વોશિંગ્ટન/નવી દિલ્હીઃ લદ્દાખના કેટલાક ભાગ પર પોતાનો હક્ક ગણાવતું ચીન ભારત પર અતિક્રમણ કરવાની યોજના બનાવવાનું બંધ કરી રહ્યું નથી. તે ભારતના પડોશી દેશોની મદદ કરીને પોતાની આર્મી તથા શસ્ત્રોનો ફેલાવો કરી રહ્યું છે. આ બાબતનો તાજેતરમાં અમેરિકાના રક્ષા વિભાગ પેન્ટાગોનના વાર્ષિક રિપોર્ટમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પેન્ટાગોનના રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું છે, આવો જાણીએ.
ભારતના પડોશી દેશોમાં ચીનનો પગપેસારો
પેન્ટાગોનના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ચીન પહેલા જિબૂતીમાં પોતાનું એકમાત્ર વિદેશી લશ્કરીમથક ચલાવી રહ્યું છે, જે કમ્બોડિયાના રીમ નેવલ બેઝ સુધી પહોંચે છે. ચીન વિશ્વભરના ડઝનેક દેશોમાં આવા બેઝ બનાવવાની યોજના તૈયાર કરી રહ્યું છે. જેમાં ભારતના પડોશી દેશોનો પણ સમાવેશ થાય છે. આવા દેશોમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને મ્યાનમારનો સમાવેશ થાય છે.
પાકિસ્તાન ચીન સાથે મળીને ગ્વાદર નૌકાદળ મથક બનાવી રહ્યું છે. ચીને પાકિસ્તાનને 35 J-104 ફાઇટર જેટની ડીલ પણ આપી છે. જેમાં હૈંગોર ક્લાસ સબમરીન, યુદ્ધ જહાજ અને 5મી જનરેશનના FC-31 ફાઇટર જેટ, J-10 ફાઇટર જેટ જેવા જેટ ઓફર કરવામાં આવ્યા છે. JF-17નું જોઈન્ટ મેન્યુફેક્ચરિંગ પણ ચાલી રહ્યું છે.
ચીનના બાંગ્લાદેશ-પાકિસ્તાન સાથે સારા સંબંધ
શેખ હસીનાની સરકારથી બાંગ્લાદેશના ચીન સાથે સારા સંબંધો છે, યુનુસની સરકારમાં પણ આ સંબંધો ટકી રહ્યા છે. જેને લઈને ચીન બાંગ્લાદેશમાં લશ્કરી અડ્ડો બનાવવાનું વિચારી રહ્યું છે. બાંગ્લાદેશે ચીન પાસેથી J-10C ખરીદવામાં રસ દર્શાવ્યો છે. પાકિસ્તાને તેને ભારતના રાફેલ વિરૂદ્ધ ઉપયોગ કર્યો હતો. 2024માં ચીને બાંગ્લાદેશને VT-5 લાઇટ ટેન્ક, બે મિંગ ક્લાસ સબમરીન અને બે યુદ્ધજહાજ આપ્યા છે. આ ઉપરાંત, શ્રીલંકા અને મ્યાનમારમાં ચીન સામાન્ય લશ્કરી સુવિધાઓ અથવા લોજિસ્ટિક બેઝ બનાવવાની યોજના તૈયાર કરી રહ્યું છે. આ યોજના ચીનની પીપુલ્સ લિબરેશન આર્મીની તાકતમાં વધારો કરશે.
ભારત અને ચીનના સંબંધમાં થયો સુધારો
પેન્ટાગોનના રિપોર્ટ અનુસાર ચીન પાકિસ્તાન સાથે સંબંધો મજબૂત કરીને ભારત-અમેરિકાની દોસ્તીનો વિરોધ કરી રહ્યું છે. રિપોર્ટ પરથી એ પણ જાણવા મળી રહ્યું છે કે અમેરિકા ચીનની વધતી લશ્કરી તાકત અને વૈશ્વિક પહોંચ પર સતત નજર રાખી રહ્યું છે. ભારત અને ચીનના સંબંધોની વાત કરીએ તો તાજેતરમાં ચીન ખાતે યોજાયેલ SCO સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી ત્યાર બાદ ભારત-ચીન વચ્ચે છેલ્લા 4 વર્ષથી ઠપ થયેલી હવાઈ સેવાઓ ફરી શરૂ થઈ છે સાથો સાથ LAC પર સૈન્ય તણાવ પણ ઓછો થયો છે.
ચીનને કઈ વાતને લઈ ચિંતા છે
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીનની સૌથી મોટી ચિંતા મલક્કા સ્ટ્રેટ છે, જે અમેરિકા અને ભારતીય નૌકાદળના ઘેરાબંધીનો ખતરો છે. ચીનને હોર્મુજ સ્ટ્રેટ અને આફ્રિકા-મધ્ય પૂર્વના દરિયાઈ માર્ગની ચિંતા છે. એના સિવાય અંગોલા, ક્યુબા, ગિની, ઈન્ડોનેશિયા, કેન્યા, મોઝામ્બિક, નામિબિયા, નાઈજિરિયા, પાપુઆ ન્યૂ ગિની, સેશેલ્સ, સોલોમન આઈલેન્ડ્સ, તઝાકિસ્તાન, થાઈલેન્ડ અને યુએઈ વગેરે દેશમાં પણ બેઝ બનાવવાની ચર્ચા તેજ બની છે. ચીનની આ હરકતને કારણે ચીન પાકિસ્તાનની સાથે સૈન્ય મજબૂત કરવાની સાથે ભારત-અમેરિકા વચ્ચે દોસ્તીને પણ કાઉન્ટર કરે છે. જોકે, ચીનની નજર હવે અરૂણાચલ પ્રદેશ પર છે, જે ભારત માટે ચિંતાજનક વાત છે.