Thu Jan 01 2026

Logo

White Logo

ગુજરાત સરકાર પ્રેમલગ્નોના : નિયમોમાં ફેરફાર કરે તેવી શક્યતા...

1 day ago
Author: Pooja Shah
Video

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ
રાજ્યમાં અમુક સેલિબ્રિટીના આંતરજ્ઞાતિય પ્રેમલગ્નો ચર્ચાનો વિષય બન્યો છે. ઘણા સમયથી પ્રેમલગ્નો મામલે વિવાદો થઈ રહ્યા છે. અલગ અલગ સમાજોએ રાજ્ય સરકાર સામે આ અંગે રજૂઆતો કરી છે ત્યારે રાજ્ય સરકાર પ્રેમલગ્નની નોંધણીમાં અમુક ફેરફાર કરે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વર્ગ-2ના અધિકારીની મંજૂરી વિના સીધી લગ્નની નોંધણી થશે નહીં અને આ સાથે ભાગેડુ લગ્નના કિસ્સામાં માતા-પિતાને નોટીસ આપવામાં આવે, તેવી જોગવાઈઓ ઉમેરવામાં આવે, તેવી સંભાવના છે. બુધવારે ગુજરાત પ્રધાનમંડળની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાય તેવી સંભાવના સૂત્રોએ વ્યક્ત કરી હતી. 

બંધારણ અનુસાર પુખ્તવયના યુવક અને યુવતી પોતાની ઈચ્છાથી લગ્ન કરી શકે છે. આજકાલ આંતરજ્ઞાતિય પ્રેમલગ્નો સામાન્ય બની ગયા છે. ઘણા કેસમાં છોકરીએ પસંદ કરેલો છોકરો અને પરિવાર છોકરીના પરિવારને માફક ન આવતા કે યોગ્ય ન લાગતા તેનો વિરોધ કરે છે. ઘણા કેસમાં છોકરીઓ દુઃખી થાય છે. આવા વિવિધ મુદ્દાઓને લઈ અમુક સમાજ દીકરીના પ્રેમલગ્ન માતા-પિતાની મંજૂરી સાથે જ થાય તેવી માગણી કરી રહ્યા છે. 

બ્રાહ્મણ સમાજ મળ્યો સીએમને
 સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રતિનિધિઓએ ગુજરાતના લગ્ન નોંધણી નિયમોમાં ફેરફારની માંગ કરી હતી, જેમાં પુત્રીનાં પ્રેમલગ્નમાં માતાપિતાની મંજૂરી ફરજિયાત બનાવવાનો આગ્રહ રાખવામાં આવ્યો છે. બ્રહ્મ સમાજના પ્રમુખ શૈલેષ ઠાકરના નેતૃત્વમાં સમુદાયના નેતાઓનું એક પ્રતિનિધિમંડળ સોમવારે ગાંધીનગર સચિવાલય ખાતે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને મળ્યું હતું અને રજૂઆત કરી હતી.

આ મેમોરેન્ડમમાં જણાવાયું છે કે જ્યારે કોઈ પુત્રી ઘર છોડીને પરિવારને જાણ કર્યા વિના લગ્ન કરે છે, ત્યારે તે સમગ્ર પરિવારના ગૌરવ અને ભાવનાત્મક માહોલને અસર કરે છે. સમુદાયે માંગ કરી હતી કે પુત્રીના લગ્ન નોંધણી સમયે માતાપિતાની સહીઓ અને સંમતિ ફરજિયાત બનાવવામાં આવે. બ્રહ્મ સમાજે પાટીદાર સમુદાય દ્વારા અગાઉ ઉઠાવવામાં આવેલી આવી જ માંગને પણ સંપૂર્ણ સમર્થન આપ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું છે કે આ મુદ્દો હિન્દુ સંસ્કૃતિ અને કુટુંબ વ્યવસ્થાના રક્ષણનો છે.

મીડિયા સાથે વાત કરતા, ઠાકરે કહ્યું હતું કે લગ્ન નોંધણી અને ભાગેડુ લગ્નોને કારણે માતાપિતાને થતી સમસ્યાઓ અંગે, અમે અગાઉ એક ઠરાવ પસાર કર્યો હતો. આજે, અમે તે ઠરાવની એક નકલ મુખ્ય પ્રધાનને સુપરત કરી હતી, જેમાં માંગ કરવામાં આવી હતી કે આવા કિસ્સાઓમાં માતાપિતાની સંમતિ ફરજિયાત બનાવવામાં આવે, અને આ નક્કી  કરવા માટે કાયદો લાગુ કરવામાં આવે. 

સેલિબ્રિટીના લગ્નો રહ્યા ચર્ચામાં 
તાજેતરમાં જ બે ગાયિકા કિંજલ દવે અને આરતી સંઘાણીના સંબંધો ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યા છે. કિંજલની જૈન યુવક સાથેની સગાઈ અને આરતીના વાલ્મિકી યુવક સાથેના લગ્ન બાદ તેમના જ્ઞાતિ સમાજોએ વિરોધ નોંધાવ્યો હતો. તો બીજી તરફ જીવનસાથિી પસંદ કરવાનો હક દરેક વ્યક્તિને બંધારણે આપ્યો છે, તેવી દલીલો પણ થઈ રહી છે.