અનુકૂળ પડે એવી છે. જોકે શુક્રવારના પ્રથમ દિવસે તેમ જ છેલ્લા દિવસોમાં વરસાદ પડવાની આગાહી છે.

ટેસ્ટ કેમ બૉક્સિંગ-ડે તરીકે ઓળખાય છે?

નાતાલ (ક્રિસમસ) પછીનો દિવસ ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ, સાઉથ આફ્રિકા સહિતના કેટલાક દિવસોમાં બૉક્સિંગ-ડે (BOXING-DAY) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને બૉક્સિંગ (મુક્કાબાજી)ની રમત સાથે કંઈ જ લેવાદેવા નથી. આ દિવસે (26મી ડિસેમ્બરે) કંપનીઓ અને સંસ્થાઓના માલિકો પોતાના કર્મચારીઓને તેમ જ સમાજના ધનિક લોકો ગરીબ લોકોને બૉક્સમાં ભેટ-સોગાદ મોકલે છે એટલે એ બૉક્સિંગ-ડે તરીકે ઓળખાય છે. બીજી લોકકથા એવી છે કે ચર્ચમાં ગરીબો તથા જરૂરતમંદો માટે રાખવામાં આવેલા બૉક્સ 26મી ડિસેમ્બરે ખોલવામાં આવે છે એટલે એ બૉક્સિંગ-ડે કહેવાય છે.

નૅથન લાયને સર્જરી કરાવી

નૅથન લાયને (NATHAN LYON) મંગળવારે જમણા ઘૂંટણના પાછળના ભાગમાં તાકીદે ઑપરેશન કરાવ્યું છે જેને કારણે તે ઍશિઝ સિરીઝની બાકીની બે ટેસ્ટમાં નહીં રમે.