વર્તમાન સમયમાં, જ્યારે મોબાઇલ ફોન અને ઇન્ટરનેટ એક વ્યક્તિના બીજી વ્યક્તિ સાથે ખૂબ જ સરળતાથી કનેક્ટ કરી શકે છે. જોકે, આની એક સાઈડ ઈફેક્ટની વાત કરીએ તો આને કારણે પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વચ્ચેનું સંતુલન ખોરવાઈ જાય છે. વર્કિંગ અવર્સ પૂરા થયા પછી પણ બોસ કે સહકર્મીઓ તરફથી આવતા ફોન, ઇમેઇલ કે મેસેજીસને કારણે એમ્પ્લોયીની મેન્ટલ હેલ્થ અને પર્સનલ લાઈફ પર તેની ગંભીર અસર જોવા મળે છે. જોકે, હવે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે આજે લોકસભામાં રાઇટ ટુ ડિસ્કનેક્ટ બિલ (Right to Disconnect Bill) આજે રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારે ચાલો જાણીએ આ રાઈટ ટુ ડિસ્કનેક્ટ બિલ શું છે અને એનાથી શું ફાયદો થશે...
રાઇટ ટુ ડિસકનેક્ટ બિલ શું છે?
વાત કરીએ રાઈટ ટુ ડિસકનેક્ટ બિલ વિશે તો આ બિલમાં કર્મચારીઓને તેમના કામના કલાકો પૂરા થયા પછી, ઓફિસના ઇલેક્ટ્રોનિક કમ્યુનિકેશનથી દૂર રહેવાનો અધિકાર આપવાની જોગવાઈ કરવામાં આવી છે. આ બિલ કર્મચારીને એક કાયદાકીય માળખું પૂરું પાડે છે જે એમ્પ્લોયીને તેમના કામના કલાકો પછી કંપનીના કામ સંબંધિત કોલ, ઇમેઇલ અથવા મેસેજિંગ પ્લેટફોર્મ પર જવાબ આપવાની જવાબદારીમાંથી મુક્ત કરે છે.
ભારતમાં આ બિલની જરૂર કેમ પડી?
રાઈટ ટુ ડિસકનેક્ટ બિલ શું છે એ જાણી લીધા બાદ હવે આગળ વધીએ અને વાત કરીએ કે ભારતમાં આ બિલ લાવવાની શું જરૂર પડી એ વિશે. ભારત એ દુનિયાના એવા દેશોમાંથી એક છે જ્યાં એમ્પ્લોયી સૌથી વધુ કલાકો કામ કરે છે. એમાં પણ ખાસ કરીને આઈટી, સ્ટાર્ટઅપ્સ અને કોર્પોરેટ સેક્ટરમાં કર્મચારીઓ માટે 24/7 કનેક્ટેડ રહેવાના કલ્ચરે ગંભીર સમસ્યાઓ ઊભી કરી છે.
જોકે, ભારતમાં હજી આ બિલ પસાર કરવામાં આવ્યું છે અને તેને કાયદાનું સ્વરૂપ નથી આપવામાં આવ્યું. આ પહેલાં પણ રાઈટ ટુ ડિસકનેક્ટ બિલ બે વખત રજૂ કરવામાં આવ્યું છે, પરંતુ તે કાયદો નહોતો બની શક્યો નથી. આ પહેલાં 2018માં અને બીજી વખત 2021માં આ બિલ સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું.
પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ કરે છે ડિસ્ટર્બ
લાંબા સમય સુધી કામ કરવાને કારણે કર્મચારીની પર્સનલ અને પ્રોફેશનલ બંને લાઈફ ડિસ્ટર્બ થઈ જાય છે. કેટલાક લોકોમાં મેન્ટલ સ્ટ્રેસ, બર્નઆઉટ જેવી સમસ્યાઓ જોવા મળી રહી છે. આ સાથે સાથે ફેમિલીને પૂરતો સમય ન આપી શકવાને કારણે પારિવારિક સંબંધો પર પણ તેની નકારાત્મક અસર જોવા મળે છે. સતત કામ કરવાથી લાંબા ગાળે કર્મચારીઓની કાર્યક્ષમતા અને ઉત્પાદકતા ઘટે છે.
વિદેશમાં શું છે પરિસ્થિતિ? કયા દેશોમાં છે આ કાયદો-
ભારત સિવાય વિશ્વના અન્ય દેશો વિશે વાત કરીએ અને જાણીએ કે ત્યાં શું પરિસ્થિતિ છે એની તો વિશ્વના અનેક દેશોમાં રાઈટ ટુ ડિસકનેક્ટ બિલ એક કાયદો બની ચૂક્યો છે. ભારત માટે આ દેશો એક માર્ગદર્શકની ભૂમિકા ભજવી શકે છે. ચાલો જોઈએ દુનિયાના કયા દેશોમાં આ રાઈટ ટુ ડિસકનેક્ટ બિલ કાયદાનું સ્વરૂપ લઈ ચૂક્યો છે-
આ દેશોમાં છે રાઈટ ટુ ડિસકનેક્ટ-
ફ્રાન્સ:
ફ્રાન્સ એ દુનિયાનો પહેલો એવો દેશ છે કે જેણે જાન્યુઆરી, 2017માં જ 'Le Droit de la Déconnexion' કાયદો પસાર કર્યો હતો. આ કાયદા હેઠળ 50થી વધુ કર્મચારીઓ ધરાવતી કંપનીઓએ ડિસ્કનેક્ટ થવા માટે પોલિસી બનાવવી ફરજિયાત છે.
જર્મની:
ફ્રાન્સ બાદ જર્મનીમાં પણ આ એક કાયદો છે. જર્મનીમાં ફોક્સવેગન (Volkswagen) જેવી મોટી કંપનીઓએ પહેલાંથી જ એક ઇમેઇલ પોલિસી બનાવી છે અને આ પોલિસી હેઠળ ઓફિસ અવર્સ પછી ઇમેઇલ સર્વર બંધ કરી દેવામાં આવે છે.
આ ત્રણ દેશ પણ છે લિસ્ટમાં
ફ્રાન્સ અને જર્મની સિવાય સ્પેન, ઈટલી અને બેલ્જિયમ જેવા દેશોમાં પણ આ અનોખી પોલિસી અમલમાં મૂકવામાં આવી છે. આ તમામ દેશોમાં પણ કર્મચારીઓને વર્કિંગ અવર્સ બાદ રાઈટ ટુ ડિસ્કનેક્ટ થવાના અધિકારને કાયદાકીય માન્યતા આપવામાં આવી છે.