Mon Dec 08 2025

Logo

White Logo

'બાથરૂમની સાંકળ વાસી, 3 લાખની ચોરી' : વડોદરામાં પાડોશીએ જ પાડોશીના ઘરમાં ધાડ પાડી, અને પછી જે થયું…

3 days ago
Author: Devayat Khatana
Video

વડોદરા: આપણે ત્યાં કહેવત છે કે "પહેલો સગો પાડોશી". એટલે કે કોઇ પણ અણધારી પરિસ્થિતીમાં સૌથી પહેલી નજર પાડોશી પર જ પડે. સગાંવહાલાં ગામમાં રહેતાં હોય તો ઠીક, બીજે હોય તો ત્યાંથી આવે ત્યાં સુધીમાં તો ઘણું બધુ થઈ ચૂક્યું હોય. પરંતુ વડોદરાની એક ઘટનાએ તો આ કહેવતથી ઊલટું જ સાબિત કર્યું છે કે જેમાં એક પાડોશી મહિલાએ જ બીજી પાડોશીના ઘરમાં ૩ લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 

મળતી વિગતો અનુસાર, વડોદરાના તરસાલી વિસ્તારમાં એક પાડોશી મહિલાએ જ બીજી પાડોશીના ઘરમાં ચોરી કરી હતી. મીનાક્ષી રાજપૂત નામની મહિલા જ્યારે પોતાના ઘરમાં બાથરૂમમાંથી બહાર નીકળી, ત્યારે તેમણે જોયું કે તેમનો બેડરૂમ વેરવિખેર હતો. કબાટ ખુલ્લો હતો, લોકર પણ ખુલ્લું હતું અને તેમાંથી આશરે ₹૩ લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના અને રોકડ ગાયબ હતા. ઘરફોડ ચોરીની જાણ થતાં જ રાજપૂતે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

જોકે, ગુરુવારે જ્યારે પોલીસે આ ચોરીના કેસમાં શંકાસ્પદ આરોપીની ધરપકડ કરી, ત્યારે મીનાક્ષી રાજપૂતને એક જોરદાર આંચકો લાગ્યો હતો. પોલીસે તેમની બાજુમાં જ રહેતી ૩૨ વર્ષીય નીતુ શાહની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર નીતુ શાહ ગંભીર આર્થિક તંગીમાંથી પસાર થઈ રહી હતી. પહેલા તે નોકરી કરતી હતી, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું હતું, જેના કારણે તેણે નિરાશામાં આવીને ચોરીનું કાવતરું ઘડ્યું હતું.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ ચોરીનો પ્લાન ખૂબ જ સાવચેતીપૂર્વક ઘડવામાં કરવામાં આવી હતી. નીતુ શાહ મીનાક્ષી રાજપૂતની રોજિંદી ગતિવિધિઓ પર સતત નજર રાખી રહી હતી. ક્રાઈમ બ્રાન્ચના ઈન્સ્પેક્ટર આર.જી. જાડેજાએ માહિતી આપી કે, શાહને બરાબર ખબર હતી કે રાજપૂત ક્યારે નાહવા જાય છે, કેટલો સમય બાથરૂમમાં રહે છે અને તે ઘરમાંથી દરવાજો અંદરથી બંધ કરતી નથી. ત્રણ દિવસ પહેલા, રાજપૂત બાથરૂમમાં ગયા કે તરત જ નીતુ ચૂપચાપ ઘરમાં ઘૂસી ગઈ હતી અને સૌથી પહેલા તેણે બાથરૂમનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો, જેથી મીનાક્ષી બહાર ન આવી શકે.

બાથરૂમનો દરવાજો બંધ કર્યા પછી, આરોપી મહિલાએ કબાટનું લોકર ખોલીને સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી અને ત્યાંથી ફરાર થઈ ગઈ હતી. બીજી તરફ, બાથરૂમમાં બંધ થયેલા મીનાક્ષીએ ઘણી મહેનત બાદ દરવાજો ખોલાવ્યો અને ત્યારે તેને ચોરીની જાણ થઈ હતી. પોલીસે આ કેસની તપાસ દરમિયાન પરિચિત વ્યક્તિની સંડોવણીની શંકા વ્યક્ત કરી હતી. ફરિયાદ કરનારે નીતુ શાહ પર શંકા વ્યક્ત કરી હતી, જેના આધારે પોલીસે પૂછપરછ અંતે ભાંગી પડી હતી અને સમગ્ર ગુનાની કબૂલાત કરી લીધી. પોલીસે ચોરી થયેલા તમામ દાગીના શાહ પાસેથી રિકવર કરી લીધા હતા.