ઢાકા: બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાના આજે ઢાંકા ખાતે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે બાંગ્લાદેશમાં દેશ-વિદેશના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતાં. વિદેશ પ્રધાન એસ. જયશંકરે ભારત તરફથી ખાલિદા ઝિયાના અંતિમસંસ્કારમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમની મુલાકાત પાકિસ્તાનના એક વરિષ્ઠ નેતા સાથે થઈ હતી. જે ચર્ચાનું કેન્દ્ર બની છે.
વિદેશ પ્રધાનની પાકિસ્તાનના સ્પીકર સાથે મુલાકાત
ખાલિદા ઝિયાના અંતિમસંસ્કારમાં પાકિસ્તાન તરફથી સરદાર અયાઝ સાદિક હાજર રહ્યા હતા. તેઓ હાલ પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીના સ્પીકર છે. આમ, ખાલિદા ઝિયાના અંતિમસંસ્કારમાં એસ. જયશંકર અને સરદાર અયાઝ સાદિકની અનૌપચારિક મુલાકાત થઈ હતી. જેની તસવીર બાંગ્લાદેશની વચગાળાની સરકારના સલાહકાર મોહમ્મદ યુનુસે તેમના એક્સ હેન્ડલ પર શેર કરી છે.
આંતરરાષ્ટ્રીય મીડિયા પાસેથી મળતી માહિતી મુજબ, બંને નેતાઓ વચ્ચે કોઈ ઔપચારિક દ્વિપક્ષીય ચર્ચા થઈ ન હતી. બંનેએ માત્ર એકબીજાના કુશળ સમાચાર પૂછ્યા હતા. જોકે, બંને નેતાઓની આ મુલાકાત રાજદ્વારી દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ છે, કારણ કે મે 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા ટૂંકા પરંતુ ભીષણ યુદ્ધ બાદ આ પ્રથમ ઉચ્ચસ્તરીય મુલાકાત છે.
'ઑપરેશન સિંદૂર' બાદ ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધો અત્યંત તણાવપૂર્ણ રહ્યા છે. એવા સંજોગમાં બંને દેશના નેતાઓની આ ટૂંકી મુલાકાત આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની છે. જોકે, બંને પક્ષો તેને માત્ર એક સૌજન્ય મુલાકાત જ ગણી રહ્યા છે.