ઢાકાઃ બાંગ્લાદેશમાં હિંદુઓની હત્યા અને તેમના પર અત્યાચારની ઘટનાઓ સતત વધી રહી છે. આ મામલે હવે ભારતે કડક વલણ અપનાવ્યું છે. ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ તમામ કેસમાં બાંગ્લાદેશની વચગાળાની સરકાર કાર્યવાહી કરવાની પોતાના જવાબદારીમાંથી છટકી શકે નહીં. ભારતે બાંગ્લાદેશના સ્પષ્ટ શબ્દોમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાર અને હત્યાના કેસમાં આરોપીઓ સામે કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્યું છે. એટલું જ નહીં પરંતુ ભારતીય વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશની વચગાળાની સરકારે ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવા માટે ચેતવણી આપી છે.
બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર હિંસાની 2900 ઘટનાઓ બની
છેલ્લા કેટલાય દિવસોથી બાંગ્લાદેશ ભડકે બળી રહ્યું છે. વિદ્રોહીઓ દ્વારા હિંદુઓને નિશાન બનાવીને પરેશાન કરવામાં આવી રહ્યાં છે. ભારતીય વિદેશ મંત્રાયલે કહ્યું કે, બાંગ્લાદેશમાં અત્યાર સુધીમાં લઘુમતીઓ પર હિંસાની 2900 ઘટનાઓ બની છે. બાંગ્લાદેશમાં ભારત વિરોધી ખોટી ધારણાઓ ફેલાઈ રહી છે, જે મામલે ભારતે સ્પષ્ટીકરણ આપીને તે ધારણાઓને ફગાવી દીધી હતી. અત્યારે બાંગ્લાદેશમાં હિંસા ફેલાઈ રહી છે તે માટે ત્યાંની વર્તમાન સરકાર જ જવાબદાર છે. ભારતે કહ્યું કે, પાડોશી દેશમાં લધુમતીઓની સુરક્ષા માટે અમે સતર્ક છીએ. દરેક બાબતે નજર રાખવામાં આવી રહી છે.
બાંગ્લાદેશમાં હિંદુ, ઇસાઈ, બૌદ્ધ અને શીખોની સુરક્ષા ચિંતાજનક
ભારતીય વિદેશ મંત્રાયલે કહ્યું કે, બાંગ્લાદેશમાં હિંદુ, ઇસાઈ, બૌદ્ધ અને શીખોની સુરક્ષા ચિંતાજનક છે. આ લોકોને સતત ટાર્ગેટ કરીને પરેશાન કરવામાં આવી રહ્યાં છે. છેલ્લા એક અઠવાડિયામાં 3 હિંદુઓની હત્યા પણ કરવામાં આવી છે. આ દરેક બાબેત ભારતીય વિદેશ મંત્રાયલે ચિંતા વ્યક્ત કરી છે. રણધીર જયસ્વાલે કહ્યું કે, હમણાં જ ત્યાં એક હિંદુ યુવકની હત્યા થઈ, તેની અમે નિંદા કરીએ છીએ. ઉગ્રવાદીઓ દ્વારા લઘુમતીઓને લગાતાર ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે. આ ખરેખર ચિંતાનો વિષય છે. બાંગ્લાદેશમાં લઘુમતીઓ સાથે જે અત્યાચાર અને હિંસા થઈ રહી છે તેને ક્યારેય પણ નજર અંદાજ કરવામાં આવશે નહીં.
યુનુસ સરકારને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા વિનંતી
મહત્વની વાત એ છે કે, બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતી હત્યાઓ અને અત્યાચારો પર ભારતે ખૂબ જ કડક વલણ અપનાવ્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયે યુનુસ સરકારને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા વિનંતી કરી છે. હવે જોવાનું એ રહે છે કે, બાંગ્લાદેશની સરકાર દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવે છે. કારણ કે, યુનુસની વચગાળાની સરકાર અત્યાર સુધીમાં હિંસા પર કાબૂ મેળવી શકી નથી. એવું પણ કહી શકાય છે કે, યુનુસ સરકાર બાંગ્લાદેશની સૌથી કમજોર સરકાર સાબિત થવાની છે. લઘુમતીની સુરક્ષા કરવામાં યુનુસ સરકાર નિષ્ફળ રહી હોવાના કારણે વધારે હિંસા ભડકી રહી છે.