નવી દિલ્હી: દેશની રાજધાની માટે રાહતના સમાચાર આવ્યા છે. પાછલા ઘણા સમયથી દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ બુધવારે 271 નોંધવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે એક દિવસ અગાઉ એર ક્વોલિટી ઈન્ડેક્સ 412 નોંધયો હતો. હવાની ગુણવત્તામાં સુધારો થતા એક ક્વોલિટી મેનેજમેન્ટ કમિશને તાત્કાલિક અસરથી કડક જીઆરએપી-4 (ગ્રેપ-4) પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યો છે. 24 ડિસેમ્બરે એક્યૂઆઈ 271 નોંધાયું હતું. જોકે, ખતરો સંપૂર્ણપણે ટળ્યો નથી જેના કારણે ગ્રેપના સ્ટેજ -1,2 અને 3ના નિયમો કડક રીતે લાગુ રહેશે. વહીવટીતંત્રે લોકોને નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે.
ગ્રેપ પર બનેલી પેટા-સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. તેમાં હવામાન વિભાગ અને આઈઆઈટીએમની આગાહીઓની સમીક્ષા કરવામાં આવી હતી. સમિતિએ નોંધ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં ભારે પવનને કારણે પ્રદૂષણનું સ્તર ઘટ્યું છે. કેન્દ્રીય પ્રદૂષણ એજન્સીએ એક નિવેદનમાં કહ્યું હતું કે દિલ્હીના એક્યૂઆઈના સ્તરમાં સતત સુધારાને ધ્યાનમાં રાખીને ગ્રેપ પરની પેટા-સમિતિએ આજે યોજાયેલી તેની બેઠકમાં પ્રદેશમાં હવા ગુણવત્તાની સ્થિતિ તેમજ હવામાન વિભાગ અને આઈઆઈટીએમની આગાહીઓની સમીક્ષા કરી હતી. ઝડપી પવન અને અનુકૂળ હવામાન પરિસ્થિતિઓને કારણે ગઈકાલ રાતથી દિલ્હીના એક્યૂઆઈમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે.
ભલે સૌથી કડક એવા ચોથા તબક્કાના પ્રતિબંધો હટાવી લેવાયા હોય, પરંતુ હવાની શુદ્ધતા જાળવી રાખવા માટે GRAP ના સ્ટેજ-1, સ્ટેજ-2 અને સ્ટેજ-3 ના નિયમો હજુ પણ કડકાઈથી અમલમાં રહેશે. આનો અર્થ એ છે કે ધૂળ અને પ્રદૂષણ ફેલાવતી પ્રવૃત્તિઓ પર હજુ પણ આંશિક નિયંત્રણો ચાલુ રહેશે. આ ઉપરાંત, પરિવહન વિભાગ દ્વારા ‘નો પીયુસીસી, નો ફ્યુલ’ (No PUCC, No Fuel) નો આદેશ હજુ પણ અમલી રહેશે, એટલે કે વેલિડ પોલ્યુશન સર્ટિફિકેટ વગર વાહનચાલકોને પેટ્રોલ પંપ પર ઈંધણ મળશે નહીં.
પર્યાવરણ મંત્રી મનજિન્દર સિંહ સિરસાએ મંગળવારે જણાવ્યું હતું કે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (ગ્રેપ) ની સ્થિતિની ચિંતા કર્યા વિના પ્રદૂષણ વિરોધી પગલાંનો કડક અમલ ચાલુ રહેશે અને માન્ય પીયુસી સર્ટિફિકેટ વિના કોઈપણ વાહનને શહેરમાં ચલાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. વાહનચાલકોને ચેતવણી આપતા મંત્રીએ કહ્યું હતું કે માન્ય પીયુસી સર્ટિફિકેટ વિના વાહન ચલાવવું એ "દિલ્હીની હવા સામે ગુનો કરવાથી ઓછું નથી."