Mon Dec 08 2025

Logo

White Logo

ભાજપે સોનિયા ગાંધીના આક્ષેપોનો જવાબ આપ્યો, : જવાહરલાલ નહેરૂની ભૂલો યાદ કરાવી

1 day ago
Author: chandrakant kanojia
Video

નવી દિલ્હી : ભાજપે કોંગ્રેસ નેતા  સોનિયા ગાંધી દ્વારા ભાજપ પર જવાહરલાલ નહેરુને બદનામ કરવાના કરેલા આક્ષેપ પર પલટવાર કર્યો છે. આ અંગે ભાજપ પ્રવક્તા ગૌરવ ભાટિયાએ પાકિસ્તાન અને ચીને  પચાવી પાડેલી જમીન અને કાશ્મીરના વિશેષ દરજ્જા મુદ્દા જેવી ઐતિહાસિક ભૂલો માટે જવાહરલાલ નેહરુને જવાબદાર ગણાવ્યા છે. તેમજ કહ્યું કે સોનિયા ગાંધીએ જે નાશ શબ્દનો ઉપયોગ કર્યો તે તેમના પુત્ર રાહુલ ગાંધીનો સમાનાર્થી છે. તેમજ તેમણે નહેરૂની આ ભૂલો પર જવાબ પણ માંગ્યો છે. 

ભારતીય રાજકારણમાં રાહુલ ગાંધી ભસ્માસુર 

ગૌરવ ભાટિયાએ વધુમાં જણાવ્યું કે, આજે ભારતીય રાજકારણમાં જો કોઈ  ભસ્માસુર હોય  તો તે રાહુલ ગાંધી છે. તેમણે મહારાષ્ટ્રમાં શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેના પક્ષોને બરબાદ કર્યા. તેની બાદ લોકસભા ચૂંટણી દરમિયાન દિલ્હીમાં અરવિંદ કેજરીવાલના પક્ષ સાથે ગઠબંધન કરીને તેને બરબાદ કર્યો.  બિહારની ચૂંટણીમાં તેજસ્વી યાદવને હરાવ્યા બાદ  રાહુલ ગાંધી હવે અખિલેશ યાદવનો બરબાદ  કરવા માટે ઉત્તર પ્રદેશ જઈ રહ્યા છે. 

ઇતિહાસને ફરીથી લખવાનો એક ખોટો અને સ્વાર્થી પ્રયાસ : સોનિયા ગાંધી 

ઉલ્લેખનીય છે કે, સોનિયા ગાંધીએ જવાહર ભવનમાં નેહરુ સેન્ટર ઇન્ડિયાના ઉદ્ઘાટન પ્રસંગે બોલતા  કહ્યું કે નેહરુને બદનામ કરવા, કલંકિત કરવા અને બદનામ કરવાનો વ્યવસ્થિત પ્રયાસ ચાલી રહ્યો છે  જે સંપૂર્ણપણે અસહ્ય છે. તેમણે કહ્યું કે શાસક પક્ષનો મુખ્ય ઉદ્દેશ્ય નેહરુને એક વ્યક્તિ તરીકે નીચા દેખાડવાનો અને ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં તેમની વૈશ્વિક ભૂમિકાને ભૂંસી નાખવાનો છે. તેમણે કહ્યું કે આ ઇતિહાસને ફરીથી લખવાનો એક ખોટો અને સ્વાર્થી પ્રયાસ છે.