થાણે: દેશમાં આત્મહત્યાની ઘટનાઓ અવારનવાર ઘટતી રહે છે. આજના સમયમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આત્મહત્યા જેવું મોટું પગલું ભરતા થઈ ગયા છે. છેલ્લા કેટલાક સમયમાં વિદ્યાર્થીઓએ શાળામાં આત્મહત્યા કર્યાની ઘટનાઓ જોવા મળી છે. આ ઘટનામાં વધુ એક ઘટનાનો ઉમેરો થયો છે. મહારાષ્ટ્રના થાણેની એક આશ્રમશાળામાં ધોરણ 10ની એક વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી લીધી છે.
વિદ્યાર્થિનીની આત્મહત્યાનું કારણ અકબંધ
થાણે જિલ્લાના મોરોશી ગામ ખાતે શાસકીય માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક આશ્રમશાળા આવેલી છે. આ સરકારી આશ્રમશાળામાં હોસ્ટેલ પણ આવેલી છે. આ હોસ્ટેલના રૂમમાં ધોરણ 10માં અભ્યાસ કરતી એક 16 વર્ષીય વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. આત્મહત્યાની આ ઘટનાને લઈને મુરબાદ પોલીસે કેસ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
જોકે, આત્મહત્યાની આ ઘટનાને લઈને કોઈ સ્યુસાઈડ નોટ મળી આવી નથી. તેથી વિદ્યાર્થિનીએ આત્મહત્યા કેમ કરી તેનું કોઈ સચોટ કારણ સામે આવ્યું નથી. પોલીસ વિદ્યાર્થિનીના પરિવારજનોની પૂછપરછ કરીને આત્મહત્યાનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે.
અગાઉ, આ આશ્રમશાળાને લઈને ઘણી ફરિયાદો સામે આવી હતી. થોડા દિવસ પહેલા જનજાતિય વિકાસ મંત્રી અશોક ઉઇકેએ આ આશ્રમશાળાની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે આશ્રમશાળામાં સુવિધાઓની ઉણપને લઈને નારાજગી વ્યક્ત કરી હતી.