નવી દિલ્હીઃ ઉન્નાવ બળાત્કાર પીડિતા સાથેના કથિત દુર્વ્યવહાર બાદ ભારત માત્ર એક મૃત અર્થતંત્ર જ નહીં પરંતુ એક મૃત સમાજ પણ બનાવી રહ્યા છીએ. આ ટીપ્પણી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કરી હતી. રાહુલ ગાંધીએ જણાવ્યું કે બળાત્કાર પીડિતા દિલ્હીમાં હાઇકોર્ટ દ્વારા આરોપી કુલદીપ સિંહ સેંગરને આપવામાં આવેલા જામીનનો વિરોધ કરી રહી હતી. તેણી અન્યાય અને ડરનો ભોગ બનવાને બદલે તેની સાથે આદરપૂર્વકનું વર્તન થવું જોઇએ. તેને ન્યાય મળવો જોઇએ.
લોકસભામાં વિરોધ પક્ષના નેતાએ એક્સ પર જણાવ્યું કે શું ગેગરેપ પીડિતા સાથે આ પ્રકારનો વ્યવહાર વાજબી છે? શું એ તેનો દોષ છે કે ન્યાય માટે અવાજ ઉઠાવવાની હિંમત ધરાવે છે? તેના ગુનેગાર(ભૂતપૂર્વ ભાજપ ધારાસભ્ય સેંગર)ને જામીન મળી ગયા છે. જે ખૂબ જ નિરાશાજનક અને શરમજનક છે. ખાસ કરીને જ્યારે પીડિતાને વારંવાર હેરાન કરવામાં આવી રહી છે અને તે ભયના ઓથાર હેઠળ જીવી રહી છે.
તેમણે કહ્યું કે બળાત્કારીઓને જામીન અને પીડિતો સાથે ગુનેગારો જેવું વર્તન- આ તે કેવો ન્યાય છે? આપણે માત્ર એક મૃત અર્થતંત્ર જ નથી બનાવી રહ્યા- આવી અમાનવીય ઘટનાઓથી આપણે એક મૃત સમાજ પણ બનાવી રહ્યા છીએ.
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે લોકશાહીમાં અસહમતિનો અવાજ ઉઠાવવો એ અધિકાર છે અને તેને દબાવવો એ ગુનો છે. પીડિતાને આદર, સુરક્ષા અને ન્યાય મળવા જોઇએ- લાચારી, ભય અને અન્યાય નહીં.
ઉન્નાવ બળાત્કાર પીડિતાએ બુધવારે દિલ્હી હાઇ કોર્ટના ભાજપે હાંકી કાઢેલા સેંગરની જેલની સજા સ્થગિત કરવાના નિર્ણયને તેના પરિવાર માટે 'કાલ'(મૃત્યુ) ગણાવ્યો હતો. તેમ જ તેણે આ આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં જશે એમ કહ્યું હતું.
બળાત્કાર પીડિતા અને તેની માતાએ સેંગરને જામીન આપવાના નિર્ણય સામે અહીં મંડી હાઉસ પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જ્યારે ૨૦૧૭માં અપરાધી સેંગરે પીડિતાનું અપહરણ અને દુષ્કર્મ આચર્યું ત્યારે તેણી સગીર હતી.