(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજઃ જી.કે. જનરલ હોસ્પિટલની સિવિલ સર્જન કચેરીમાંથી, પૂર્વ મેડિકલ ઓફિસરનો વર્ષો જૂનો પગાર ન ચૂકવાતા નામદાર અદાલતના આદેશ બાદ તમામ જંગમ મિલકતની જપ્તી કરવામાં આવતાં રાજ્યભરના આરોગ્ય વિભાગમાં ચકચાર પ્રસરી જવા પામી હતી.
શું છે વિગત
પ્રાપ્ત વિગતો મુજબ, પૂર્વ મેડિકલ ઓફિસર ડૉ. હીરજી ભૂડિયાને વર્ષ ૨૦૧૧ સુધીનો ચડત પગાર ચૂકવવામાં ન આવતાં ડૉ. ભૂડિયાએ આ મુદ્દે અદાલત સમક્ષ અપીલ કરતાં પગાર ચૂકવવા માટે અગાઉ આદેશ કર્યો હોવા છતાં છેલ્લા આઠ વર્ષથી આ આદેશનો અમલ ધરાર થયો ન હતો. ભુજ જી.કે. હોસ્પિટલના મેડિકલ કર્મચારીઓ દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
અરજદાર દ્વારા કોર્ટમાં અમલવારી અરજી રજૂ કરાતા તેની ગંભીર નોંધ લીધી હતી. તેના સંદર્ભે, કોર્ટે જી.કે જનરલ હોસ્પિટલ સંકુલમાં આવેલી સિવિલ સર્જનની કચેરીમાંની તમામ જંગમ મિલકત જપ્તીનો હુકમ કર્યો હતો. જેથી આ કચેરીમાંથી માલ-સમાન જપ્ત કરવામાં આવ્યો હતો. આ મિલકત જપ્તી બાદ અરજદારની બાકી રહેતી પગારની રકમ સંબંધિત તંત્ર દ્વારા અદાલતમાં જમા કરાવવાની રહેશે તેમ જાણવા મળી રહ્યું છે.