Thu Jan 01 2026

Logo

White Logo

બ્રિટિશરો 15 વર્ષે : ઑસ્ટ્રેલિયામાં ટેસ્ટ જીત્યા

Melbourne   5 days ago
Author: Ajay Motiwala
Video

ઍશિઝ ટેસ્ટમાં બે દિવસમાં 36 વિકેટ પડી, ઇંગ્લૅન્ડ મહામહેનતે જીત્યું

મેલબર્ન: અહીંના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (એમસીજી)માં ઇંગ્લૅન્ડે ભારે લડત અને સંઘર્ષ બાદ છેવટે ઑસ્ટ્રેલિયા સામે સિરીઝની ચોથી ટેસ્ટ (બોક્સિંગ-ડે ટેસ્ટ) જીતી લીધી છે. ઑસ્ટ્રેલિયા આ શ્રેણીમાં 3-1થી આગળ છે.

ઇંગ્લૅન્ડની ટીમ ઑસ્ટ્રેલિયામાં ટેસ્ટ જીતી હોય એવું 15 વર્ષ પછી (18 ટેસ્ટ બાદ) પહેલી વખત બન્યું છે. 2010 બાદ ઑસ્ટ્રેલિયામાં બ્રિટિશ ટીમ કુલ 16 ટેસ્ટ હારી હતી અને બે ટેસ્ટ ડ્રોમાં ગઈ હતી.

તમામ 36 વિકેટ પેસ બોલર્સે લીધી

આખી ટેસ્ટમાં કુલ 36 વિકેટ પડી અને તમામ વિકેટ પેસ બોલર્સે લીધી. અ ટેસ્ટ માત્ર પોણાબે દિવસમાં પૂરી થઈ ગઈ.

આ ટેસ્ટ પણ જીતીને 4-0થી સરસાઈ મેળવવાની ઑસ્ટ્રેલિયાની તીવ્ર ઈચ્છા હતી, પરંતુ બેન સ્ટોકસની ટીમે ઑસ્ટ્રેલિયા (AUSTRALIA)ને આ શ્રેણીમાં પહેલી વખત પરાજય ચખાડવામાં સફળતા મેળવી છે.

જૉશ ટન્ગ મૅન ઑફ ધ મૅચ

આખી ટેસ્ટમાં કુલ સાત વિકેટ લેનાર ઇંગ્લૅન્ડ (ENGLAND)ના પેસ બોલર જૉશ ટન્ગને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ મળ્યો હતો.

બાર્મી આર્મીનું જ રાજ

એમસીજી (MCG)ના સ્ટેડિયમમાં હજારો પ્રેક્ષકોથી બનેલી બાર્મી આર્મીએ તાળીઓના ગડગડાટથી અને બૂમો પાડીને ઇંગ્લૅન્ડની ટીમને અભિનંદન અભિનંદન આપ્યા હતા. બાર્મી આર્મીના બ્રિટિશ પ્રેક્ષકોએ (જાણે સિરીઝ કે ટૂર્નામેન્ટની ફાઇનલ જીતી ગયા હોય એ રીતે) બૂમો પાડીને આખું સ્ટેડિયમ ગજાવ્યું હતું. એમસીજીમાં આજે પણ કુલ 90,000-પ્લસ પ્રેક્ષકો હાજર હતા.

બ્રિટિશ ટીમે છ વિકેટ ગુમાવેલી

ઇંગ્લૅન્ડની ટીમને આજે બીજા દિવસે જીતવા માત્ર 175 રનનો લક્ષ્યાંક મળ્યો હતો અને એણે ચાર વિકેટના માર્જિન સાથે મેળવી લીધો હતો. જોકે એ મેળવવા જતાં ઇંગ્લેન્ડે 178 રનમાં છ વિકેટ ગુમાવી હતી. ઝાય રિચર્ડ્સનના બૉલમાં હૅરી બ્રુક ક્રીઝમાં હતો અને ત્યારે લેગ બાયમાં બૉલ બાઉન્ડરી લાઇનની બહાર જતાં જ ઇંગ્લૅન્ડની જીત નિશ્ચિત થઈ હતી. જેકબ બેથેલના 40 રન ટીમમાં હાઈએસ્ટ હતા. ઑસ્ટ્રેલિયાના સ્ટાર્ક, રિચર્ડ્સન અને સ્કૉટ બૉલેન્ડે બે-બે વિકેટ લીધી હતી.

કાર્સ અને સ્ટૉકસે બાજી ફેરવી હતી

ઑસ્ટ્રેલિયા બીજા દાવમાં ફક્ત 132 રનમાં ઑલઆઉટ થઈ જતાં બેન સ્ટૉક્સની ટીમને 175 રનનો સાધારણ લક્ષ્યાંક મળ્યો હતો. ઑસ્ટ્રેલિયાને 132 રનમાં આઉટ કરાવવામાં બ્રાઇડન કાર્સ (ચાર વિકેટ) અને બેન સ્ટૉક્સ (ત્રણ વિકેટ)ના સૌથી મોટા યોગદાન હતા.

પ્રથમ દાવમાં નીચા સ્કોર

પ્રથમ દાવમાં ઑસ્ટ્રેલિયાએ 152 રન કર્યા બાદ બ્રિટિશ ટીમ 110 રનમાં આઉટ થઈ ગઈ હતી.