તાઇવાન સરહદે ચીનનું શક્તિ પ્રદર્શન: અમેરિકાના હથિયાર પેકેજ બાદ યુદ્ધાભ્યાસ તેજ
બીજિંગઃ જાપાન સાથે વધતા રાજદ્વારી તણાવ વચ્ચે ચીની સેનાએ સોમવારે તાઇવાન સામુદ્રધુનીના મધ્ય ક્ષેત્રોમાં નવી લશ્કરી કવાયત શરૂ કરી છે. ચીન તાઇવાન પર પોતાના અધિકારનો દાવો કરે છે. જેને લઇને ચીન અને જાપાન વચ્ચે તણાવ છે.
સરકારી સમાચાર એજન્સી શિન્હુઆએ જણાવ્યું કે ચીની પીપલ્સ લિબરેશન આર્મી(પીએલએ)ના પૂર્વીય થિયેટર કમાન્ડ સોમવારે તાઇવાન સામુદ્રધુનીના મધ્ય વિસ્તારોમાં પાણી અને હવાઇ કવાયત કરવા માટે ફાઇટર જેટ, બોંબર્સ અને માનવરહિત હવાઇ વાહનો(યુએવી)નું સંકલન કરી રહ્યા છે.
એજન્સીએ જણાવ્યું કે આ કવાયતનો ઉદ્દેશ્ય જમીની લક્ષ્યોને નિશાન બનાવવાનો અને મુખ્ય લક્ષ્યો પર ચોક્કસ પ્રહાર કરવાની સૈનિકોની ક્ષમતાનું પરીક્ષણ કરવાનો છે. ચીન તાઇવાનને તેની મુખ્ય ભૂમિનો ભાગ માને છે અને તેને પોતાની સાથે જોડવાનો પ્રયાસ કરે છે. જો કે તાઇવાન પોતાને સ્વતંત્ર રીતે શાસિત માને છે.
આ કવાયતોમાં ફાઇટર જેટ, લાંબા અંતરના રોકેટ અને યુએવીનો ઉપયોગ કરવામાં આવશે. આ કવાયતો એવા સમયે થઇ રહી છે, જ્યારે અમેરિકાએ તાઇપેઇ માટે ૧૧.૧ અબજ ડોલરના રેકોર્ડ હથિયાર પેકેજને મંજૂરી આપી છે. જેની ચીને આકરી ટીકા કરી છે. આ સાથે તાઇવાનને લઇને જાપાન સાથે પણ રાજદ્વારી તણાવ વધી ગયો છે.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાઇવાન માટે ૧૧.૧ અબજ અમેરિકન ડોલરના હથિયાર પેકેજને મંજૂરી આપી દીધી છે. જેને જો અમેરિકન કોંગ્રેસ દ્વારા મંજૂરી મળી જાય છે તો આ ટાપુને વોશિંગ્ટનનું અત્યાર સુધીનું સૌથી મોટું શસ્ત્ર વેચાણ હશે.