મુંબઈઃ ચૂંટણી પંચ પર 'ડુપ્લિકેટ મતદારો'ના મામલે વિપક્ષો પસ્તાળ પાડી રહ્યાં છે, તેવામાં તેમને હવે એક વધુ મુદ્દો મળી જાય તેવા સમાચાર મળ્યા છે. મ્યુનિસિપલ ચૂંટણી માટે ભાજપ તરફથી ટિકિટ ન મળ્યા બાદ પાર્ટીના એક બળવાખોર નેતાએ મુંબઈમાં ડુપ્લિકેટ એબી ફોર્મ જોડ્યું છે અને તેનાથી પણ મહત્વપૂર્ણ વાત એ છે કે ચૂંટણી પંચે તેને સ્વીકારી પણ લીધું છે.
આ ઘટના વોર્ડ નંબર ૧૭૩માં બની હતી. મુંબઈ ભાજપ પ્રમુખ અમિત સાટમે ફરિયાદ કરી છે કે શિલ્પા કેલુસ્કરે ડુપ્લિકેટ એબી ફોર્મ જોડ્યું હતું. સાટમે ચૂંટણી પંચને પત્ર લખીને ફોર્મ રદ કરવાની માંગ કરી છે.
શિલ્પા કેલુસ્કર મુંબઈના વોર્ડ ૧૭૩માંથી ભાજપના ઉમેદવાર હતા. જોકે, તેમને સત્તાવાર એબી ફોર્મ આપવામાં આવ્યું નહોતું, તેથી તેમણે વિરોધ કર્યો અને ડુપ્લિકેટ એબી ફોર્મ જોડીને પોતાની ઉમેદવારી નોંધાવી. જ્યારે મુંબઈ ભાજપ પ્રમુખ અમિત સાટમને આ વાતની જાણ થઈ, ત્યારે તેમણે ચૂંટણી પંચને આ અંગે પત્ર લખીને ફરિયાદ કરી અને શિલ્પા કેલુસ્કરની અરજી રદ કરવાની માંગ કરી.
જાણવા મળ્યા મુજબ, શરૂઆતમાં શિલ્પા કેલુસ્કરને એબી ફોર્મ આપ્યું હતું, પરંતુ પાર્ટીએ પાછળથી તે પાછું ખેંચી લીધું હતું. પાછળથી જાણવા મળ્યું કે શિલ્પા કેલુસ્કરે ડુપ્લિકેટ એબી ફોર્મ તૈયાર કર્યું હતું અને તેને પોતાની અરજી સાથે જોડ્યું હતું. હવે ભાજપ તરફથી સત્તાવાર ફરિયાદ થતાં આગળની કાર્યવાહી કરવામાં આવશે.