ઢાકા: બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણીની જાહેરાત થાય તે પૂર્વે જ બાંગ્લાદેશના ઉસ્માન હાદીની હત્યાએ રાજકારણ ગરમાવી દીધું છે. ઉસ્માન હાદીની હત્યા બાદ બાંગ્લાદેશમાં સતત હિંસા વધી રહી છે. ત્યારે હવે ઉસ્માન હાદીના ભાઈ ઓમર હાદીએ મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમજ કહ્યું છે કે ઉસ્માન હાદીની હત્યા ચૂંટણીઓને વિલંબિત કરવા માટે કરવામાં આવી છે. યુનુસે સરકારે રાજકીય લાભ મેળવવા માટે જાણી જોઈને હત્યા કરાવી છે.
ચોક્કસ જૂથે કાવતરું ઘડીને હાદીની હત્યા કરી
જેમાં ઢાકામાં આયોજિત શહીદી શપથ સમારોહમાં બોલતા, ઓમર હાદીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા. બાંગ્લાદેશી મીડિયા અહેવાલ અનુસાર તેમણે કહ્યું કે, સરકારે ઉસ્માન હાદીની હત્યા કરાવી છે અને હવે તે જ મુદ્દાનો ઉપયોગ કરીને ચૂંટણીના માહોલને બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છો. તેમણે આરોપ લગાવ્યો કે સરકારમાં એક ચોક્કસ જૂથે કાવતરું ઘડીને હાદીની હત્યા કરી હતી.
યુનુસ સરકારને ચેતવણી આપી
આ ઉપરાંત ઓમર હાદીએ યુનુસ સરકારને ચેતવણી આપી હતી કે જો તેમના ભાઈના હત્યારાઓને જલ્દી સજા નહીં મળે, તો યુનુસ સરકારને ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના જેવું જ પરિણામ ભોગવવું પડી શકે છે. તેમણે હત્યારાઓ પર ઝડપી કાર્યવાહી કરવાની માંગ કરી. જોકે, સરકારે હજુ સુધી કોઈ નક્કર પગલા નથી લીધા. તેમજ જો ઉસ્માન હાદીને ન્યાય નહીં મળે તો યુનુસને પણ એક દિવસ બાંગ્લાદેશ છોડવાની ફરજ પાડવામાં આવશે.