હૈદરાબાદ: તેલંગાણાના મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડીએ શનિવારે રાજ્ય સરકાર દ્વારા આયોજિત નાતાલની ઉજવણીના કાર્યક્રમમાં હાજર રહ્યા હતાં, આ દરમિયાન તેમણે આપેલું નિવેદન વિવાદનું કારણ બન્યું છે. તેમણે તેલંગાણા રાજ્યની સ્થાપનાને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી સાથે જોડી હતી. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ રેવંત રેડ્ડીની આ ટીપ્પણીની આકરી ટીકા કરી છે.
ભાજપે રેવંત રેડ્ડીને ‘ચાપલૂસ’ ગણાવ્યા અને ખ્રિસ્તી સમુદાયનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. રેવંત રેડ્ડીની ટીકા કરતા ભાજપના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ કહ્યું, "જો આપણે ચાપલૂસીને એક રમત ગણીએ તો, તો રેવંત રેડ્ડી ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતીને આવશે. તેમણે એવો દાવો કર્યો કે સોનિયા ગાંધીના બલિદાનને કારણે નાતાલની ઉજવણી થાય છે, આ સાથે તેમણે ખુશામતની તમામ હદો વટાવી દીધી છે.. આ ઈસુ ખ્રિસ્ત અને ખ્રિસ્તી સમુદાયનું અપમાન છે.”
રેવંત રેડ્ડી પર આકરા પ્રહાર કરતા પૂનાવાલાએ કહ્યું, “જ્યારે કોઈ પરિવાર પ્રત્યે આંધળી ભક્તિમાં વ્યસ્ત રહે છે, ત્યારે આવું થાય છે.”
મુખ્ય પ્રધાન રેડ્ડીએ શું કહ્યું હતું:
નાતાલની રાજ્ય કક્ષાની ઉજવણી દરમિયાન મુખ્ય પ્રધાન રેડ્ડીએ કહ્યું કે તેલંગાણા અને કોંગ્રેસ પાર્ટી માટે આ ડીસેમ્બર મહિનો ચમત્કારીક છે, ઈસુ ખ્રિસ્તના જન્મ આ મહિનામાં થયો, સોનિયા ગાંધીનો જન્મ પણ ડિસેમ્બરમાં જ થયો હતો અને આ મહિનામાં તેલંગાણાને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો.
મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડીએ એમ પણ જણાવ્યું કે ધાર્મિક વેર ભાવ ભડકાવનારાઓ સામે રાજ્ય સરકાર પહેલાથી જ કાર્યવાહી કરી છે. હવે સરકાર અન્ય ધર્મોનું અપમાન કરનારાઓને કડક અપાવવા માટે વિધાનસભામાં કાયદો પસાર કરીશું.