ભરત ભારદ્વાજ
ટીનેજર્સમાં સોશ્યલ મીડિયાની લત ભયંકર હદે વકરી છે તેનો કકળાટ આખી દુનિયામાં ચાલી રહ્યો છે ત્યારે ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે સોશ્યલ મીડિયા પર સત્તાવાર રીતે પ્રતિબંધ મૂકી દેવાયો છે. ઓસ્ટ્રેલિયાની સરકારે બહુ પહેલાં આ નિર્ણય લઈ લીધો હતો પણ તેનો અમલ સત્તાવાર રીતે નહોતો કરાયો. 9 ડીસેમ્બર ને મંગળવારથી સત્તાવાર રીતે અમલ કરાતાં ઓસ્ટ્રેલિયા દુનિયામાં ટીનેજર્સ માટે સાશ્યલ મીડિયા પર પ્રતિબંધ મૂકનાર પહેલો દેશ બની ગયો છે.
દુનિયામાં ઘણા બધા દેશોમાં બાળકોએ સોશ્યલ મીડિયા પર કન્ટેન્ટ જોવા માટે માતા-પિતા કે વાલીની મંજૂરી લેવી જરૂરી છે પણ કોઈ દેશમાં બાળકો સોશ્યલ મીડિયાનો ઉપયોગ જ ના કરી શકે એવો પ્રતિબંધ નથી. ઓસ્ટ્રેલિયાએ આ પહેલ કરીને આખી દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે અને એક જબરદસ્ત ચર્ચા પણ છેડી દીધી છે.
ઓસ્ટ્રેલિયાની સરકારે લીધેલા નિર્ણય પ્રમાણે ટિકટોક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક સહિતનાં વૈશ્વિક સ્તરે છવાઈ ગયેલાં અને લોકો પર પ્રભાવ પાડતાં તમામ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સે 16 વર્ષથી ઓછી ઉંમરના ટીનેજર્સને તેમની સેવાઓ બંધ કરવી પડશે. સાદા શબ્દોમાં કહીએ તો ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષથી ઓછી ઉંમરના તમામ લોકોનાં બધાં જ સોશ્યલ મીડિયા એકાઉન્ટ બંધ થઈ જશે અને યુવા યુઝર્સ આ સોશ્યલ મીડિયા પર લોગ ઈન નહીં કરી શકે. લોગ ઈન નહીં કરી શકે એટલે પોતાના વીડિયો, પોસ્ટ પણ નહીં મૂકી શકે. બાળકો લોગ ઈન કર્યા વિના સોશ્યલ મીડિયા પરનું જાહેર કન્ટેન્ટ જોઈ શકશે પણ એકાઉન્ટ નહીં રાખી શકે.
ઓસ્ટ્રેલિયામાં અત્યારે 16 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોનાં લગભગ 10 લાખ જેટલાં એકાઉન્ટ છે તેથી આ બધાં એકાઉન્ટ બંધ થઈ જશે. મહત્ત્વની વાત એ છે કે, આ કાયદામાં બાળકો કે માતા-પિતાને સજાની કોઈ જોગવાઈ નથી કરાઈ પણ તમામ જવાબદારી માત્ર પ્લેટફોર્મ્સની છે એવું નક્કી કરાયું છે. સોશ્યલ મીડિયા યુઝર ટીનેજર નથી એ જોવાની જવાબદારી સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ પર નાંખી દેવાઈ છે કે જેથી એ લોકો ગમે તે બહાનાં કાઢીને છટકી ના શકે.
તમામ પ્લેટફોર્મ્સે યુઝરની ઉંમરી ચકાસણી માટે જડબેસલાક વ્યવસ્થા કરવી પડશે અને તેમાં ચૂક થઈ તો લગભગ 5 કરોડ ઓસ્ટ્રેલિયન ડૉલર સુધીનો દંડ ભરવો પડશે. ભારતીય ચલણમાં ગણો તો લગભગ 300 કરોડ રૂપિયા થયા. અબજોની કમાણી કરતાં સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ માટે પણ આ દંડ બહુ આકરો છે તેથી ઓસ્ટ્રેલિયાની સરકારે બહુ આકરા નિયમો બનાવ્યા છે. બીજા પણ ઘણા આકરા નિયમો બનાવાયા છે પણ તેની ચર્ચા કરવાનો અર્થ નથી કેમ કે તેનો અમલ ઓસ્ટ્રેલિયામાં થવાનો છે તેથી આપણને તેની સાથે લેવાદેવા નથી.
ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન એન્થોની અલ્બેનીસનું કહેવું છે કે, આ પ્રતિબંધ બાળકોને એડિક્શન એટલે કે લત, સાયબર બુલિંગ એટલે કે સોશિયલ મીડિયાના માધ્યમથી થતી કનગત કે હેરાનગતિ તથા મેન્ટલ હેલ્થ એટલે કે માનસિક સ્વાસ્થ્યના જોખમોથી બચાવવા માટે લાવવામાં આવ્યો છે. અલ્બેનીસે તો આ નિર્ણયને ઓસ્ટ્રેલિયા માટે ગર્વનો દિવસ ગણાવીને કહ્યું કે, ઓસ્ટ્રેલિયન પરિવારો મોટી ટેક કંપનીઓ પાસેથી સત્તા પાછી લઈ રહ્યા છે તેથી આ દિવસ દરેક ઓસ્ટ્રેલિયન માટે ગર્વનો છે. પોતે બાળકો બાળકોની જેમ રમી શકે એ અધિકાર પાછો આપી રહ્યા છે અને માતાપિતાને વધુ માનસિક શાંતિ આપી રહ્યા છે.
અલ્બેનિસ પોતાના નિર્ણયને વખાણે તેમાં નવાઈ નથી પણ તેમના નિર્ણયે દુનિયાભરમાં ચર્ચા જગાવી છે તેમાં બેમત નથી. દુનિયાના ઘણા દેશો અલ્બેનિસના નિર્ણય પર ઓળઘોળ થઈ ગયા છે અને ઓસ્ટ્રેલિયાની જેમ પોતે પણ ટીનેજર માટે સોશ્યલ મીડિયાનો વપરાશ પ્રતિબંધ કરી શકે કે નહીં એ વિચારી રહ્યા છે. આપણને બીજા દેશોમાં શું થાય છે તેની સાથે કંઈ લેવાદેવા નથી પણ ભારતમાં ઓસ્ટ્રેલિયાની જેમ ટીનેજર્સ માટે સોશ્યલ પર પ્રતિબંધ મૂકી શકાય કે નહીં એ સવાલ મહત્ત્વનો છે.
ભારતમાં પણ લાંબા સમયથી આ માગ ઉઠી જ રહી છે કેમ કે ભારતમાં પણ બાળકો સોશ્યલ મીડિયાના કારણે ભયંકર સમસ્યાઓનો સામનો કરી જ રહ્યાં છે. ભારતીય બાળકોમાં પણ સોશ્યલ મીડિયાની લત ભયંકર સ્વરૂપ ધારણ કરી જ ચૂકી છે. ભારતમાં પણ બાળકો ભણવાનું છોડીને સોશ્યલ મીડિયાનાં વ્યસની બની રહ્યાં છે અને તેના કારણે પેદા થતી હતાશાનો ભોગ બની જ રહ્યાં છે. ભારતમાં પણ સોશ્યલ મીડિયાના કારણે બાળકો ગુનાખોરી કે બીજી ખરાબ બાબતોના રવાડે ચડે એવું બની જ રહ્યું છે તેથી ઓસ્ટ્રેલિયા કે દુનિયાના બીજા દેશોમાં જે સમસ્યાઓ નડે છે એ ભારતમાં પણ નડે જ છે તેથી ભારત માટે પણ આ મુદ્દો મહત્વનો છે જ.
જો કે ભારતમાં ઓસ્ટ્રેલિયા જેવો કાયદો બને કે કેમ તેમાં શંકા છે. તેનાં ઘણાં બધાં કારણ છે અને મુખ્ય કારણ એ છે કે, ઓસ્ટ્રેલિયાની સરકારની જેમ ભારત સરકારમાં સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ સહિતની વિદેશી કંપનીઓને નાથવાની તાકાત નથી. હમણાં જ સંચાર સાથી એપના મામલે આ વાત સાબિત થયેલી જ છે.
મોદી સરકારે તમામ મોબાઈલ ફોન ઉત્પાદકોને ફરમાન કરેલું કે, તેમણે હવે પછી દરેક મોબાઈલમાં સંચાર સાથી પહેલેથી ઈન્સ્ટોલ કરવી ફરજિયાત છે. એપલ સહિતની કંપનીઓએ તેની સામે વાંધો લઈને રીતસર બગાવત કરીને કહી દીધું કે, અમે આ વાત નથી માનવાના. આ નાફરમાની સામે કશું કરવાના બદલે મોદી સરકારે ઘૂંટણ ટેકવી દીધા ને આ ફરમાન પાછું ખેંચી લીધું.
હવે મોબાઈલ ઉત્પાદક કંપનીઓને જે સરકાર નમાવી ના શકતી હોય એ સરકાર સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સને તો કઈ રીતે કશું પણ કરવાની ફરજ પાડી શકવાની?
બીજું એ કે, ઓસ્ટ્રેલિયા ભારત કરતાં બહુ નાનો દેશ છે. ઓસ્ટ્રેલિયાની વસતી માંડ પોણા ત્રણ કરોડની આસપાસ છે અને બધાં લોકો સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરતાં હોય તો પણ ભારતની સરખામણીમાં સોશ્યલ મીડિયા યુઝર્સની સંખ્યા બહુ નાની કહેવાય. ભારત ઓસ્ટ્રેલિયા કરતાં પચાસ ગણી વસતી ધરાવતો દેશ છે તેથી ભારતમાં સોશ્યલ મીડિયા એકાઉન્ટ્સનો આંકડો બહુ મોટો છે અને ભારતમાંથી સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સને એટલી જંગી આવક થાય છે કે, સરકાર કોઈ પણ નિર્ણય લે તો ભડકો જ થઈ જાય. છેક વાઈટ હાઉસથી દબાણ આવવા માંડે અને આ દબાણ સામે ભારત સરકાર ઝીંક ઝીલી શકે એવી શક્યતા ઓછી છે.