નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આજે વિપક્ષના નેતાઓ પર આકરા રાજકીય પ્રહારો કર્યા હતા. તેમણે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને સમાજવાદી પાર્ટી (સપા)ના વડા અખિલેશ યાદવ પર આડકતરી રીતે નિશાન સાધતા કહ્યું કે બે નમૂના છે, જે દેશમાં કોઇ પણ ગંભીર રાષ્ટ્રીય મુદ્દો ઊભો થાય ત્યારે દેશ છોડીને ચાલ્યા જાય છે.
મીડિયાના અહેવાલ મુજબ મુખ્ય પ્રધાને આ ટિપ્પણી ઉત્તર પ્રદેશ વિધાનસભાના શિયાળુ સત્રના બીજા દિવસે કોડીન આધારિત કફ સિરપના કથિત ગેરકાયદે વેપાર અંગે સમાજવાદી પાર્ટી દ્વારા લગાવવામાં આવેલા આરોપોનો જવાબ આપતા કરી હતી. વિપક્ષના આરોપોને નકારતાં આદિત્યનાથે કહ્યું કે આ વિવાદ તથ્યો કરતાં રાજકીય હેતુંઓથી પ્રેરિત છે.
આદિત્યનાથે કોઇનું નામ લીધા વિના કહ્યું કે બે નમૂનાઓમાંથી એક દિલ્હીમાં રહે છે અને બીજો લખનઊમાં રહે છે. જ્યારે પણ દેશમાં કોઇ ગંભીર ચર્ચા થાય છે ત્યારે તે બંને ગાયબ થઇ જાય છે. તેમણે અખિલેશ યાદવની પણ ઠેકડી ઉડાવી હતી. જેમને તેઓ ઘણીવાર જાહેર ભાષણોમાં 'બબુઆ' કહે છે. યોગીએ કહ્યું કે તે પણ ટૂંક સમયમાં વિદેશ પ્રવાસે નીકળી પડશે અને તેની પાર્ટી વિધાનસભામાં સૂત્રોચ્ચાર કરતી રહેશે.
સમાચાર એજન્સીએ આદિત્યનાથને ટાંકીને કહ્યું કે દેશમાં બે નમૂના છે. એક દિલ્હીમાં અને બીજો લખનઊમાં. જ્યારે પણ દેશમાં ચર્ચા થાય છે ત્યારે આ લોકો ભાગી જાય છે. અખિલેશ યાદવે વળતો પ્રહાર કરતાં આદિત્યનાથની આ ટિપ્પણીઓને ભાજપમાં આંતરિક મતભેદોનો ખુલ્લેઆમ સ્વીકાર ગણાવ્યો હતો. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને વિધાનસભામાં બોલતી વખતે અને બાદમાં એક્સ પર જણાવ્યું કે આ ટિપ્પણી દિલ્હીમાં પાર્ટી નેતૃત્વ અને લખનઊમાં તેના રાજ્ય એકમ વચ્ચેના આંતરિક ઝઘડાને દર્શાવે છે.